ભારતીય હોકી ટીમની જર્સીનો રંગ પરંપરાગત વાદળી માંથી બદલીને કેસરી કરવામાં આવતાં રમત જગતમાં મોટો વિવાદ ઊભો થયો છે. દેશના ઘણા પૂર્વ ખેલાડીઓએ આ નિર્ણયની આકરા શબ્દોમાં ટીકા કરી છે, કારણ કે વાદળી રંગ જ ભારતીય હોકીની ખરી ઓળખ માનવામાં આવે છે. આ સમગ્ર વિવાદ વચ્ચે હોકી ઇન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કીના બદલાયેલા નિવેદનોએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે, જેના કારણે સ્પોર્ટ્સ વહીવટમાં આંતરિક ખેંચતાણ ખુલ્લી પડી ગઈ છે.
દિલીપ તિર્કીનો નવો આક્ષેપ
હોકી ઇન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કીએ પોતાના અગાઉના સ્ટેન્ડથી તદ્દન વિપરિત નિવેદન આપતાં આરોપ લગાવ્યો છે કે જર્સીનો રંગ બદલવાનો આ મોટો નિર્ણય તેમની કે કારોબારી બોર્ડની પૂર્વ મંજૂરી વિના જ લેવામાં આવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કોઈ પણ ચૂંટાયેલી લીડરશિપની જાણ બહાર આટલો મોટો ફેરફાર ન કરી શકાય. તિર્કીએ લેખિતમાં જણાવ્યું હતું કે આ નિર્ણય કારોબારી સમિતિ સમક્ષ ચર્ચા કર્યા વગર અને તેમની જાણ બહાર અમલી બનાવવામાં આવ્યો છે.
આ અગાઉ તિર્કીએ તકનીકી કારણ આપતાં જણાવ્યું હતું કે હાલમાં આંતરરાષ્ટ્રીય હોકી મેચો વાદળી રંગના સિન્થેટિક ટર્ફ (મેદાન) પર રમાય છે. મેદાન અને જર્સી બંને વાદળી હોવાથી ઝડપી રમત દરમિયાન ખેલાડીઓને બોલ અને સાથી ખેલાડીઓને ઓળખવામાં મુશ્કેલી પડે છે. જોકે, તેમના આ નવા નિવેદને અનેક સવાલો ઊભા કર્યા છે.
ખેલાડીઓ અને અધિકારીઓ પણ નિર્ણયથી અજાણ
જર્સીના ફેરફાર અંગે ખેલાડીઓ સાથે પણ કોઈ ચર્ચા કરવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે. ભારતીય હોકી ટીમના એક સભ્યના જણાવ્યા મુજબ, જર્સીનો રંગ બદલતા પહેલાં ખેલાડીઓનો કોઈ અભિપ્રાય કે સલાહ લેવામાં આવ્યા નહોતા. આ ઉપરાંત હોકી ઇન્ડિયાની કારોબારી સમિતિના એક સભ્યએ પણ સ્વીકાર્યું હતું કે તેમને આ નિર્ણય અંગે કોઈ માહિતી નહોતી અને જર્સી બદલવા અંગેની કોઈ પણ અધિકૃત બેઠકમાં તેઓ સામેલ નહોતા. ઉલ્લેખનીય છે કે હોકી ઇન્ડિયાએ તાજેતરમાં વર્લ્ડ કપ 2026 માટે ટીમની જાહેરાત કર્યા બાદ અચાનક જર્સીનો લુક બદલી નાખ્યો હતો.