Comments

ગાંધી, સંઘ અને હિન્દુત્વને સાથે રાખવાની વાત એટલે ગુજરાતમાં ભાજપની દાંડીયાત્રા..!

મોદી જ્યારથી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી ગુજરાત મોડેલ,ગાંધી અને હિન્દુત્વની ચર્ચાઓ ખૂબ થાય છે.ક્યારેક મોદી ગાંધી બનવાના પ્રયાસ રૂપે ચરખો લઇ કેલેન્ડરમાં બેસી જાય છે તો ક્યારેક મોદી ગાંધીના સ્વચ્છતાના વિચારને ચશ્માં પહેરાવી આખા દેશમાં પોતાના ગુણગાન ગવડાવે છે.2014 થી 2019 સુધી મોદીનો દિલ્હીનો સમયગાળો અને 2002 થી 2014 સુધી મોદીનો ગુજરાતનો સમયગાળો જુઓ તો એક વાત કોમન નીકળીને આવશે કે મોદી કે ભાજપ સરકાર ક્યાંક કોંગ્રેસના ઐતિહાસિક પુરુષો છીનવવા માંગે છે.

પહેલાં સરદાર પટેલ, પછી સુભાષચંદ્ર બોસ અને હવે ફરીથી ગાંધીજી, પ્રધાનમંત્રી મોદીએ દાંડી યાત્રાની 75 મી વર્ષગાંઠ નિમિતે ગુજરાતમાંથી પહેલી વાર સરકાર મારફત કે ભાજપ મારફત દાંડી યાત્રાની ઉજવણીની શરૂઆત કરી ને કોંગ્રેસના મહત્ત્વના નેતા કે કોંગ્રેસ જેના નામ પર તરવાનો પ્રયાસ કરે છે એ ગાંધીને પણ ભાજપે પોતાના કરી લીધા, દર વખતની જેમ આ વખતે પણ દાંડીની ઉજવણી કરવામાં કોંગ્રેસ ઊંઘતી ઝડપાઇ, મોડે મોડે ધરપકડ ને બીજાં નાટકો કર્યાં પણ મોડું થઇ ચૂક્યું હતું.

કોંગ્રેસ કદાચ ગુજરાતમાં આટલાં વર્ષોથી હારી-હારીને એટલી કંટાળી ગઈ છે કે એમને મોદીનું રાજકારણ સમજાઈ જ નથી રહ્યું. તમે નિષ્પક્ષ રીતે જોશો તો ખ્યાલ આવશે કે ગુજરાત વિધાનસભાની 2002,2007,2012 ની ચૂંટણી અને 2014,2019 ની લોકસભાની ચૂંટણીઓ જુઓ તો દરેક વખતે ચૂંટણી પ્રચારના સમયે ભાજપ કોઈ પણ ભોગે હિન્દુત્વની વાતને મુદ્દો બનાવવા પ્રયાસ કરે છે.

અરે, હાલ પાંચ રાજ્યોમાં જે ચૂંટણી પ્રચાર થયો એમાંય બંગાળમાં ચૂંટણી પ્રચાર જુઓ એટલે વાસ્તવિકતા આંખો સામે તરવા લાગે અને ત્યારે મોદી સામે કેટલાક પ્રશ્નો થાય છે કે આ 2014 માં સરકાર બન્યા પછી ચરખો કાંતનારા મોદી છે,સ્વચ્છતા અભિયાન ચલાવનાર મોદી છે,ગાંધીનાં દોઢસો વર્ષ ઉજવનાર મોદી છે કે હિન્દુત્વના પોસ્ટરબોય મોદી છે, આ માટે આપણે પહેલાં મોદી અને ગાંધીવિચાર વચ્ચે જે દ્વંદ્વ ચાલે છે એ સમજવું પડશે! 

મોદી જે પ્રકારની ધાર્મિક સંકુચિતતામાંથી પસાર થઇ રહ્યા છે એવા સંકુચિત વિચારવાળા ગાંધી ક્યારેય નહોતા. મહાત્મા ગાંધી ધાર્મિક જ નહિ, કોઈ પણ પ્રકારની સંકુચિતતા સામે લડનારા સદીના સૌથી મોટા યોદ્ધા હતા અને આજે પણ આખી દુનિયામાં ફેલાયેલી શાંતિ,ઉદારતાનો પ્રેરણા સ્રોત એમના જ વિચારોનાં મૂળમાંથી આવે છે.

મહાત્મા ગાંધી ઇતિહાસનાં મહાપુરુષોમાંના એક છે, જેમણે મન,વચન અને કર્મમાં એકરૂપતા સાધી હતી અને એમાં કોઈ ભ્રમ કે અસ્પષ્ટતા ક્યારેય ફેલાવી નથી,એમનું જીવન જેવું હતું એવી જ એમની વાણી અને વિચાર હતા. હા ગાંધી વિષે વાંચનારા અને વિચારનારા જયારે એક ચોક્કસ ચશ્માં પહેરીને ગાંધીને જુએ છે ત્યારે જ ગાંધી વિષે દુવિધા ઉદ્ભવી શકે,બાકી ગાંધીના વિચારો વિષે ક્યારેય કોઈ શંકા ન જન્મે.

એવું નથી કે ગાંધીએ ક્યારેય સાંપ્રદાયિક,હિંસાવાદીઓ અને હિંસક ક્રાંતિકારીઓ સાથે કામ નથી કર્યું કે ગાંધીએ એમની સાથે કામ પણ કર્યું છે,વાર્તાલાપ પણ કર્યો છે અને વખોડ્યા પણ છે, પણ ગાંધીના આ વિરોધ અને વખોડવામાં એ વિચારધારાવાળા વ્યક્તિઓનું સંપૂર્ણ માન જાળવ્યું છે.

હવે વાત બંગાળ અને બીજાં પાંચ રાજ્યોની ચૂંટણીઓમાં જે ચર્ચાઓ ચાલી છે એ હિન્દુત્વ,સંઘ અને ગાંધીની કરીએ તો,આર.એસ.એસ. સંદર્ભે ગાંધીએ સીધું કાંઈ કહ્યું હોય એનો પ્રથમ ઉલ્લેખ 9 ઓગસ્ટ 1942 માં મળે છે, 9 ઓગસ્ટ 1942 માં દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીનાં ત્યારનાં અધ્યક્ષ આસફ અલીએ ગાંધીને સંઘની ફરિયાદ કરતાં એક પત્ર લખ્યો હતો.ફરિયાદનો પત્ર ઉર્દૂમાં છે.

એનો સારાંશ એ છે કે આસફ અલીએ જે સંસ્થાનો(રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ) ઉલ્લેખ પોતાના પત્રમાં કર્યો છે તેમાં તે જણાવે છે કે 3,000 સભ્યો દરરોજ લાકડી સાથે કવાયત કરે છે. કવાયત પછી સૂત્રોચ્ચાર કરે છે કે ‘હિંદુસ્તાન હિંદુઓનું છે, બીજા કોઈનું નહીં.’ ત્યાર બાદ ભાષણ કરનાર કહે છે, પહેલાં અંગ્રેજોને બહાર કાઢો અને પછી આપણે મુસલમાનોને પણ આપણા તાબામાં કરી લઈશું. જો તેઓ આપણું સાંભળે નહીં તો આપણે તેમને મારી નાંખીશું.”

ગાંધીજીએ હરિજનમાં આસફ અલીના પત્રનો જવાબ આપતાં (પાન નં.261) પર જણાવે છે કે :”’’વાત જે રીતે રજૂ કરવામાં આવી છે એને એ પ્રમાણે જ સમજીને એવું કહી શકાય કે આ સૂત્ર ખોટું છે.”ભાષણનો વિષયવસ્તુ તો એનાથી પણ ખરાબ છે કારણ કે, હિંદુસ્તાન, અહીં જન્મેલા, ઉછરેલાં અને બીજા દેશમાં જેમને આશરો નથી મળ્યો એ તમામ લોકોનો છે.”

એટલા માટે આ દેશ જેટલો હિંદુઓનો છે એટલો જ પારસીઓ, યહૂદીઓ, હિંદુસ્તાની ઈસાઈઓ, મુસલમાનો અને બીજા બિન-મુસલમાનોનો પણ છે.”આઝાદ હિંદુસ્તાનમાં સત્તા હિંદુઓની નહીં પણ હિંદુસ્તાનીઓની હશે અને જે કોઈ ધાર્મિક પંથ કે સંપ્રદાયનાં બહુમતના આધારે નહિ પણ કોઈ ધાર્મિક ભેદભાવ વગર પસંદ કરાયેલાં લોકોનાં પ્રતિનિધિઓ પર આધારિત હશે.’’

ગાંધીએ સ્પષ્ટપણે લખ્યું છે કે, ‘’ધર્મ એક અંગત વસ્તુ છે, જેનું રાજનીતિમાં કોઈ સ્થાન ના હોવું જોઈએ. વિદેશી શાસનને કારણે દેશમાં જે અસ્વાભાવિક પરિસ્થિતિ ઊભી થઈ છે એના કારણે આપણે ત્યાં ધર્મના નામે અનેક વિભાજન થઈ ગયાં છે

.જ્યારે દેશમાંથી વિદેશી શાસન જતું રહેશે, ત્યારે આપણે આવા ખોટા સૂત્રો અને આદર્શો સાથે વળગી રહેવાની આપણી મૂર્ખામી પર હસીશું.જો અંગ્રેજોને બદલે દેશમાં હિંદુઓ કે અન્ય કોઈ સંપ્રદાયનું શાસન સ્થાપિત થવાનું હોય તો પછી અંગ્રેજોને બહાર કાઢી ફેંકવાનાં આહ્વાનમાં કોઈ દમ રહેતો નથી.

ગાંધીએ લખેલી વાત પરથી સ્પષ્ટ થઇ જાય છે કે ગાંધીએ હિન્દુત્વના શાસન અને સંઘના હિંદુત્વનાં સમગ્ર દર્શનને સંપૂર્ણપણે ફગાવી દે છે.ગાંધીના વિચારોથી એક વાત સ્પષ્ટ છે કે બહુમતી કે સંગઠનના જોરે કોઈ પણ ધર્મ કે વ્યક્તિ આઝાદ હિંદુસ્તાનનું ભવિષ્ય નક્કી નહિ કરે,પણ ચૂંટેલા પ્રતિનિધિઓ જ ભારતનું બંધારણ બનાવશે અને ચલાવશે.

ગાંધીની અનિચ્છા છતાં બે રાષ્ટ્રોની થિયરી એ ભારતમાં સાંપ્રદાયિકતાનાં બીજ વાવવાની શરૂઆત કરી,કેમકે જે ધર્મઆધારિત દેશની વ્યવસ્થા વિરુદ્ધ ગાંધી હતા એ જ ધર્મના આધારે ભારતના બે ભાગલા પડ્યા.એ પછી હિંસા અને ગાંધીનો એક આખો ઇતિહાસ છે,પણ આપણે સંઘ અને ગાંધીવિચારની વાત કરીએ તો ઇતિહાસમાં 16 સપ્ટેમ્બર 1947 નો એક પ્રસંગ મળે છે કે, જ્યારે આરએસએસના દિલ્હી પ્રદેશના પ્રચારક વસંતરાવ મહાત્મા ગાંધીને હરિજન વસ્તીમાં ચાલતી સંઘની એક શાખામાં લઈ ગયા હતા.

જ્યાં ગાંધીની ઓળખ પ્રચારકે એક પ્રખર હિન્દુ તરીકે આપી ત્યારે ગાંધીએ જે જવાબ આપ્યો એનો ઉલ્લેખ ગાંધીના અંતેવાસી પ્યારેલાલે લખેલા પુસ્તક લાસ્ટફ્રેઝ માં મળે છે, જેમાં આ પ્રસંગને ટાંકી પ્યારેલાલ લખે છે કે ગાંધીજીએ પોતાના જવાબી ભાષણમાં કહ્યું, “મને હિંદુ હોવાનો ગર્વ ચોક્કસ છે, પણ મારો હિંદુ ધર્મ ના તો અસહિષ્ણુ છે અને ના તો બહિષ્કારવાદી.”હિંદુ ધર્મને મેં સમજ્યો છે. ત્યાં સુધી તેણે બધા જ ધર્મોની સારી વાતોને આત્મસાત કરી છે.જો હિંદુ એમ સમજતા હોય કે ભારતમાં બિનહિંદુઓ માટે સમાન અને સમ્માનપૂર્ણ સ્થાન નથી અને મુસલમાન જો ભારતમાં રહેવા માંગતા હોય તો એમણે ઊતરતા દરજ્જાથી સંતોષ કરવો પડશે તો પરિણામ આવશે કે હિંદુ ધર્મ શ્રીહીન બની જશે.

ગાંધીના આ ભાષણથી સ્પષ્ટ થાય છે ગાંધી સંઘનાં બીબાંઢાળ હિંદુત્વને માનવા તૈયાર ન હતા.એટલે જ સંઘને ચેતવણી પણ આપે છે કે સંઘ જે દિશામાં આગળ વધી રહ્યો છે તે વિરોધની દિશા છે અને એનું પરિણામ ગંભીર હશે. ગાંધીજીનો આવું કહેવાનો અર્થ સંઘને બદનામ કરવાનો કે દોષી ઠરાવવાનો ભાવ નથી પણ ભૂલો સુધારવાની વાત છે.ગાંધીજીની વાતોમાં ટીકાનો ભાવ નથી પણ રચનાત્મક સહાયતાનો ભાવ છે.

પ્યારેલાલ જણાવે છે કે હરિજન વસ્તીમાંથી પાછા ફર્યા બાદ ગાંધીજીનાં એક સાથીએ કહ્યું કે સંઘમાં ગજબની શિસ્ત છે. પણ ગાંધીએ થોડી કડકાઈ સાથે કહ્યું, ‘’શું હિટલરનાં નાઝીઓ અને મુસોલિનીના ફાસિસ્ટોમાં શિસ્ત નથી? તેઓ સ્પષ્ટ કરવા માંગતા હતા કે શિસ્ત એ કોઈ આદર્શ કે ગુણ નથી, પણ તે ક્યાં અને કેવી રીતે લાગુ કરવામાં આવે છે તે મહત્ત્વપૂર્ણ છે.’’

ગાંધીજી સંઘ અને એના વિચારોને સાચા સાબિત કરવાની એક તક આપતાં કહે છે કે સંઘ સામે જે આરોપ લગાડવામાં આવ્યા છે તેને પોતાના આચરણ વડે ખોટું પુરવાર કરવાની નૈતિક જવાબદારી સંઘની છે.આ વાતથી સ્પષ્ટ છે કે ગાંધીજી સંઘને ના તો દોષી ગણાવે છે તથા ના તો આરોપોને રદિયો આપે છે, પણ પોતાને નિર્દોષ સાબિત કરવાની જવાબદારી સંઘ ઉપર જ નાંખે છે.

સંઘ આજ સુધી આ જવાબદારીનો નૈતિક બોજો ઉતારી શક્યો નથી.ઉલ્ટાનું જયારે જયારે ચૂંટણી આવે છે ત્યારે સંઘના જૂના પ્રચારક હાલના પ્રધાન મંત્રી મોદી ગાંધીનાં ચશ્માં પહેરી,ખાદી ધારણ કરીને વાત એ જ ગાંધીના હિન્દુત્વ દ્વંદ્વની કરી મત માંગવા નીકળી પડે છે. જે લોકોને આ વાત પર શંકા હોય એમને પ્રધાન મંત્રી મોદીના ગુજરાતમાં દાંડીયાત્રાના શુભારંભ પછી બંગાળ અને બીજાં રાજ્યોમાં આપેલાં ચૂંટણી ભાષણો જોઈ લેવાં!

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top