Gujarat

3.38 લાખથી વધુ ખેડૂતો પાસેથી 2804 કરોડથી વધુ મૂલ્યના ચણાની ખરીદી કરી શકાશે

ગાંધીનગર: ગુજરાતમાં સારા પાછોતરા વરસાદને પરિણામે ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં ચણાનું વાવેતર કરવાથી રાજ્યમાં ચણાનું વિપુલ ઉત્પાદન થયું છે. જેના ભાગરૂપે કેન્દ્ર દ્વારા સૌપ્રથમ ૩,૧૯,૯૫૭ મે.ટન ચણાના જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવા મંજૂરી આપવામાં આવી હતી. ગુજરાતમાં ટેકાના ભાવે ચણાના વેચાણ માટે કુલ ૩,૩૮,૭૭૭ ખેડૂતો દ્વારા નોંધણી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે વધુ ચણાની ખરીદીની માંગણી કરાતાં કેન્દ્ર સરકાર દ્વારા ૪,૬૫,૮૧૮ મે.ટન ચણાની ખરીદી કરવા મંજૂરી આપવામાં આવી છે.

કૃષિ મંત્રીએ રાઘવજી પટેલે ગાંધીનગરમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં તા.૦૬ મે-૨૦૨૨ની સ્થિતિએ ૨,૮૩,૧૪૦ ખેડૂતોને તક આપી કુલ ૪,૫૯,૧૫૩ મે.ટન ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. રાજ્યમાં ચણાના બજાર ભાવની સરખામણીએ ટેકાના ભાવ વધારે હોવાથી ખેડૂતોએ ટેકાના ભાવે ચણાનું વેચાણ કરવાના વિકલ્પ પર પસંદગી ઉતારી છે. જેથી રાજ્ય સરકારની રજૂઆત સંદર્ભે કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતોના હિતમાં જથ્થો વધારી કુલ ૫,૩૬,૨૨૫ મે.ટન ચણાની ટેકાના ભાવે ખરીદી કરવા મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી રાજ્યમાં નોંધાયેલા તમામ ૩,૩૮,૭૭૭ ખેડૂતોને સમાન રીતે પૂરતી તક આપી રૂ.૨૮૦૪.૪૬ કરોડ જેટલી માતબર રકમના મૂલ્યના ચણાની ટેકાના ભાવે ખરીદી કરી શકાશે.

પટેલે કહ્યું હતું કે, હજી પણ ખેડૂતોની માંગ મુજબ ટેકાના ભાવે ચણાની ખરીદીનો જથ્થો વધારવાની જરૂરિયાત જણાય તો આશરે રૂ.૧૩૦ કરોડના મૂલ્યના ૨૫,૦૦૦ મે.ટન ચણાની ટેકાના ભાવે ખરીદી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ફંડમાંથી કરવામાં આવશે. રાજ્યમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણા ખરીદવા માટે તા.૧ માર્ચ-૨૦૨૨થી શરૂ થયેલી આ ખરીદી આગામી તા.૨૯ મે-૨૦૨૨ સુધી ચાલુ રહેશે.

આ વર્ષે ટેકાના ભાવે ચણાની ખરીદીમાં ખેડૂતોને કોઇ તકલીફ ન પડે એ માટે ખેતીવાડી ખાતું અને ગુજકોમાસોલ સતત પ્રયત્નશીલ છે. જે કામગીરી પ્રસંશનીય છે. ખેડૂતોના હકનાં નાણાંમાં ગેરરીતિ આચરનાર કોઇપણ પ્રયત્નોને રાજ્ય સરકાર સાંખી લેશે નહીં. સરકાર આવા ગેરરીતિના કિસ્સાઓમાં નિયમોનુસાર કડક કાર્યવાહી કરશે તેમ પટેલે જણાવ્યું હતું.

Most Popular

To Top