National

કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, PM-KISAN યોજના વધુ 5 વર્ષ ચાલુ રહેશે, ખેડૂતોને મળશે ₹3.15 લાખ કરોડની સહાય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાને નાણાકીય વર્ષ 2026-27થી 2030-31 સુધી વધુ 5 વર્ષ માટે ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ સમયગાળા દરમિયાન યોયજના માટે કુલ ₹3.15 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 31 જુલાઈ, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ખેડૂતોને દર વર્ષે મળશે 6,000ની સીધી સહાય

PM-KISAN યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે ₹6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ ₹2,000ના 3 સમાન હપ્તામાં સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ સહાયનો હેતુ ખેડૂતોને બીજ, ખાતર, જંતુનાશક દવાઓ અને અન્ય ખેતી સંબંધિત જરૂરિયાતો માટે સમયસર નાણાકીય મદદ પૂરી પાડવાનો છે.

ખાસ કરીને ખરીફ વાવણી, ખરીફ પાકની કાપણી અને રવિ સિઝનની તૈયારી જેવા મહત્વના સમયગાળામાં આ સહાય ખેડૂતોને મોટી રાહત આપે છે.

DBTથી પારદર્શક રીતે મળે છે સહાય

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે PM-KISAN યોજના ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા અમલમાં મૂકવામાં આવે છે. આધાર આધારિત ચકાસણી અને ડિજિટલ વેરિફિકેશનના કારણે સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામાં પહોંચે છે, જેના કારણે પારદર્શિતા વધે છે અને ગેરરીતિની શક્યતા ઘટે છે. ફેબ્રુઆરી 2019માં શરૂ થયેલી આ યોજના હેઠળ અત્યાર સુધી કુલ 23 હપ્તા ચૂકવવામાં આવ્યા છે.

9.49 કરોડથી વધુ ખેડૂતોને મળ્યો લાભ

સરકારના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ₹4.47 લાખ કરોડથી વધુની સહાય સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી છે. યોજનાનો લાભ 9.49 કરોડથી વધુ ખેડૂતોને મળ્યો છે. માત્ર 23મા હપ્તા હેઠળ જ ₹18,984 કરોડથી વધુની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી હતી.

કોવિડ-19 મહામારી દરમિયાન પણ ખેડૂતોને આર્થિક સહારો આપવા માટે આ યોજના હેઠળ ₹1.71 લાખ કરોડથી વધુની સહાય આપવામાં આવી હતી.

મહિલા ખેડૂતોને પણ થયો મોટો લાભ

PM-KISAN યોજનાનો લાભ મહિલા ખેડૂતોને પણ નોંધપાત્ર પ્રમાણમાં મળ્યો છે. અત્યાર સુધી મહિલા ખેડૂતોને ₹1.06 લાખ કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. હાલમાં યોજનાના લગભગ દરેક 4 લાભાર્થીમાંથી 1 મહિલા ખેડૂત છે, જે સરકારના સમાવેશી વિકાસના અભિગમને દર્શાવે છે.

અભ્યાસમાં સામે આવ્યા સકારાત્મક પરિણામો

નીતિ આયોગના ડેવલપમેન્ટ મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન ઓફિસ (DMEO) સહિતની સ્વતંત્ર સંસ્થાઓના અભ્યાસ અનુસાર 92 ટકાથી વધુ ખેડૂતો આ સહાયનો ઉપયોગ ખેતીમાં રોકાણ માટે કરે છે. જ્યારે 85 ટકા ખેડૂતોનું કહેવું છે કે યોજનાના કારણે તેમની આવકમાં વધારો થયો છે અને ખાનગી ધિરાણ પરની નિર્ભરતા ઘટી છે.

સરકારના જણાવ્યા મુજબ 2020-21થી 2025-26 દરમિયાન દેશમાં ખાદ્યાન્ન ઉત્પાદન, ખેતી વિસ્તાર અને ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ખેતીનો વિસ્તાર આશરે 9.65 ટકા વધ્યો, ઉત્પાદકતામાં લગભગ 10.53 ટકાનો વધારો થયો અને કુલ ખાદ્યાન્ન ઉત્પાદન અંદાજે 21.18 ટકા વધ્યું છે.

કેન્દ્ર સરકારનું માનવું છે કે PM-KISAN યોજના ખેડૂતોને આર્થિક રીતે વધુ સશક્ત બનાવવાની સાથે ગ્રામીણ અર્થતંત્રને પણ નવી ગતિ આપી રહી છે.

Most Popular

To Top