SURAT

સુરતના નાટ્યપ્રેમીઓ માટે ખુશખબર: ગાંધીસ્મૃતિ ભવનનું 4 કરોડના ખર્ચે નવનિર્માણ કરાશે

શહેરની મધ્યમાં નાનપુરા ટીમલીયાવાડ ખાતે આવેલા અને શહેરના કલાવારસાનો ચાર દાયકાથી સાક્ષી રહેલા ગાંધીસ્મૃતિ ભવનને (GANDHISMRUTI BHAVAN) નવા વાઘા પહેરાવાનો નિર્ણય લેવાયો છે. સુરત મનપા (SURAT MUNICIPAL CORPORATION) દ્વારા રૂપિયા 3 થી 4 કરોડના ખર્ચે નવું ભવન બનાવવામાં આવશે. આ ભવનમાં નવી ખુરશીઓ મુકવામાં આવશે. લાઈટ, સાઉન્ડ, ઈન્ટીરીયર, સ્ટ્રક્ચર અને રૂફ પણ બદલી નાંખવામાં આવશે. ઓડીયો સિસ્ટમ પર ખાસ ધ્યાન આપવામાં આવશે.

ગાંધીસ્મૃતિ ભવનના નવનિર્માણને સુરત મનપાની સ્થાયી સમિતિમાં મંજૂરી આપવામાં આવી છે. જૂના ભવનને તોડી પાડવા સામે અગાઉ કલાકારોએ વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ નવું ભવન કલાકારોની ઈચ્છા અનુસાર ડિઝાઈન કરવાનું નક્કી કરાતો કલાકારો માની ગયા છે. સુરત મનપા દ્વારા એક સલાહકાર સમિતિ બનાવવામાં આવી છે, જેમાં શહેરના પીઢ કલાકારોને પણ સામેલ કરાયા છે. ઓડિટોરીયમ કેવું હોવું જોઈએ, કલાકારોને કઈ સગવડો આપવી જોઈએ અને દર્શકોને અનુકૂળતા રહે તે બાબતોની વધુ જાણકારી કલાકારોને હોય છે, તેથી કલાકારોને આ સલાહકાર સમિતિમાં સમાવી લેવાયા છે.

આ સલાહકાર સમિતિમાં કલાકારો ઉપરાંત મનપાના પદાધિકારીઓ, સાંસ્કૃતિક વિભાગના વડાનો પણ સમાવેશ કરાયો છે. કલાકારો તરફથી ગુજરાતી રંગમંચના સુપરસ્ટાર સંજય ગોરડીયા (SANJAY GORADIYA) અને સિદ્ધાર્થ રાંદેરિયા (SIDHARTH RANDERIYA), પદ્મશ્રી યઝદી કરંજિયા સહિત મોટા ગજાના કલાકારો, સંગીતકારો, નિર્માતા અને દિગ્દર્શકો મળી કુલ 24 સભ્યોનો સમાવેશ કરાયો છે.

નાનપુરા ખાતે આવેલા 800 સીટોની કેપેસિટી ધરાવતું ગાંધીસ્મૃતિ ભવનનું 1980માં ઉદ્દઘાટન કરાયું હતું. સાલ 2010 માં તેનું એકવાર રિનોવેશન થઈ ચૂક્યું છે. હવે રીનોવેશનમાં ખર્ચ કરવાને બદલે ભવનને લેટેસ્ટ અને અદ્યતન સાધન સામગ્રી સાથે નવું બનાવવાની તૈયારીઓ કરાશે.

પરેશ રાવલ સહિત અનેક દિગ્ગજ કલાકારો ગાંધીસ્મૃતિના મંચ પર કલા પ્રદર્શિત કરી ચૂક્યા છે

સુરત જ્યારે કોટ વિસ્તારોની મર્યાદામાં સમાયેલું હતું ત્યારે નાટ્યપ્રેમીઓ માટે ગાંધીસ્મૃતિ એક મહત્ત્વનું સ્થાન હતું. ગાંધીસ્મૃતિ ભવન એક માત્ર એવું સ્થળ હતું જ્યાં મોટા પાયે નાટકો ભજવી શકાતા હતા. 800 દર્શકોની કેપેસિટીના લીધે ગુજરાત-મુંબઈના કલાકારો અહીં અવારનવાર નાટકો ભજવવા આવતા રહેતા હતા. મુંબઈના ગુજરાતી કલાકારોમાં પણ ગાંધીસ્મૃતિ ભવન જાણીતું છે. અહીં સંજય ગોરડીયા, પરેશ રાવલ (PARESH RAVAL), મનોજ જોશી (MANOJ JOSHI), અપરા મહેતા સહિત અનેક કલાકારો પોતાની અભિનય કલાનું પ્રદર્શન કરી ચૂક્યા છે.

Most Popular

To Top