Business

ભારત-ચીન વચ્ચે ફરી ખુલ્યા વેપારના રસ્તા, નાથુલા અને લિપુલેખ પાસથી આજથી સરહદી વેપાર શરૂ

ભારત અને ચીન વચ્ચે સરહદી વેપારને લઈને મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આજથી સિક્કિમના નાથુલા પાસ અને ઉત્તરાખંડના લિપુલેખ પાસ મારફતે બંને દેશો વચ્ચે ફરી વેપાર શરૂ થયો છે. કોરોના મહામારી દરમિયાન બંધ થયેલો વેપાર હવે ફરી શરૂ થતાં સરહદી વિસ્તારોના વેપારીઓને મોટી રાહત મળશે. ખાસ કરીને જૂના સિલ્ક રૂટ પર લગભગ 6 વર્ષ બાદ વેપાર ફરી શરૂ થતાં પૂર્વોત્તર ભારત અને ઉત્તરાખંડના સરહદી વિસ્તારોની અર્થવ્યવસ્થાને નવી ગતિ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

6 વર્ષ બાદ ફરી જીવંત બન્યો જૂનો સિલ્ક રૂટ

સિક્કિમના નાથુલા પાસથી ભારત-ચીન સરહદી વેપાર 1 ઓગસ્ટથી ફરી શરૂ થયો છે. કોરોના મહામારીના કારણે 2020માં આ વેપાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો હતો. નાથુલા પાસ મારફતે સરહદી વેપારની શરૂઆત પ્રથમ વખત 6 જુલાઈ, 2006ના રોજ થઈ હતી. જોકે 1962ના ભારત-ચીન યુદ્ધ બાદ આ માર્ગ 44 વર્ષ સુધી બંધ રહ્યો હતો.

હવે ફરી શરૂ થયેલા વેપારને બંને દેશો વચ્ચે વિશ્વાસ વધારવાના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે. તાજેતરમાં નાથુલા માર્ગથી કૈલાશ માનસરોવર યાત્રા પણ ફરી શરૂ કરવામાં આવી છે.

નાથુલા પાસ 6 મહિના રહેશે ખુલ્લો

નાથુલા સરહદી માર્ગ દર વર્ષે મે થી નવેમ્બર સુધી લગભગ 6 મહિના ખુલ્લો રહેશે. વેપાર માટે સોમવારથી ગુરુવાર સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. બંને દેશો અગાઉ મંજૂર કરાયેલા 36 પ્રકારના માલસામાનની યાદી મુજબ જ વેપાર કરશે.

લાંબા સમયથી બંધ રહેલા અને હિમાલયની કઠોર ઠંડીના કારણે નુકસાન પામેલા નાથુલા ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટનું સમારકામ કરીને ફરી કાર્યરત બનાવવામાં આવ્યું છે. સુરક્ષા માટે ભારત-તિબેટ બોર્ડર પોલીસ (ITBP)ના વધારાના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે સરહદી વેપારની સુરક્ષા માટે પ્રથમ વખત મહિલા જવાનોની સંપૂર્ણ ટુકડી પણ ફરજ પર રહેશે.

આ માલસામાનનો થશે વેપાર

ભારત તરફથી હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ ઉત્પાદનો, ધાબળા, ખેતીના સાધનો, પ્રોસેસ્ડ ફૂડ, સુકા શાકભાજી, મસાલા, રેડીમેડ કપડાં, વાસણો અને ધાર્મિક ઉપયોગની પરંપરાગત વસ્તુઓ સહિત 36 પ્રકારના માલની નિકાસ કરી શકાશે.

જ્યારે તિબેટ તરફથી રેડીમેડ કપડાં, જૂતાં, યાકના ઉત્પાદનો, માખણ, બોરેક્સ, બકરાં, રજાઈઓ સહિત મંજૂર વસ્તુઓની આયાત કરવામાં આવશે. એક વેપાર સીઝનમાં 400 વેપારીઓને પરમિટ આપવામાં આવશે, જોકે હાલ મર્યાદિત સંખ્યામાં જ મંજૂરી આપવામાં આવી છે.

લિપુલેખ પાસથી પણ શરૂ થયો વેપાર

ઉત્તરાખંડના લિપુલેખ પાસથી પણ આજથી ભારત-ચીન સરહદી વેપાર શરૂ થયો છે. ચીને પ્રથમ તબક્કામાં 20 ભારતીય વેપારીઓને તિબેટના પુરાંગ-તકલાકોટ જવાની મંજૂરી આપી છે. શરૂઆતમાં વેપારીઓ કોઈ નવો માલ સાથે નહીં લઈ જાય. તેઓ 2019 દરમિયાન ત્યાંના ગોડાઉનમાં રહેલા પોતાના જૂના માલસામાનની તપાસ કરશે, કારણ કે કોરોના દરમિયાન વેપાર અચાનક બંધ થતાં તે માલ ત્યાં જ રહી ગયો હતો.

લિપુલેખ પાસથી સરહદી વેપાર 1992માં ફરી શરૂ થયો હતો. આ વેપાર મુખ્યત્વે ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના વ્યાસ, દારમા અને ચૌદાસ ખીણના ભોટિયા વેપારીઓ કરે છે. 1962ના યુદ્ધ પહેલાં આ સમુદાયના પશ્ચિમ તિબેટ સાથે સદીઓ જૂના વેપારી સંબંધો હતા.

Most Popular

To Top