અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને તમામ ફોર્મેટમાંથી તાત્કાલિક અસરથી નિવૃત્તિની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર શેર કરેલા ભાવુક વીડિયોમાં રહાણેએ પોતાના 12 વર્ષના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરને અલવિદા કહ્યું અને ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલી દરેક યાદોને જીવનની સૌથી મોટી સંપત્તિ ગણાવી. તેમના આ નિર્ણય સાથે ભારતીય ક્રિકેટના સૌથી વિશ્વસનીય મધ્યક્રમના બેટ્સમેનોમાંથી એક ખેલાડીનો આંતરરાષ્ટ્રીય પ્રવાસ પૂર્ણ થયો છે. રહાણેએ વર્ષ 2011માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું અને 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી ટેસ્ટ મેચ તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રહી. તેમણે ભારત માટે કુલ 85 ટેસ્ટ, 90 વનડે અને 20 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ટેસ્ટ ક્રિકેટમાં તેમણે 12 સદી સાથે 5,077 રન બનાવ્યા, જ્યારે વનડેમાં 2,962 અને ટી-20માં 375 રન નોંધાવ્યા હતા.
રહાણેના કરિયરની સૌથી યાદગાર સિદ્ધિ 2020-21ની ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણી રહી હતી. એડિલેડ ટેસ્ટમાં ભારત માત્ર 36 રનમાં ઓલઆઉટ થયા બાદ ટીમ પર સંકટ ઊભું થયું હતું. તે સમયે વિરાટ કોહલીની ગેરહાજરીમાં રહાણેએ ટીમની કમાન સંભાળી હતી. મેલબોર્ન ટેસ્ટમાં શાનદાર સદી ફટકારીને તેમણે ટીમને જીત અપાવી હતી અને ત્યારબાદ ભારતે ગાબા ખાતે ઐતિહાસિક જીત સાથે 2-1થી શ્રેણી પોતાના નામે કરી હતી. આ જીત ભારતીય ક્રિકેટના ઇતિહાસની સૌથી યાદગાર ટેસ્ટ શ્રેણીમાંથી એક માનવામાં આવે છે. વિદેશી પિચ પર રહાણેનું પ્રદર્શન ખાસ રહ્યું હતું. લોર્ડ્સ, વેલિંગ્ટન, મેલબોર્ન, કોલંબો અને કિંગ્સ્ટન જેવા મેદાનો પર તેમણે મહત્વપૂર્ણ ટેસ્ટ સદી ફટકારી હતી. ખાસ કરીને મુશ્કેલ પરિસ્થિતિમાં ટીમને સંભાળવાની તેમની ક્ષમતાને કારણે તેઓ ભારતના સૌથી વિશ્વાસપાત્ર ટેસ્ટ બેટ્સમેન તરીકે ઓળખાયા હતા.
રહાણેએ ભારત માટે છ ટેસ્ટમાં કેપ્ટનશિપ પણ કરી હતી, જેમાં ચાર મેચમાં જીત અને બે મેચ ડ્રો રહી હતી. તેમના શાંત સ્વભાવ અને દબાણમાં પણ યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતાએ તેમને ખેલાડીઓ અને ચાહકો વચ્ચે વિશેષ સ્થાન અપાવ્યું હતું. નિવૃત્તિની જાહેરાત કરતાં રહાણેએ કહ્યું કે તેમણે હંમેશા દેશને પોતાનાથી ઉપર રાખ્યો અને દરેક મેચ સંપૂર્ણ ઈમાનદારી અને સમર્પણ સાથે રમી. તેમણે જણાવ્યું કે ભારતીય ક્રિકેટર તરીકેનો તેમનો અધ્યાય પૂર્ણ થયો છે, પરંતુ ક્રિકેટ સાથેનો સંબંધ ક્યારેય સમાપ્ત નહીં થાય. હવે તેઓ આગામી પેઢીના ખેલાડીઓને માર્ગદર્શન આપવા અને રમતને કંઈક પરત આપવાની ઈચ્છા ધરાવે છે.
આઈપીએલમાં રહાણે છેલ્લે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી રમ્યા હતા અને છેલ્લા બે સિઝનમાં ટીમની કેપ્ટનશિપ પણ સંભાળી હતી. તેમના નિવૃત્તિના નિર્ણય બાદ હવે KKRને નવા કેપ્ટનની શોધ કરવી પડશે. નિવૃત્તિના સંદેશમાં રહાણેએ BCCI, મુંબઈ ક્રિકેટ એસોસિએશન, પોતાના તમામ કોચ, સાથી ખેલાડીઓ, IPL ફ્રેન્ચાઈઝીઓ, પરિવાર, મિત્રો અને દરેક ક્રિકેટ ચાહકનો દિલથી આભાર માન્યો. ભાવુક સંદેશ સાથે તેમણે કહ્યું કે ક્રિકેટે તેમને જીવનમાં ઘણું આપ્યું છે અને હવે તે જ રમતને કંઈક પાછું આપવાનો સમય આવી ગયો છે.