Business

સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો, બ્રેન્ટ ક્રૂડ ફરી 90 ડોલર પાર પહોંચ્યું

મુંબઈ અને અમદાવાદના ઝવેરી બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં નરમાઈ અને રૂપિયા સામે ડોલર નબળો પડતા આયાત ખર્ચમાં ઘટાડો થયો છે, જેના કારણે સ્થાનિક બજારમાં પણ સોના-ચાંદીના ભાવ દબાણ હેઠળ રહ્યા. બીજી તરફ, ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી તેજી જોવા મળી છે અને બ્રેન્ટ ક્રૂડનો ભાવ ફરી એકવાર પ્રતિ બેરલ 90 ડોલરથી ઉપર પહોંચી ગયો છે.

અમદાવાદ ઝવેરી બજારમાં આજે 10 ગ્રામ સોનાના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થયો છે. 995 શુદ્ધતાવાળા સોનાનો ભાવ 1,47,200 રૂપિયા જ્યારે 999 શુદ્ધતાવાળા સોનાનો ભાવ 1,47,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. ચાંદીના ભાવમાં પણ પ્રતિ કિલો 1,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને તેનો ભાવ 2,25,000 રૂપિયા પ્રતિ કિલો રહ્યો છે. મુંબઈ બુલિયન માર્કેટમાં પણ સોનાના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. જીએસટી વગર 995 શુદ્ધતાવાળા સોનાનો ભાવ 1,42,288 રૂપિયા અને 999 શુદ્ધતાવાળા સોનાનો ભાવ 1,42,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. ચાંદીના ભાવમાં પણ 400 રૂપિયાનો ઘટાડો થઈ જીએસટી વગર પ્રતિ કિલો 2,18,295 રૂપિયા રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં દિવસ દરમિયાન ભારે વધઘટ જોવા મળી હતી. સોનાનો ભાવ એક સમયે પ્રતિ ઔંસ 4,111 ડોલર સુધી પહોંચ્યો હતો, પરંતુ બાદમાં નફાવસૂલીના કારણે ઘટીને આશરે 4,054 ડોલર આસપાસ ટ્રેડ થતો જોવા મળ્યો. ચાંદીના ભાવમાં પણ વધઘટ રહી અને તે પ્રતિ ઔંસ લગભગ 57.87 ડોલર આસપાસ રહ્યા. બીજી તરફ, વૈશ્વિક ક્રૂડ ઓઈલ બજારમાં ફરી તેજી જોવા મળી છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ દિવસ દરમિયાન ઘટીને 86.79 ડોલર સુધી ગયો હતો, પરંતુ ત્યારબાદ તેમાં જોરદાર ઉછાળો આવ્યો અને તે ફરી 90.31 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો. યુએસ ક્રૂડનો ભાવ પણ 81.06 ડોલરની નીચી સપાટીથી વધીને 84.98 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યો હતો.

બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ડોલરના ભાવમાં થતા ફેરફાર, વૈશ્વિક આર્થિક સ્થિતિ અને ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટની સીધી અસર કિંમતી ધાતુઓના બજાર પર જોવા મળે છે. જાપાને કેનેડાથી ફરી ક્રૂડ ઓઈલની આયાત શરૂ કરવાના સમાચાર બાદ પણ વૈશ્વિક ક્રૂડ બજારમાં તેજીનું વાતાવરણ જોવા મળ્યું હતું.

Most Popular

To Top