Comments

એન્જોયગ્રાફી તો નસીબદારને લાધે..!

બંદાએ રસોડાની છાબડીમાં લીંબુ-મરચાં કદાચ રાખ્યાં હશે, બાકી બારણાં ઉપર ફાંસીએ લટકાવ્યાં નથી. હા…દરવાજા ઉપર ચાર્લી ચેપ્લીનનો ફોટો ચણેલો છે, જેના વાઈબ્રેશનને કારણે વગર કોરોનાએ અમે બધાં પોઝીટીવ છીએ. કેટલીક પેઢી તો, એ જ કારણે નીરોગી પણ જન્મી, ને નીરોગી રીટર્ન થઇ બોલ્લો..! છતાં હમણાં-હમણાં ગંગારામ જાણે કયા દુર્યોધને મેલી-મૂઠ મારી, તે ચાર્લી ચેપ્લીનની પણ ઐસી કી તૈસી કરીને, આફતોએ કારણ વગર પાકિસ્તાનની માફક ઘર ઉપર હુમલાઓ કરવા માંડ્યા છે. આફત એકલી આવે તો પહોંચી પણ વળીએ, એના કપાળમાં કાંદા ફોડું સાલ્લી આવે તો ફેમિલ્લી સાથે આવે..! પેટ છૂટી વાત કરું તો, અત્યારે મારા અને ભારતના ગ્રહો સારા નથી દોસ્તો..! એન્જોયગ્રાફીના ઘરમાં પ કોરોના પણ ઘૂસ્યો, સાથે પરણેતરની કુરેલીની માફક ‘એન્જોગ્રાફી’ પણ ઘૂસી..! કોરોનાએ ફેફસું પકડ્યું ને ‘એન્જોગ્રાફી’ એ એની મેલવણ હૃદય ઉપર અજમાવી.

ભલે રોગોની જમાતમાં ‘કોરોના’નું નામ ‘સુપર-સ્ટાર’ રોગમાં આવતું હોય, પણ બ્લોક નળીએ તો છાતીનાં પાટિયાં હલાવી દીધાં..! નળી, નાળું ને ગરનાળું પણ માણસનો વેરી બની શકે, એ પહેલી વાર જાણવા મળ્યું. તંદુરસ્તીનો ફાંકો તો રાખવો જ નહિ દાદૂ..! તંદુરસ્તી પર અભિમાન આવે ત્યારે કોઈ હોસ્પીટલની મુલાકાત લેવી. સમૃદ્ધિનું અભિમાન આવે ત્યારે ભૂકંપ વિસ્તારની મુલાકાત લેવી, ને સૌન્દર્યનું અભિમાન આવે ત્યારે જૂની ફિલ્લ્લ્મની હિરોઈનને જોઈ લેવાની. આપણો બધો ફાંકો ક્ષણમાં ઊતરી જાય..! એમાં અભિમાન તો સોયની અણી જેટલું પણ નહિ રાખવું. અભિમાન કાળા માથાનો માનવી ધારે તે કરી શકે છે, એવી અંધ-શ્રધ્ધાથી તો દૂર જ રહેવું. નેપોલિયન ડી બોનાપાર્ટ ભલે કહી ગયા હોય કે, ‘કાળા માથાનો માનવી ધારે તે કરી શકે, પણ મને તો એ વાત પણ પાનો ચઢાવવા જેવી લાગી..!’ માત્ર ભ્રમ અને ભ્રમણા છે..! આ તો એવું છે ને કે, નેતાઓ બોલતા હોય ત્યારે, ‘વન-વે’ માં ઘૂસે કોણ..?

મગજ બંધ ને કાન ખુલ્લા રાખવાના. બાવા બોલ્યા ને દાઢી હાલી..એમ માની લેવાનું. કંઈ પણ બોલવું એ એમનો અબાધિત અધિકાર છે…! એ જે કંઈ બોલે તો બધું ફક્કડ જ માનવું. બોલતાં અટકાવવા માટે ‘ફીઈઈઈણ’ કાઢવાનો આજે સમય કોની પાસે છે? બાકી નેપોલિયનના ભેદ-ભરમની વાત તો ગંગારામ જાણે, પણ શ્રીશ્રી ભગાનું અનુમાન છે કે, નેપોલિયન પાસે વાળ કાળા કરવાની ‘ડાય’ ની ફેક્ટરી હોવી જોઈએ. લોકોના માથાનું છાપરું અહર્નિશ કાળું રાખવા માટે જ, એમણે આવો પ્રચાર કરેલો. આ ચાલમાં હું પણ એકવાર ‘ડાન્સ’ કરવા ગયેલો. એવો ઊંધે માથે પટકાયેલો કે, હજી રીપેરીંગ ચાલે છે. શિયાળો બેસે ને કેડમાં સણકો ઉપડવા માંડે તે અલગ. માથાનું છાપરું કાળું થવાને બદલે લોહીથી લાલ થઇ ગયેલું. થયેલું કે, દિલ ખોલીને વાત કરું તો, નેપોલિયનના આ વિધાન ઉપર વિશ્વાસ રાખી, હું હાથીને ખોળામાં બેસાડીને પ્રાણી-વ્હાલ કરવા ગયેલો..! બંદાને એવો ફાંકો કે, લાવને હસાહસ છોડીને એકાદ સાહસનો દાવ ખેલી જોઈએ. એના કપાળમાં કાંદા ફોડું, એકાદ મસ્તીખોરે બોંબ ફોડ્યો ને હાથી એવો ભડક્યો કે, હાડકાની હોસ્પિટલમાં છ મહિનાનો ખાટલો આવેલો..! ખાટલે ઊંચી ટાંગ ટાંગીને ૧૮૦ દિવસ સુધી છત-દર્શન કરવા પડેલાં..! એક વાર તો કીડીને ઝાંઝર પહેરાવવાનો ચસ્કો લાગેલો, ને મચ્છરને માલીશ કરવાની કુબુદ્ધિ સૂઝેલી.

મચ્છરું તો સાલ્લું વગર માલીશે ચટકું ભરીને ઊડી ગયું ને હું કાળા માથાનો માનવી, રિસાઈને પિયર ચાલી જતી વાઈફનો તાગ જોતો હોઉં એમ, એને જોતો જ રહી ગયેલો..! ‘લાંબા સાથે ટૂંકો ચાલે, મરે નહિ તો માંદો પડે’ એમ એક વાર જીરાફને Kiss કરવાની ચળ ઉપડેલી. ક્યાં અમિતાભ બચ્ચન જેવું જીરાફ્ડું ને ક્યાં જયા ભાદુડી જેવું મારું કાયડું.? મારી જે વલે થયેલી, એની ચીસ હજી વનરાવનમાં ગૂંજે છે..! આ તો એક દાખલો આપ્યો કે, કાળા માથાનો માનવી કંકોયા પણ સાફ કરી શકતો નથી..! મારી હૃદયની નળીઓ બ્લોક થઈ ગઈ છે, ને તમારે એન્જોગ્રાફી કરાવવી પડશે, એવું સાંભળ્યું ત્યારથી મારી એન્જોયગ્રાફી પણ BLOCK થઇ ગઈ. સમઝ નથી પડતી કે, કોઈને મેં કોઈ વાતે ‘બ્લોક’ કર્યા નથી. અનેક વાર વાઈફ સાથે તું તું-મેં મેં થવા છતાં, તેને પણ બ્લોક કરી નથી. છતાં, હૃદયની નસ ઉપર કોણ રેકી કરી ગયું એને હું શોધું છું..! આર્યનારીઓને તો કેટલું સારું? રસોઈ કેમ બનાવવી એના ‘રસોઈ-શો’ જોઇને પણ જાતે રસોઈ બનાવી શકે. એમ જાતે જ એન્જોગ્રાફી કરવાના પ્રશિક્ષણ-કોર્ષ ટી.વી. ઉપર બતાવતા હોય તો..? રાહત થઇ જાય બોસ..!

આ માટે એક ડોકટર ને ઇજનેરનો બનાવ જાણવા જેવો છે, હૃદયરોગના એક નિષ્ણાત એમની બગડેલી મોટર સાઈકલ લઈને એક મીકેનીકલ ઇજનેરના ગેરેજમાં ગયા. ઈજનેરે મોટર સાઈકલનું હૃદય ખોલી, તેના વાલ્વ બહાર કાઢીને પાછું ગોઠવી ગાડી ચાલુ કરી દીધી. પછી ઈજનેરે પેલા હૃદયનિષ્ણાત ડોક્ટરને કહ્યું કે, સાહેબ તમે મારા જેવું જ કામ કરો છે. ફેર એટલો કે, તમારી પાસે માણસ આવે, ને મારી પાસે મોટર સાઈકલ આવે.. છતાં તમારા જેટલું વળતર મને મળતું નથી. ત્યારે ડોકટરે તેને કહ્યું કે,” જ્યારે મોટર સાઈકલનું એન્જીન ચાલુ હોય ત્યારે તું એ પ્રયોગ કરી જોજે, તને તારો જવાબ મળી જશે..!”આશ્ચર્ય તો એ વાતનું પણ થાય છે કે, રોજ દારુ પીનારો માલ્યા, મોટી ઉંમરે પણ ફીટ..! પતંજલિવાળા બાલકૃષ્ણનને અને ડાન્સર ટીમો ડિસોઝાને નાની ઉંમરે હાર્ટ-એટેક આવી શકે, ચુસ્ત ક્રિકેટર ગાંગુલીની ત્રણ નળી બ્લોક થઇ શકે, ને મારા જેવા એન્જોયગ્રાફીમાં જીવતાને ‘એન્જોગ્રાફી’ કરાવવાની?

સાલું સમઝમાં નથી આવતું કે, લોકોને હસાવવું કે પછી દારુ પીને માલ્યાની માફક કોઈનું કરી નાંખીને જલસા કરવા..? ટી.વી.માં આવતા ‘રસોઈ શો’ ને જોઇને, આર્યનારી જો રસોઈ બનાવવા માટે ‘સાહસિક’ બની શકે, તો ‘એન્જોયગ્રાફી’ ના શો જોઇને આપણે કેમ જાતે ઓપરેશન નહિ કરી શકીએ..? પછી પાછો એવો પણ વિચાર આવે કે, ‘હૃદયની નળી તો ઠીક, બરાબ્બરની લાગી હોય ને બધું જ બગડવાની અણી ઉપર હોય ત્યારે, માત્ર પાયજામાનું નાડું ખોલવામાં પરસેવો વળી જતો હોય તો એ હૃદયની નળીને શું ખોલવાનો..? એટલે તો બ્લોક નળીને ખોલવાની વિધિને એન્જોગ્રાફી કહેવાય, ને ખરા ટાણે પાયજામાનું નાડું નહિ ખુલે એને ‘એન્જોયગ્રાફી કહેવાય..! જે લોકો હૃદય ખોલીને જીવતા નથી એના જ હૃદય ખોલવાં પડે, ને જે લોકો સંબંધોને મગજમાં બ્લોક કરીને બેઠાં હોય, એની નળી તો શોધવી પડે કે, સાલી બ્લોક ક્યાંથી થાય છે..? બંદાને આજે પણ ખબર નથી કે, ભગવાને હૃદય શરીરના પાછલા મહોલ્લામાં બરડા ઉપર ગોઠવેલું છે કે, પછી છાતી ઉપર ટાંગેલું છે..! એટલી જ ખબર કે, ધબકે એને body કહેવાય, ને નહિ ધબકે એને dead body કહેવાય..!

લાસ્ટ ધ બોલ:= પાડોશણની વાઈફ વિશેની ફરિયાદ સાંભળીને શ્રીશ્રી ભગાનું મગજ ફરી ગયું. વાઈફને દબડાવતાં કહ્યું કે, ‘તેં પાડોશણના ઘરમાંથી બટાકા કેમ ચોર્યા?’ વાઈફ કહે, ‘તમે જ તો કહેતાં ગયેલા કે, “ચોરી ને બટાકાનું શાક બનાવજે..! એમાં મારો કોઈ દોષ..?” એના કપાળમાં કાંદા ફોડું..!

  • આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top