Kids

ઈમાનદારીનો આઈસ્ક્રીમ

નામ એનું રાજુ. આમ તો એનાં મા-બાપે એનું નામ રાજકુમાર પાડ્યું હતું પણ એક મજદૂરના છોકરાને કોણ એના ખરા નામે બોલાવે? એટલે ટૂંકમાં એનું નામ રાજુ જ પડી ગયું. એનાં મા-બાપ નાના ગામથી રોજી રોટી કમાવા આ મોટા શહેરમાં આવ્યાં હતાં. લાખો મજદૂરોની જેમ એમનું પણ આ શહેરમાં કોઈ રહેવા માટે ઘર નહોતું. એક નવા બનેલા ગાર્ડનની આસપાસની ખાલી પડેલી જગ્યાએ બીજા કેટલાક થોડા ઘણા મજદૂરોની જોડે એનાં મા-બાપે પ્લાસ્ટિકના ટેન્ટ જેવું ઘર વસાવ્યું હતું.

બધા મજૂરોની સાથે રાજુનાં મા-બાપ વહેલી સવારે કામ શોધવા નીકળી પડતાં અને રાજુ એના ભાઈબહેનો સાથે ઘરે રહી આસપાસમાં રમ્યા કરતો. એ વસાહતની બિલકુલ સામે એક મોટું આઈસ્ક્રીમ પાર્લર હતું. રાજુની નાનકડી આંખોને દૂરથી એ ઠંડક આપતું. નાનકડી ઉંમરમાં એની ગરીબીએ એને એટલી સમજ તો આપી દીધી હતી કે એના પિતા એને આઈસ્ક્રીમ ખવડાવી શકે એ હાલતમાં નથી. જ્યાં માંડ માંડ એક રોટલો દૂધ અને સૂકી ડુંગળી ખાવા મળતા અને ક્યારેક તો દૂધની જગ્યાએ પાણીમાં બોળી રોટલો ખાવો પડતો, ત્યારે આઈસ્ક્રીમ ખાવાના તો સપનાં જ જોઈ શકે એમ હતો એ, પણ રાજુને ક્યારેય એ વાતનું દુઃખ નહોતું.

ક્યારેક રમતાં-રમતાં એ આઈસ્ક્રીમની શોપ આગળ પહોંચી જતો, ત્યારે અમુક ભલા લોકો એને ગરીબ ભિખારી સમજી આઈસ્ક્રીમ ખવડાવાની ઓફર કરતા પણ નાનકડા રાજુને ક્યારેય મહેનત વગર કોઈ જ વસ્તુ લેવાનું મંજૂર નહોતું. એ ખૂબ પ્રેમથી સામેવાળાની ઓફર ઠુકરાવી દેતો. એનાં માબાપે એને મહેનતનો રોટલો ખાતાં શીખવાડ્યું હતું. એ લોકો ભીખ માંગવાના બદલે મહેનતથી રોટી કમાવા માંગતા હતા. ઉનાળાના એક દિવસે ધોમધખતી ગરમીથી ત્રસ્ત થઈ ગયેલા લોકો પેટને ઠંડક આપવા એ આઈસ્ક્રીમ પાર્લર પર લાઈન લગાડીને ઊભા હતા. નાના નાના ભૂલકાઓ પોતાના માતાપિતાની આંગળી પકડીને પોતાનો નંબર ક્યારે આવશે અને ઠંડો-ઠંડો આઈસ્ક્રીમ ક્યારે ખાવા મળશે એની ઇન્તેજારીમાં ઊંચાનીચા થઇ રહ્યા હતા.

રાજુ અને એના ભાઈબહેન એ શોપની છાયામાં રમી રહ્યા હતા. ત્યાંથી પસાર થતા શોપ ઓનર ભાઈના વોલેટમાંથી એક 200 રૂપિયાની નોટ ભૂલથી નીચે પડી જાય છે. એ ભાઈને એની ખબર નથી પણ પાસે રમતા રાજુની નજર એના પર પડે છે. રાજુ એ તરત ઉપાડી લે છે અને નોટને ફેરવી ફેરવીને જોવા લાગે છે. રાજુને એક ક્ષણ માટે લાલચ થઈ જાય છે કે લાવને આ મળેલ પૈસામાંથી મારા અને મારા ભાઈ-બહેન માટે આઈસ્ક્રીમ ખરીદી લઉં, બાકી અમારા નસીબમાં તો ક્યારેય એ ખાવાનું નહીં બને. પણ ત્યાં જ રાજુને એના પિતાએ આપેલી શિખામણ યાદ આવે છે કે મહેનત વિના મળેલો પૈસો હરામનો હોય છે અને હરામની કમાઈ આપણા જેવા માણસોને ક્યારે ના ખપે દીકરા. એટલે રાજુ દોડતો જઈને દુકાનના માલિકને મળેલા પૈસા વાપસ કરી દે છે.

શોપ ઓનર રાજુ અને એના પરિવારને જાણતો હતો કેમ કે એ લોકો ઘણા સમયથી એના આઈસ્ક્રીમ પાર્લર સામે રહેતા  હતા અને એ રાજુની એ વાત પણ જાણતો હતો કે રાજુ ક્યારેય ભીખમાં આપેલી વસ્તુ સ્વીકારતો નથી. રાજુની પ્રામાણિકતાથી ખુશ થઈને એ રાજુ અને એના ભાઈ-બહેનોને પોતાની શોપમાં બોલાવીને આઈસ્ક્રીમ ખાવાની ઓફર કરે છે. રાજુ એ લેવા માટે ના પાડવા જાય છે, ત્યાં જ શોપનો માલિક એને કહે છે, ‘દીકરા, આ આઈસ્ક્રીમ તને ભીખમાં નથી આપતો, એ તો તારી ઈમાનદારીનો આઈસ્ક્રીમ છે. પ્લીઝ એ લેવા માટે ના નહીં કહેતો.’

અને રાજુ પોતે કમાયેલા ઈમાનદારીના આઈસ્ક્રીમ ખાતો ખુશ થઈ જાય છે. શોપ ઓનર નાનકડા રાજુની આ ઈમાનદારી પર વારી જાય છે અને વિચારે છે…. લોકો પૈસાથી જ અમીર નથી બની જતા. ઘણા લોકો ભલે તનથી ગરીબ હોય પરંતુ મનથી તો અમીર હોય છે. જ્યારે કેટલાય લોકો પાસે ખૂબ પૈસા હોવા છતાં મનથી તો ગરીબ જ રહે છે. ધન્ય છે એ માતાપિતા જે પોતાનાં નાનાં બાળકોને ઈમાનદારીના પાઠ શીખવે છે અને મહેનતમજૂરી કરી ખુમારીથી પોતાનું જીવન વ્યતીત કરે છે.

Most Popular

To Top