ભારતીય સિનેમાની સૌથી મોટી અને સૌથી ભવ્ય ફિલ્મોમાં સામેલ ‘રામાયણ’નું મોસ્ટ અવેટેડ ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનું ટ્રેલર 30 જુલાઈએ બ્રહ્મ મુહૂર્તના શુભ સમયે સવારે 4:15 વાગ્યે વિશ્વભરમાં લોન્ચ કરવામાં આવ્યું. હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ સહિત અનેક ભાષાઓમાં એકસાથે રિલીઝ થયેલા ટ્રેલરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. ટ્રેલરમાં રણબીર કપૂર ભગવાન રામના પાત્રમાં શાંત, દિવ્ય અને પ્રભાવશાળી અંદાજમાં જોવા મળે છે. સાઉથ સુપરસ્ટાર યશનો રાવણ અવતાર પણ એટલો જ ભવ્ય અને શક્તિશાળી દેખાય છે. સાઈ પલ્લવી માતા સીતાના પાત્રમાં સૌનું ધ્યાન ખેંચી રહી છે, જ્યારે રવિ દુબે લક્ષ્મણ અને સની દેઓલ હનુમાનના પાત્રમાં નજરે પડે છે. ટ્રેલરમાં ભવ્ય સેટ, અદભૂત VFX અને સિનેમેટિક દ્રશ્યો ફિલ્મને હોલિવૂડ સ્તરની અનુભૂતિ કરાવે છે.
ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મનો પહેલો ભાગ ભગવાન રામના વનવાસથી લઈને રાવણના ઉદય સુધીની કથા રજૂ કરશે. નિર્દેશક નિતેશ તિવારીએ અગાઉ જ જણાવ્યું હતું કે ફિલ્મનો પહેલો ભાગ એક રોમાંચક ક્લિફહેન્ગર પર પૂર્ણ થશે, જેથી દર્શકો બીજા ભાગની આતુરતાથી રાહ જુએ. ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર ચાહકોની જબરદસ્ત પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ઘણા લોકોએ તેને માત્ર ફિલ્મ નહીં પરંતુ એક આધ્યાત્મિક અનુભવ ગણાવ્યો છે. યશના રાવણના લુક અને રણબીરના ભગવાન રામના અવતારની ખાસ પ્રશંસા થઈ રહી છે, જ્યારે સાઈ પલ્લવીના માતા સીતાના પાત્રને પણ દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.
ફિલ્મમાં રણબીર કપૂર, સાઈ પલ્લવી, યશ, સની દેઓલ, રવિ દુબે, અરુણ ગોવિલ, લારા દત્તા, રકુલ પ્રીત સિંહ, વિવેક ઓબેરોય અને કુણાલ કપૂર સહિત અનેક જાણીતા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ‘રામાયણ’ના સંગીતને પણ ખાસ બનાવવામાં આવ્યું છે. ઓસ્કર વિજેતા એ.આર. રહેમાન અને હેન્સ ઝિમર પ્રથમ વખત સાથે મળીને ફિલ્મનું સંગીત અને બેકગ્રાઉન્ડ સ્કોર તૈયાર કરી રહ્યા છે, જેના કારણે ફિલ્મ પ્રત્યે ચાહકોની ઉત્સુકતા વધુ વધી છે.
નમિત મલ્હોત્રાના પ્રાઇમ ફોકસ સ્ટુડિયોઝ અને યશની મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે. પ્રથમ ભાગ દિવાળી 2026ના અવસરે સિનેમાઘરોમાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગભગ ₹4000 કરોડના અંદાજિત બજેટ સાથે બની રહેલી ‘રામાયણ’ ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી મોંઘી ફિલ્મ માનવામાં આવી રહી છે. ફિલ્મના અત્યાધુનિક વિઝ્યુઅલ ઇફેક્ટ્સની જવાબદારી ઓસ્કર વિજેતા VFX કંપની DNEG સંભાળી રહી છે, જેના કારણે આ ફિલ્મ ભારતીય સિનેમામાં એક નવો માઇલસ્ટોન સાબિત થઈ શકે છે.