Business

બિહારના નાલંદામાં શરૂ થયું કૉકરોચ કેફે, શું ચામાં કૉકરોચ મળશે

દરરોજ સોશિયલ મીડિયા પર કંઈક એવું વાયરલ થાય છે, જે લોકોનું ધ્યાન ખેંચી લે છે. ક્યારેક કોઈ દુકાનનું અનોખું બોર્ડ ચર્ચામાં આવે છે તો ક્યારેક કોઈ રેસ્ટોરન્ટનું અલગ નામ લોકોમાં ઉત્સુકતા જગાવે છે. હાલમાં બિહારનું એક કેફે પોતાના વિચિત્ર નામના કારણે સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. આ કેફેનું નામ છે Cockroach Cafe. નામ સાંભળીને લોકો પહેલા આશ્ચર્યચકિત થાય છે અને પછી હસી પડે છે. તસવીરો અને વીડિયો વાયરલ થતાં લોકો તેના પર રમૂજી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નાલંદામાં શરૂ થયું અનોખું કેફે

બિહારના નાલંદા જિલ્લાના હિલસા બાયપાસ પર તાજેતરમાં Cockroach Cafe નામથી નવું કેફે શરૂ થયું છે. કેફે ખુલતાની સાથે જ તેનું નામ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું. ઘણા લોકોએ તેના ફોટો શેર કરીને મજાકમાં લખ્યું કે, “હવે જો ખાવામાં જીવડા નીકળે તો ફરિયાદ પણ નહીં કરી શકાય.”

અંદરથી કેવું છે કેફે?

કેફેનું ઇન્ટિરિયર સંપૂર્ણપણે આધુનિક અને આકર્ષક બનાવવામાં આવ્યું છે. અંદર બ્લેક થીમ પર ડિઝાઇન કરવામાં આવી છે. ટીનની છત પરથી પીળી લાઇટ્સ લટકાવવામાં આવી છે, જ્યારે દિવાલો પર આર્ટિફિશિયલ વેલ અને ફૂલોની સજાવટ કરવામાં આવી છે. બેઠક માટે કાળા રંગના સોફા, લાલ કુશન અને કાચના ટેબલ મૂકવામાં આવ્યા છે. એક ખૂણામાં નાનું રેફ્રિજરેટર અને પીળી પ્લાસ્ટિકની ખુરશીઓ પણ છે. લીલા છોડ અને રંગીન દિવાલોના કારણે સમગ્ર વાતાવરણ ખૂબ આકર્ષક લાગે છે. સાંજના સમયે યુવાનો અહીં ચા પીવા, નાસ્તો કરવા અને સોશિયલ મીડિયા માટે રીલ બનાવવા મોટી સંખ્યામાં પહોંચે છે.

‘કોકરોચ’ નામ કેમ રાખ્યું?

કેફેના માલિકના જણાવ્યા મુજબ તેમણે આ નામ જાણીજોઈને પસંદ કર્યું છે, જેથી કેફેને અલગ ઓળખ મળી શકે. તેમનું કહેવું છે કે આજના યુવાનોને કંઈક નવું અને અનોખું ગમે છે. તેમણે જણાવ્યું કે, “રોયલ કેફે જેવા નામ તો અનેક જગ્યાએ જોવા મળે છે, પરંતુ ‘Cockroach Cafe’ એક જ છે. લોકો પહેલા નામથી આકર્ષાઈને આવશે અને સારી ગુણવત્તાના કારણે ફરી આવશે.” તેમણે વધુમાં કહ્યું કે કેફેમાં સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે અને આ નામ માત્ર એક અનોખી બ્રાન્ડિંગ સ્ટ્રેટેજીનો ભાગ છે. સોશિયલ મીડિયાના યુગમાં અલગ નામ રાખવાથી ઓછા ખર્ચે પણ સારી પ્રસિદ્ધિ મળે છે.

મેનૂમાં શું મળે છે?

હાલમાં કેફેને શરૂ થયાને માત્ર 3 દિવસ થયા છે. અહીં ચા, કોફી, મેગી, સેન્ડવિચ અને કોલ્ડ ડ્રિંક્સ જેવી વસ્તુઓ ઉપલબ્ધ છે. તમામ વસ્તુઓની કિંમત પણ આસપાસના અન્ય કેફે જેવી જ રાખવામાં આવી છે, જેથી દરેક વર્ગના લોકો અહીં આવી શકે.

સોશિયલ મીડિયા પર રમૂજી પ્રતિક્રિયાઓ

કેફેનું નામ સામે આવતા જ સોશિયલ મીડિયા પર મજેદાર કોમેન્ટ્સનો વરસાદ શરૂ થયો. કોઈએ લખ્યું કે, “અહીં જવા માટે પણ હિંમત જોઈએ.” એક યુઝરે મજાકમાં પૂછ્યું, “ચામાં કોકરોચ પણ મળશે?” જ્યારે બીજા એક યુઝરે લખ્યું, “સ્પેશિયલ ડિશ કોકરોચ ચિલી હશે?”

કેટલાક લોકોએ કેફેનું લોકેશન પૂછ્યું તો કેટલાકે તેના અનોખા નામના વખાણ કર્યા. ઘણા યુઝર્સે તેને શાનદાર માર્કેટિંગ આઈડિયા ગણાવ્યો. એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું કે શરૂઆતમાં તેમને આ મજાક લાગી હતી, પરંતુ કેફેની મુલાકાત લીધા બાદ સ્વચ્છતા અને વાતાવરણ જોઈને તેઓ પ્રભાવિત થયા.

Most Popular

To Top