Kids

સૌને ગમતીલાં રંગબેરંગી પતંગિયાં

ળમિત્રો, આપણને સૌને ગાર્ડનનાં ફૂલોની આસપાસ ઊડતાં રંગબેરંગી પતંગિયાંઓ બહુ ગમે. એનું એક કારણ એ છે કે તે નિરુપદ્રવી છે અને કુદરત પાસે જેટલા પણ રંગો છે, એ બધા જ રંગોથી આ પતંગિયાંઓ રંગાયેલાં છે. આજે આપણે થોડી વાતો પતંગિયાઓ વિશે જાણીએ. આખી દુનિયામાં પતંગિયાંઓની 20, 0000થી વધુ પ્રજાતિઓ છે. જેમાંથી 1500 જેટલી પ્રજાતિ ભારતમાં જોવા મળે છે. માંડ એકાદ મહિના જેટલું જ ટૂંકું આયુષ્ય ધરાવતાં બધાં પતંગિયાંઓ ખોરાક નથી ખાતાં પણ જીવન જીવવા માટે મધમાખીઓની જેમ ફૂલોનો રસ પીએ છે.

સરેરાશ નર પતંગિયાં કરતાં માદા પતંગિયાં થોડું વધુ જીવે છે. રંગબેરંગી અને નાનાંમોટાં પતંગિયાંઓમાં સૌથી મોટી પતંગિયાની પ્રજાતિ ‘’જહાઇંટ બર્ડવિંગ’’ નામની છે. જેની પાંખોનો ફેલાવો 12 ઇંચથી વધુ હોય છે. સામાન્ય રીતે આ પ્રજાતિનાં પતંગિયાં સોલોમન ટાપુ પર જ જોવા મળે છે. નાનો જીવ હોવા છતાં સામાન્ય પતંગિયાંઓ કલાકના 17 Kmની ઝડપે ઊડી શકે છે. સૌથી ઝડપથી ઊડી શકતા પતંગિયાનું નામ ‘’મોનાર્ક’’ છે. પતંગિયાંનું મગજ અને આંખો ખૂબ તેજ હોય છે. આશ્ચર્ય ઉપજાવે એવી વાત તો એ છે કે તેની નાનકડી આંખોમાં અધધધ જેટલા લેન્સ હોય છે તેથી ઘોર અંધકારમાં પણ અહીં-તહીં ઊડી શકે છે અને મનપસંદ ફૂલો શોધી લે છે.

ઠંડું લોહી ધરાવતાં પતંગિયાંઓ 55 ડિગ્રી ફેરનહીટથી ઓછું તાપમાન થઇ જાય ત્યારે બહુ ઊડી શકતાં નથી કારણ કે તેના શરીરનું તાપમાન નિયંત્રિત કરવામાં તકલીફ પડે છે. પતંગિયાંઓ સામાન્ય રીતે 10 – 15 ફૂટની ઊંચાઇએ જ ઊડતા આપણે જોયા છે. પણ 3000 ફૂટની ઊંચાઇ સુધી તે ઊડી શકે છે. પતંગિયાંને સાંભળવાની ક્ષમતા નથી હોતી પણ વાઇબ્રેશન ફીલ કરી શકે છે. સૂંઘવા માટે નાક નથી પણ તેના એન્ટેના જેવા અવયવ તે સુગંધ પામે છે અને પગમાં લાગેલા સેન્સર દ્વારા સ્વાદની પરખ પણ કરે છે. જે ફૂલોનો સ્વાદ તેને ગમ્યો હોય તો બીજી વાર 100 Km દૂર હોય તો પણ રસ્તો ભૂલ્યા વગર ત્યાં પહોંચી જાય છે! છે ને અજબ-ગજબનાં પતંગિયાંઓની ગજબની દુનિયા….

Most Popular

To Top