Business

સેન્સેક્સ 166 પોઈન્ટ ચઢ્યો, નિફ્ટી 24,383 પાર; ઓટો અને ઓઈલ-ગેસ શેરોમાં તેજી

ભારતીય શેરબજારમાં સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે તેજીનો માહોલ જોવા મળ્યો હતો. વૈશ્વિક સ્તરે ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી છતાં ભારતીય બજારે સકારાત્મક વલણ જાળવી રાખ્યું. કોર્પોરેટ કંપનીઓના સારા ત્રિમાસિક પરિણામો અને વિદેશી તેમજ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદીના કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં વધારો નોંધાયો.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો સેન્સેક્સ 166.49 પોઈન્ટના વધારા સાથે 78,094.64 પર બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ 78,272.25ની ઊંચી સપાટીએ પણ પહોંચ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ 66.45 પોઈન્ટ વધીને 24,383.60 પર બંધ રહ્યો હતો. ઓટોમોબાઈલ સેક્ટરમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા, ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ સહિતના શેરોમાં સારી ખરીદી જોવા મળી હતી. પરિણામે BSE ઓટો ઈન્ડેક્સ 1,236 પોઈન્ટથી વધુ ઉછળી 63,263.41 પર બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડ્ઝ અને પાવર સેક્ટરમાં પણ રોકાણકારોએ ફરી ખરીદી શરૂ કરી હતી. સિમેન્સ, કમિન્સ ઈન્ડિયા, થર્મેક્સ, કિર્લોસ્કર એન્જિન અને વારી એનર્જી જેવા શેરોમાં તેજી નોંધાતા BSE કેપિટલ ગુડ્ઝ ઈન્ડેક્સ 1,344 પોઈન્ટથી વધુ વધ્યો હતો. ઓઈલ અને ગેસ ક્ષેત્રના શેરોમાં પણ મજબૂત ખરીદી જોવા મળી હતી. દેશમાં ઓઈલ એક્સપ્લોરેશનને વેગ આપવા માટે મોટા રોકાણ પ્રોજેક્ટને મંજૂરી મળવાના સમાચાર અને ગેઈલના સારા નફાના પરિણામોએ રોકાણકારોનું ધ્યાન આકર્ષ્યું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, BPCL, GAIL અને પેટ્રોનેટ LNGના શેરોમાં વધારો નોંધાયો હતો.

બીજી તરફ, IT સેક્ટરમાં નફાવસૂલી જોવા મળી હતી. TCS, માસ્ટેક અને ઝેનસાર ટેક્નોલોજી જેવા શેરોમાં ઘટાડો થતાં BSE IT ઈન્ડેક્સ 415 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. FMCG સેક્ટરમાં પણ ITC, બ્રિટાનિયા, વરૂણ બેવરેજીસ અને અન્ય શેરોમાં વેચવાલી જોવા મળી હતી. હેલ્થકેર અને ફાર્મા શેરોમાં સકારાત્મક વલણ રહ્યું હતું. ટોરન્ટ ફાર્મા, વોક્હાર્ટ, એમ્ક્યોર અને અન્ય કંપનીઓના શેરોમાં ખરીદી જોવા મળતાં આ સેક્ટરે પણ બજારને ટેકો આપ્યો હતો.

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI/FII)એ કેશ માર્કેટમાં 277.48 કરોડ રૂપિયાની ચોખ્ખી ખરીદી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)એ પણ 2,260.37 કરોડ રૂપિયાની ચોખ્ખી ખરીદી કરીને બજારને વધુ મજબૂત બનાવ્યું હતું. બજારમાં આવેલી તેજીની સીધી અસર રોકાણકારોની સંપત્તિ પર પણ જોવા મળી હતી. BSEમાં લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન એક જ દિવસમાં અંદાજે 2.46 લાખ કરોડ રૂપિયા વધીને 485.96 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું.

Most Popular

To Top