SURAT

મેટ્રોની કામગીરીના લીધે સુરતમાં આટલા વૃક્ષો કાપી નાંખવામાં આવ્યા

સુરત (Surat) : શહેરમાં વિકાસની દોડની સાથે સાથે પ્રકૃતિના નિકંદનની કિંમત પણ ચુકવવી પડી રહી છે. ત્યારે શહેરના ડ્રીમ પ્રોજેકટ એવા મેટ્રો રેલ (Metro Rail) માટે અંદાજીત 12500થી વધુ વૃક્ષો (Tree) કાપવા પડ્યાં છે. પ્રકૃતિને થઇ રહેલા આ નુકસાનને સરભર કરવા માટે મેટ્રો રેલ કોર્પોરેશનના (Metro Rail Corporation)ખર્ચે મનપાની જુદી જુદી ખુલ્લી જગ્યાઓ પર વનિકરણ કરવા માટેની દરખાસ્ત શાસકો સમક્ષ મનપાના બાગ બગીચા વિભાગ દ્વારા મુકવામાં આવી છે.

  • મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા 68 લાખ રૂપીયા વનીકરણ માટે આપવા તૈયારી બતાવી
  • જીએમઆરસીના ખર્ચે જુદી જુદી જગ્યાએ વનીકરણ કરશે

ગુરુવારે મળનારી સ્થાયી સમિતિની મીટિંગમા એજન્ડા પર લેવામાં આવ્યું છે. દરખાસ્તમાં જણાવ્યા મુજબ મેટ્રો રેલના કામ માટે શહેરમાં જે વૃક્ષો કાપવા પડયા છે તેના બદલામાં વનિકરણ માટે મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા સુરત મનપાને (SMC) ફંડ ફાળવ્યું છે તેથી મનપાના ગવિયર અને બમરોલી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ અન્ય ખુલ્લી જગ્યાઓ પર 61.20 લાખના અંદાજીત ખર્ચ સામે 25 ટકા ઊંચા ભાવે એટલે કે, 76. 50 લાખના ટેન્ડરને મંજુરી આપવા જણાવાયું છે. જો કે મેટ્રો રેલના કારણે ખરેખર કેટલા વૃક્ષો કાપવા પડયા અને નવા વનીકરણમાં 76.50 લાખના ખર્ચે કેટલા વૃક્ષો રોપવામાં આવશે તેનો ઉલ્લેખ દરખાસ્તમાં નથી.

મેટ્રો રેલના કારણે 12500 વૃક્ષો કપાશે : ઇન્ચાર્જ ગાર્ડન સુપરિન્ટેડન્ટ
સુરત મનપાના ઇન્ચાર્જ ગાર્ડન સુપરિન્ટેડન્ટ પરેશ રાંદેરિયાએ જણાવ્યું હતું કે, મેટ્રો રેલના કારણે અંદાજે 12500 જેટલા વૃક્ષો કપાશે જેના બદલામાં ઘનિષ્ટ વનીકરણ માટે મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા 68 લાખનુ ફંડ ફાળવાયું છે તેમાંથી મનપાની જુદી જુદી જગ્યાઓ પર વૃક્ષારોપણ કરાશે.

સુરતના મહત્વના પ્રોજેક્ટ મેટ્રો માટે મોટા પીલર મુકાયા
 સુરતમાં મેટ્રો રેલ (Metro Rail) માટે કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. મેટ્રો રેલના પ્રથમ રૂટ માટે હાલમાં જોરશોરથી કામગીરી ચાલી રહી છે. જીએમઆરસી (GMRC) દ્વારા મેટ્રોના પ્રથમ રૂટ (Route) માટે કાપોદ્રાથી શરૂ કરીને છેક ડ્રીમ સિટી (Dream City) સુધી ટ્રેક તૈયાર કરવા માટે કામગીરી ચાલી રહી છે. તેમજ હવે બીજા રૂટ માટેના પણ ટેન્ડરો મંગાવી કામગીરી શરૂ કરવા માટે જીએમઆરસી દ્વારા પ્લાનિંગ કરાયું છે. સારોલીથી ભેંસાણ સુધીનો આખો બીજો રૂટ બે સેકશનમાં આવરી લેવામાં આવ્યો છે. બીજા રૂટમાં બે પેકેજ જાહેર કરવામાં આવ્યા છે. દરમિયાન સુરતના સૌથી મહત્વના ગણતા મેટ્રો પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અહીં એક રૂટ ઉપર મંગળવારે મોટા પીલર મુકવાની કામગીરી કરવામાં આવી હતી.

Most Popular

To Top