Columns

જીવન સમેટવાની ઉંમરમાં જીત્યો ગોલ્ડ મેડલ!!

ફિનલેન્ડમાં ચાલી રહેલી વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2022માં 94 વર્ષીય ભગવાની દેવી ડાગર ભારત માટે ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ જીતી લાવ્યાં છે. જે ઉંમરે લોકો જીવન સમેટી લે છે એ ઉંમરે આ દાદીમાનો હજુ ગોલ્ડ મેડલ જીતવાનો હોંશલો બુલંદ છે. ભગવાનની દેવીએ વરિષ્ઠ નાગરિક વર્ગમાં 100 મીટર દોડમાં ગોલ્ડ જીત્યો હતો અને શોટપુટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. નવાઈની વાત તો એ છે કે, તેણે 100 મીટરની દોડ 24.74 સેકન્ડમાં પૂરી કરી હતી. સરેરાશ વ્યક્તિને 100 મીટર દોડવામાં 14 થી 16 સેકન્ડ લાગે છે. ભગવાની દેવીએ અગાઉ દિલ્હી સ્ટેટ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 100 મીટર સ્પ્રિન્ટ, શોટ પુટ અને ભાલા ફેંકમાં ગોલ્ડ જીત્યો હતો. સ્પોર્ટસ મિનિસ્ટ્રીએ ત્રિરંગા અને મેડલ સાથે ભગવાની દેવીનો ફોટો ટ્વીટ કર્યો છે. આ ટ્વીટમાં લખ્યું છે, ભારતની 94 વર્ષીય ભગવાની દેવીએ ફરી એક વાર સાબિત કર્યું છે કે ઉંમર કોઈ અવરોધ નથી!

જ્યારથી આ ટ્વીટ સામે આવ્યું છે, લોકો તેના પર ધનાધન રિએક્શન આપી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર ભગવાની દેવીની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ટ્વીટના જવાબમાં એક વ્યક્તિએ લખ્યું છે, ‘‘આ એક ખૂબ મોટા સમાચાર છે, જેણે મારો દિવસ બનાવ્યો છે. ભગવાની દેવી ડાગરને અભિનંદન. તેમણે અમને બધાને ગૌરવ અપાવ્યું છે.’’ એક યુઝરે લખ્યું છે, ‘‘94 વર્ષના અને મારા દેશ માટે મેડલ જીતનાર!! કેવું વ્યક્તિત્વ છે! મને તેના પર ખૂબ ગર્વ છે.’’ કોઈએ લખ્યું છે, ‘‘આ સમાચાર વાંચીને મારાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે. જો હું જીવનમાં ક્યારેય કોઈ કામ ન કરવા માટે બહાનું કાઢું તો મને આ યાદ રહેશે.’’

વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ એ 35 વર્ષ કે તેથી વધુ ઉંમરના પુરુષ અને સ્ત્રી એથ્લેટ્સ માટે ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટ્સની ટુર્નામેન્ટ છે. આ ટુર્નામેન્ટ કોઈ પણ ધોરણો વિના તમામ રમતવીરો માટે ખુલ્લી હોય છે. થોડા દિવસો પહેલાં સુધી આ ટુર્નામેન્ટનું નામ વર્લ્ડ એસોસિયેશન ઓફ વેટરન એથ્લેટ્સ હતું. આ વર્ષે ટુર્નામેન્ટ 29મી જૂને શરૂ થઈ હતી, જે 10મી જુલાઈએ પૂરી થઈ હતી.

Most Popular

To Top