10 દરવાજા ખોલાયા; મોરબીનો મચ્છુ-2 ડેમ 100% ભરાયો
ગુજરાતમાં ચોમાસાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. 31 જુલાઈ, 2026ના રોજ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આજે પણ અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ તોફાની બેટિંગ ચાલુ રાખી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે, જ્યારે રાજ્યના અનેક ડેમોમાં પાણીની ભારે આવક થતાં દરવાજા ખોલવાની ફરજ પડી છે. સુરેન્દ્રનગર, મોરબી, પંચમહાલ, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં સ્થિતિ ગંભીર બની છે.
સુરતના અંબિકામાં 24.06 ઇંચ વરસાદ, રાજ્યભરમાં મેઘતાંડવ
31 જુલાઈના રોજ રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના અંબિકા વિસ્તારમાં નોંધાયો હતો. માત્ર 24 કલાકમાં 24.06 ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. રાજ્યના ત્રણ તાલુકાઓમાં 16 ઇંચથી વધુ અને નવ તાલુકાઓમાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.સુરત, તાપી, નવસારી, ખેડા, ભરુચ, વલસાડ, ડાંગ, આણંદ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અમદાવાદમાં પણ સતત વરસાદથી અનેક રસ્તાઓ જળમગ્ન બન્યા હતા. રાજ્યના કુલ 255 તાલુકાઓમાં વરસાદ નોંધાતા સમગ્ર ગુજરાત વરસાદના પ્રભાવ હેઠળ આવ્યું છે.
સુરેન્દ્રનગરમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ, લખતરમાં જળબંબાકાર
ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં તબાહી મચાવ્યા બાદ આજે મેઘરાજાએ સુરેન્દ્રનગર જિલ્લાને બાનમાં લીધો છે. સવારે માત્ર ચાર કલાકમાં અનેક તાલુકાઓમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.લખતર તાલુકામાં તો માત્ર બે કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડતાં શહેર અને ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા હતા અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
નાયકા ડેમમાં પાણીની જંગી આવક, 10 દરવાજા ખોલાયા
ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે સુરેન્દ્રનગર જિલ્લાના નાયકા ડેમમાં પાણીની ભારે આવક થઈ છે. ડેમમાં 22,666 ક્યુસેક નવા પાણીની આવક નોંધાતા તંત્રએ ડેમના 10 દરવાજા 1.82 મીટર સુધી ખોલી દીધા છે.
હાલ ડેમમાંથી આશરે 20,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના ગામોના લોકોને સાવચેત રહેવા માટે વહીવટી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વાંસલ ડેમ ઓવરફ્લો, ગામડાઓમાં ચેતવણી
સુરેન્દ્રનગર જિલ્લાના વાંસલ ડેમમાં પણ સતત પાણીની આવકને કારણે ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે અને ઓવરફ્લો થયો છે.તંત્ર દ્વારા ચુડા અને ગોખરવાળા સહિત ડેમના નીચાણવાળા ગામોના રહેવાસીઓને નદીના પટમાં ન જવા, નદી ઓળંગવાનો પ્રયાસ ન કરવા અને પોતાના ઢોર-ઢાંખર તથા માલમિલકતને સુરક્ષિત સ્થળે ખસેડવા સૂચના આપવામાં આવી છે. ગ્રામજનોને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
મોરબીનો મચ્છુ-2 ડેમ 100 ટકા ભરાયો
રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદને કારણે મોરબી જિલ્લાનો ઐતિહાસિક મચ્છુ-2 ડેમ પણ તેની સંપૂર્ણ જળસપાટીએ પહોંચી ગયો છે. ડેમ 100 ટકા ભરાઈ જતાં તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ હોવાથી જરૂરિયાત મુજબ પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. ડેમની આસપાસના વિસ્તારોમાં પણ સાવચેતી રાખવા સૂચનાઓ આપવામાં આવી છે.
પંચમહાલમાં હડફ ડેમનો એક ગેટ ખોલાયો
પંચમહાલ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે હડફ ડેમમાં 1,400 ક્યુસેક નવા પાણીની આવક નોંધાઈ છે.ડેમની જળસપાટી 164.55 મીટરે પહોંચતાં રૂલ લેવલ જાળવવા માટે ડેમનો એક ગેટ અડધો ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે અને હડફ નદીમાં 623 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.ડેમમાંથી પાણી છોડાતા ખાનપુર, માતરિયા, ડાંગરિયા, કુવાઝર, કડાદરા અને મોરવાહડફ સહિત નદીકાંઠાના છથી વધુ ગામોના લોકોને એલર્ટ કરીને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
નસવાડીમાં કરોડોના બ્રિજનો એપ્રોચ ધોવાયો
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના મોધલા ગામે અશ્વિન નદી પર બે કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવેલા નવા બ્રિજનો એપ્રોચ રોડ ભારે વરસાદના કારણે ધોવાઈ ગયો છે.હજુ બ્રિજનું લોકાર્પણ પણ થયું નહોતું ત્યાં જ એપ્રોચ રોડ તૂટી જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. સ્થાનિક લોકોએ બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે નદીના પટને ધ્યાનમાં રાખીને બ્રિજની પૂરતી લંબાઈ રાખવામાં આવી ન હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે.
અમદાવાદ સહિત અનેક શહેરોમાં વરસાદી માહોલ
અમદાવાદમાં પણ સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અનેક વિસ્તારોમાં ધીમેથી લઈને ભારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ટ્રાફિક પર અસર પડી હતી અને લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
તંત્રની મહત્વની અપીલ
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી વહીવટી તંત્રએ નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેત રહેવા અપીલ કરી છે. નદીમાં ઉતરવું નહીં, પાણીના પ્રવાહવાળા વિસ્તારોમાં અવરજવર ટાળવી, બાળકોને નદી-તળાવ નજીક ન જવા દેવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની, નદીઓમાં જળસ્તર વધવાની તેમજ વધુ ડેમોના દરવાજા ખોલવાની સ્થિતિ સર્જાઈ શકે છે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને લોકોને અનાવશ્યક મુસાફરી ટાળવા તેમજ સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.