Charchapatra

લાખ ખાંડી લૂંટનારા

ગત 8 માર્ચના રોજ રાજયકક્ષાના નાણામંત્રી અનુરાગસિંહ ઠાકુરે લોકસભામાં રિઝર્વ બેન્કના આંકડા પ્રમાણે માહિતી આપતા ઠંડે કલેજે કહયું હતું કે દેશની અનુસૂચિત વાણિજ્યિક બેન્કોએન ાણાકીય વર્ષ 2018-19માં રૂા.236265 કરોડ, 2019-20માં રૂા.234170 કરોડ અને 2020-21ના છેલ્લા 9 માસમાં 115038 કરોડની બેન્ક લોન એટલે કે છેલ્લા પોણા ત્રણ વર્ષ દરમિયાન કુલ રૂા.585473 કરોડની લોન માંડી વાળી હતી. અહીં તેમણે સસલાને શિંગડા ઉગાડવા જેવી વાત કરતા કહયું હતું કે સંબંધિત બેન્કો માંડી વાળેલી લોન પરત મેળવવા માટે કોશિશ ચાલુ રાખશે! આ સંદર્ભે અનુસૂચિત બેન્કોએ પાશેરમાન પુણી જેવું ભગીરથ કામ કર્યું છે કે ઉપરોકત લોન માંડવાળ રકમ પૈકી 11.65 ટકા એટલે કે રૂા.68219 કરોડની જ વસૂલાત કરી શકી છે! ભારતદેશની બેન્કોએ લોન વસૂલાત મામલે ટાઢા પાણીએ નાહી નાખવું પડે તેવી લાખો કરોડો રૂપિયાની લોનને જેમ કાણાને કાણો ન કહેવાય તેમ તેને બેડ લોન કહેવાને બદલે નોન પરફોર્મિંગ એસેટસ (એનપીએો અને તેના ગુણોત્તર કે પ્રમાણને સ્લિપેજ રેશિયો જેવા રૂપકડા નામો આપ્યા છે!

આપણા દેશમાં સમયાંતરે બેન્ક લોન સંબંધિત કૌભાંડો પ્રગટ થતા જ રહે છે અને તેમાં નેતા, પ્રણેતા (બેન્ક અધિકારીઓ) અને લાભકર્તા માંધાતાઓ વચ્ચે ગાંધી-વૈદ્યનું સહિયારું હોય છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના વાર્ષિક અહેવાલ 2019-20 મુજબ દેશની જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રની બેન્કોના કૌભાંડોમાં અનુક્રમે 234 ટકા ને 500 ટકાનો વધારો થયો છે. તેની વર્ષ 2018ની ચોંકાવનારી આંકડાકીય માહિતી મુજબ દર 4 કલાકે 1 બેન્ક કર્મચારી કૌભાંડ કેસમાં પકડાય છે અને 1 જાન્યુઆરી 2015થી 31 માર્ચ 2017 સુધીના સમયગાળામાં જાહેર ક્ષેત્રની બેન્કોના 5200 બેન્ક ઓફિસર્સને કૌભાંડ કેસમાં સજા થઇ હતી.

વિશેષ સીબીઆઇએ વર્ષ 2011માં 3 બેન્કોના ઉચ્ચ પદાધિકારીઓએ 10 હજાર નકલી ખાતા ખોલીને તેમાં 150 કરોડ રૂપિયાની લોન ખતવી નાખ્યાનું કૌભાંડ પકડી પાડયું હતું. આશ્ચર્યજનક વાત એ છે કે જેમ નબળો ધણી બૈરી પર શૂરો તેમ અહીં બેન્ક અધિકારીઓ નાના-મધ્યમ લોન લેનારાઓ પર કાયદેસર ગેરકાયદેસર રીતે પઠાણી ઉઘરાણી અને તહીં લોન લેનારા માલેતુજારો પ્રત્યે પ્રેમ અને વફાદારી સેવીને સમાધાન કરી લેતા હોય છે. ટૂંકમાં દેશની બેન્કોનો ભેદભાવભરી લેતી-દેતીનો આવો વ્યવહાર જોતા કવિ કરસનદાસ માણેકની કાવ્ય પંકિતઓ કકળતા હૃદયમાંથી સરી પડે છે કે દેવળિયે દંડાય છે ચોર મુઠ્ઠી જારના, ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે.
સુરત- પ્રા. જે. આર. વઘાશિયા -આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top