જંતર-મંતર ખાતે પેપર લીક મુદ્દે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક કિશોર-કિશોરીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા અંગે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે આ સમગ્ર ઘટનાએ દેશભરમાં ભારે ચર્ચા જગાવી હતી. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે આ મુદ્દે ભાવુક વીડિયો સંદેશ જાહેર કરીને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે તેઓ પોતાના અને પોતાની માતા વિરુદ્ધ અપશબ્દો બોલનારા બાળકોને માફ કરે છે અને સમાજે પણ તેમને સુધરવાની તક આપવી જોઈએ.મોદીએ જણાવ્યું કે બાળપણમાં ભૂલો થતી હોય છે અને દરેક બાળકને પોતાની ભૂલ સુધારવાની તક મળવી જોઈએ. તેમણે કહ્યું કે ગુસ્સો, બદલો કે કાનૂની દબાણથી સમસ્યાનો ઉકેલ આવતો નથી, પરંતુ પ્રેમ અને યોગ્ય માર્ગદર્શનથી બાળકોમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે.
“મને અને મારી માતાને ગાળો અપાઈ, છતાં હું માફ કરું છું”
વડાપ્રધાને પોતાના સંદેશમાં કહ્યું કે વિરોધ દરમિયાન તેમને જ નહીં પરંતુ તેમની સ્વર્ગસ્થ માતાને પણ અત્યંત અપમાનજનક શબ્દો કહેવામાં આવ્યા હતા. તેમ છતાં તેમણે કોઈ કડવાશ રાખ્યા વગર માફીનો માર્ગ પસંદ કર્યો.તેમણે કહ્યું કે સમાજમાં આ ઘટનાને લઈને જે આક્રોશ છે તે સ્વાભાવિક છે, કારણ કે કોઈ પણ વ્યક્તિને દુઃખ થાય કે દેશની દીકરીઓ આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરે. પરંતુ આવા બાળકોને ગુનેગાર તરીકે નહીં પરંતુ ભટકાયેલા બાળકો તરીકે જોવાની જરૂર છે.
“કોર્ટના ચક્કર નહીં, સાચો માર્ગ બતાવો”
મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે બાળકોને કોર્ટમાં ખેંચવાથી, કેસો કરીને અથવા તેમને સમાજમાં અપમાનિત કરીને કોઈ સકારાત્મક પરિણામ મળવાનું નથી.તેમણે કહ્યું કે બાળકોને ગળે લગાવીને સાચો માર્ગ બતાવવો એ સમાજની જવાબદારી છે. જો આપણે તેમને સમજાવશું તો તેઓ ભવિષ્યમાં વધુ સારા નાગરિક બની શકે છે.
કિશોરીઓએ પણ જાહેરમાં માફી માંગી
વડાપ્રધાનના નિવેદન બાદ વિરોધ પ્રદર્શનમાં સામેલ રહેલી કેટલીક કિશોરીઓએ પણ જાહેરમાં વીડિયો બહાર પાડી પોતાની ભૂલ સ્વીકારી છે.તેમાથી એક કિશોરી રૂચિકા સિંહે ભાવુક વીડિયો જાહેર કરીને જણાવ્યું કે તેનાથી મોટી ભૂલ થઈ ગઈ હતી. તેણે કહ્યું કે કેટલાક લોકોના પ્રભાવ હેઠળ આવીને તેણે વડાપ્રધાન માટે અપમાનજનક શબ્દો કહ્યા હતા. હવે તેને પોતાના વર્તન પર પસ્તાવો છે અને તે વડાપ્રધાન તેમજ સમગ્ર દેશ પાસે માફી માંગે છે.રૂચિકાએ વીડિયોમાં જણાવ્યું કે તે માત્ર 15 વર્ષની છે અને તેની ઉંમરને ધ્યાનમાં રાખીને તેને માફ કરવામાં આવે તેવી વિનંતી કરી છે. બીજી એક કિશોરીએ પણ રડતાં-રડતાં માફી માંગી હોવાનું સામે આવ્યું છે.
પોલીસ કાર્યવાહી અંગે હજુ સવાલો યથાવત્
આ ઘટનાને લઈને કેટલીક કિશોરીઓ સામે પોલીસ કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. રૂચિકા સિંહ વિરુદ્ધ નોઈડામાં ઝીરો FIR નોંધાઈ હોવાના અહેવાલો સામે આવ્યા હતા, જેને આગળની તપાસ માટે દિલ્હીના સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું કહેવાય છે.આ ઉપરાંત કેટલાક અન્ય બાળકો સામે પણ સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી અથવા પૂછપરછ ચાલી રહી હોવાના અહેવાલો છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે વડાપ્રધાને માફી જાહેર કર્યા બાદ શું આ કાર્યવાહી અટકશે કે નહીં.
શું સોશિયલ મીડિયા પર પણ બદલાશે માહોલ?
આ સમગ્ર વિવાદ દરમિયાન સોશિયલ મીડિયા પર પણ ભારે પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. કેટલાક લોકો દ્વારા બાળકોને સતત નિશાન બનાવવામાં આવ્યા હોવાના આરોપો સામે આવ્યા હતા.હવે વડાપ્રધાને ખુદ માફી અને સંયમનો સંદેશ આપ્યા બાદ સવાલ એ ઊભો થયો છે કે શું સોશિયલ મીડિયા પર પણ ટ્રોલિંગ અને નિશાન બનાવવાની પ્રવૃત્તિ બંધ થશે? શું રાજકીય કાર્યકરો અને સમર્થકો પણ વડાપ્રધાનના સંદેશને અનુસરી આ મુદ્દે શાંતિનો માર્ગ અપનાવશે?
સમાજ માટે શું સંદેશ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિવેદનને ઘણા લોકો સમાધાન અને સંવેદનશીલ અભિગમ તરીકે જોઈ રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે બાળકો ભૂલ કરે તો તેમને સજા કરતાં વધુ જરૂરી તેમને સમજાવવાની અને યોગ્ય દિશા આપવાની છે. હવે નજર એ વાત પર રહેશે કે વડાપ્રધાનની આ અપીલનો પ્રભાવ માત્ર નિવેદન સુધી સીમિત રહે છે કે વાસ્તવમાં પોલીસ કાર્યવાહી, સામાજિક વર્તન અને સોશિયલ મીડિયા પર પણ તેની અસર જોવા મળે છે. હાલમાં દેશભરમાં આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે અને સૌની નજર હવે આગામી ઘટનાઓ પર છે.