World

કુલગામમાં આતંકી હુમલો વધુ ઘાતક બન્યો: છત્તીસગઢના બીજા મજૂરનું પણ મોત, બંને પરિવારો પર આભ તૂટી પડ્યો

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સ્થળાંતરિત મજૂરોને નિશાન બનાવી કરવામાં આવેલા આતંકી હુમલામાં મૃત્યુઆંક વધીને બે થયો છે. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા છત્તીસગઢના 28 વર્ષીય ભુપેન્દ્ર ભૈનાનું શ્રીનગર સ્થિત શેરી-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (SKIMS) હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. આ પહેલાં આ જ હુમલામાં 24 વર્ષીય દીપક રાત્રેનું ઘટનાસ્થળ બાદ હોસ્પિટલમાં મોત થયું હતું. બંને રોજગાર માટે છત્તીસગઢથી કાશ્મીર ગયા હતા અને કુલગામના કેલમ ગામમાં આવેલા ઈંટના ભઠ્ઠા પર કામ કરતા હતા.શુક્રવારે સાંજે થયો નિશાન બનાવી હુમલો કર્યો, અધિકારીઓના જણાવ્યા મુજબ, કુલગામ જિલ્લાના કેલમ વિસ્તારમાં શુક્રવારે સાંજે આતંકીઓએ ઈંટના ભઠ્ઠા પર કામ કરી રહેલા બે બહારના મજૂરો પર નજીકથી ગોળીબાર કર્યો હતો. હુમલામાં બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક અનંતનાગની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં દીપક રાત્રેનું મોત થયું હતું, જ્યારે ભુપેન્દ્ર ભૈનાને વધુ સારવાર માટે શ્રીનગરની SKIMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેઓ પણ જીવતા બચી શક્યા નહીં.

રોજગારની શોધમાં ગયા, આતંકનો ભોગ બન્યા
મૃતક ભુપેન્દ્ર ભૈના મૂળ છત્તીસગઢના સારંગઢ-બિલાઈગઢ જિલ્લાના ધનસીર છુઈહા ગામના રહેવાસી હતા. તેઓ પોતાની પત્ની સાથે રોજગારની શોધમાં જમ્મુ-કાશ્મીર ગયા હતા. મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા ભુપેન્દ્રના મોતથી પરિવાર પર આર્થિક અને માનસિક સંકટ તૂટી પડ્યું છે.બીજા મૃતક દીપક રાત્રે છત્તીસગઢના શક્તિ જિલ્લાના રહેવાસી હતા. તેઓ પણ એ જ ઈંટના ભઠ્ઠા પર કામ કરતા હતા. બંને યુવાનો પરિવારના ભવિષ્ય માટે કમાણી કરવા ઘરથી દૂર ગયા હતા, પરંતુ આતંકવાદીઓની ગોળીનો ભોગ બન્યા.

પરિવાર પર દુઃખનો પહાડ
ભુપેન્દ્ર પોતાના પાછળ પત્ની, બે વર્ષનો માસૂમ પુત્ર, વૃદ્ધ દાદી અને બહેનને છોડીને ગયા છે. તેમના માતા-પિતા પણ રોજગાર માટે હિમાચલ પ્રદેશમાં હતા. ગામમાં તેમના અવસાનના સમાચાર પહોંચતા જ શોકનું મોજું ફરી વળ્યું અને મોટી સંખ્યામાં લોકો પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા.

રૂ. 10-10 લાખની અનુગ્રહ સહાયની જાહેરાત
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી કાર્યાલયે આ આતંકી હુમલાની કડક નિંદા કરી છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારને મુખ્યમંત્રી રાહત કોષમાંથી રૂ. 10-10 લાખની અનુગ્રહ સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત જિલ્લા પ્રશાસન તરફથી અલગથી રૂ. 6-6 લાખની તાત્કાલિક સહાય પણ આપવામાં આવશે.

છત્તીસગઢના મુખ્યમંત્રીની પ્રતિક્રિયા
છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયે ઘટનાને અત્યંત દુઃખદ અને કાયરતાપૂર્ણ આતંકી હુમલો ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર પીડિત પરિવારોની સાથે મજબૂતીથી ઉભી છે અને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે. તેમણે બંને શ્રમિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને શોકસંતપ્ત પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન શરૂ
હુમલા બાદ સમગ્ર કુલગામ વિસ્તારમાં સુરક્ષા દળોએ ઘેરાબંધી કરી છે. હુમલાખોર આતંકીઓને શોધવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, હુમલામાં સામેલ આતંકીઓની ઓળખ અને ધરપકડ માટે તપાસ તેજ કરવામાં આવી છે.

10 દિવસમાં બીજી મોટી આતંકી ઘટના
અહેવાલો મુજબ, છેલ્લા દસ દિવસમાં જમ્મુ-કાશ્મીરમાં નિશાન બનાવી કરવામાં આવેલી આ બીજી મોટી આતંકી ઘટના છે. સ્થળાંતરિત મજૂરો પર થયેલા આ હુમલાએ ફરી એકવાર તેમની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સુરક્ષા એજન્સીઓ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને હુમલાખોરોને ઝડપવા માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

Most Popular

To Top