ખંગેલા ચેકપોસ્ટ પર કાળા કાચવાળી કારમાંથી દારૂ મળતાં કાર્યવાહીનો વિરોધ
ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર એક કલાક ટ્રાફિક જામ, પોલીસ ફરજમાં રૂકાવટ બદલ ગુનો નોંધાયો
દાહોદ, તા. 1
દાહોદ જિલ્લાના ખંગેલા ચેકપોસ્ટ પર દારૂ સાથે ઝડપાયેલા વડોદરાના ચાર યુવાનોએ પોલીસ કાર્યવાહીનો વિરોધ કરી હંગામો મચાવ્યાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે ચારેયની અટકાયત કરી તેમની સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, કતવારા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ ગઈકાલે વહેલી સવારે ખંગેલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી આવી રહેલી કાળા કાચવાળી એક ફોરવ્હીલ ગાડી શંકાસ્પદ લાગતા પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન ગાડીમાં સવાર વડોદરાના ચાર યુવાનો દારૂના નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત વાહનમાંથી દારૂ પણ મળી આવ્યો હતો. પોલીસે દારૂ સંબંધિત કાર્યવાહી શરૂ કરતાં ચારેય યુવાનોએ પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને ફરજ પરના કર્મચારીઓ સાથે ઘર્ષણમાં ઉતર્યા હોવાનો આક્ષેપ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ ગાળાગાળી અને ધક્કામુક્કી કરી પોલીસની કાયદેસરની ફરજમાં અવરોધ ઊભો કર્યો હતો. એટલું જ નહીં, ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર વાહનો રોકી આશરે એક કલાક સુધી ટ્રાફિક જામ સર્જાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ મામલે પોલીસે ફતેગંજના ભાર્ગવ ટીકુભાઈ જાદવ, ગોરવાના ધવલ અશોકભાઈ સોલંકી, ગિરધર પાર્કના પંકજકુમાર ભરતભાઈ આર્ય તથા કિશનવાડીના કરણસિંહ મહેન્દ્રભાઈ રાણાની અટકાયત કરી હતી.
ચારેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો, મોટર વાહન અધિનિયમ તથા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ચારેયને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કરવાની કાર્યવાહી પણ પૂર્ણ કરી હોવાનું જાણવા મળ્યું છે.
રિપોર્ટર: વિનોદ પંચાલ