SURAT

‘કામ નહીં કરે તો એસીબીમાં ફસાવી દઈશ’: આસિ. ઇજનેરને ધમકી

સુરત: લાઇસન્સ પ્લમ્બર દ્વારા આસિ. ઇજનેરને (Engineer) જો તેં મારું કામ નહીં કર્યુ તો એસીબીમાં (ACB) ફસાવી દેવાની ધમકી અપાઈ હતી. ઉપરાંત ધાકધમકી આપતાં ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. રાંદેર , મોરાભાગળ, ભાણકી સ્ટેડિયમની સામે સિટી હોમ્સ સી-301માં રહેતા રમીઝરાજા મહમદ યાસ્મીન મુનશી આસિ. ઇજનેર તરીકે ફરજ બજાવે છે. બે દિવસ પહેલાં પાલિકાના લાઇસન્સ પ્લમ્બર અફસરખાન હમીદખાન પઠાણ (રહે., મોમનાવાડ, ગોપીપુરા)એ ઓફિસમાં આવીને તું મને ઓળખતો નથી. હું તારી નોકરી ખાઇ જઇશ એવી ધમકી આપી હતી. દરમિયાન મહાપાલિકાના માર્શલો હમીદખાનને નીચે લઇ ગયા હતા. દરમિયાન ટાંટિયાં તોડી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે ઉધના પોલીસમથકમાં (Police) ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

  • આસિ. ઇજનેરને જો તેં મારું કામ નહીં કર્યુ તો એસીબીમાં ફસાવી દેવાની ધમકી
  • તું મને ઓળખતો નથી. હું તારી નોકરી ખાઇ જઇશ એવી ધમકી આપી હતી
  • ધાકધમકી આપતાં ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ કરવામાં આવી

ગુડ્ડુ પોદાર સામે કરોડોની છેતરપિંડીની ફરિયાદ
સુરત: સુરતના રિયલ એસ્ટેટમાં 150 કરોડ કરતા વધારેની છેતરપિંડી કરનાર ગુડ્ડુ નામના ઇસમ સામે પ્રકાશ એપેક્ષ દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરવામાં આવી હતી. તેમાં શહેરનાં મોટાં માથાંનાં નાણાં ગુડ્ડુ ચાઉં કરી ગયો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. પ્રકાશ એપેક્ષે જણાવ્યું કે, તેઓ દ્વારા હાલમાં ફરિયાદ આપવામાં આવી છે તેમાં જવાબો લેવામાં આવી રહ્યા છે. આ મામલે તેઓ વધારે બોલી શકે તેમ નથી. અલબત્ત, રિયલ એસ્ટેટ આલમમાં જે ચર્ચા છે એ અનુસાર દોઢસો કરોડની છેતરપિંડી આ કિસ્સામાં નીકળે તેમ છે. તેમાં શહેરના ટોચના રાજકારણીના અંગત ગણાતા એક આગેવાન દ્વારા ગુડુ સામે કરવામાં આવેલી અગાઉ તેર ફરિયાદ સામે કાર્યવાહી નહીં કરવા માટે જણાવતાં તેનું પીંડલું વાળી દેવામાં આવ્યું હોવાની વિગત જાણવા મળી છે.

રિયલ એસ્ટેટ આલમમાં આ ફરિયાદ ચર્ચામાં છે
આ મામલે જે ચર્ચા છેડાઇ છે તેમાં પોલીસ અધિકારીઓના પણ કરોડો રૂપિયા ગુડ્ડુ દબાવીને બેઠો છે. આટલી ફરિયાદો હોવા છતાં હાલમાં નવો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભાવેશ રોઝિયા દ્વારા આ તપાસ પોતાના હસ્તકમાં લેવામાં આવી છે. હવે આ ફરિયાદ ફાઇલોમાં દબાવી દેવાય છે કે એફઆઇઆર કરાય છે તે જોવાનું રસપ્રદ થઇ જાય છે. હાલમાં રિયલ એસ્ટેટ આલમમાં આ ફરિયાદ ચર્ચામાં હોવાની વિગત જાણવા મળી છે.

Most Popular

To Top