National

ઈડીએ સોનિયા ગાંધીને નવું સમન્સ મોકલ્યું, 26 જુલાઈએ હાજર થવા જણાવ્યું

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નેશનલ હેરાલ્ડ કેસની વઘારાની તપાસ માટે કોંગ્રેસ (Congress) અધ્યક્ષ સોનિયા ગાંધીને નવેસરથી સમન્સ મોકલ્યા છે. તેમને હવે 25 જુલાઈના બદલે 26 જુલાઈએ તેમની સમક્ષ હાજર થવા માટે જણાવ્યું છે. ગુરુવારના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસની તપાસ માટે સોનિયા ગાંધીની પૂછપરછ થઈ હતી. આ પૂછપરછ લગભગ બે થી ત્રણ કલાક સુધી ચાલી હતી. જે બાદ તપાસ એજન્સીએ તેમને સોમવારે એટલે કે 25 જુલાઈએ હાજર થવા માટે જણાવ્યું હતું. અધિકારીઓએ કહ્યું હતું કે સોનિયા ગાંધી તાજેતરમાં કોવિડમાંથી સાજા થયા હતા, તેથી કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને તેમની પૂછપરછ કરવામાં આવી હતી.

આ દરમિયાન તેમની સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હતા. ઈડીએ રાહુલ ગાંધીની પણ પૂછપરછ કરી છે. ઈડીએ પ્રિયંકા ગાંધીને વિશેષ મુક્તિ તરીકે પૂછપરછ રૂમથી દૂર ઈડી ઓફિસની અંદર તેની માતા સાથે જવાની મંજૂરી આપી હતી. આ કેસમાં ઈડીએ રાહુલ ગાંધીની પણ પૂછપરછ કરી છે. તે જ સમયે કોંગ્રેસે ઈડીની કાર્યવાહીની નિંદા કરી છે અને તેને રાજકીય બદલો ગણાવ્યો છે. પૂછપરછના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોએ દેશવ્યાપી દેખાવો કર્યા પછી કોંગ્રેસના ઘણા નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે જૂનના પહેલા સપ્તાહમાં સોનિયા ગાંધીની પૂછપરછ થવાની હતી, પરંતુ તેઓ કોવિડ-19થી સંક્રમિત હોવાને કારણે પૂછપરછ 23 જૂન સુધી ટાળી દેવામાં આવી હતી. સોનિયા ગાંધીએ કેન્દ્રીય એજન્સી પાસેથી ચાર અઠવાડિયાનો સમય માંગ્યો હતો કારણ કે તેમને ઘરે આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. તેમને ગયા મહિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની વિનંતી ED દ્વારા સ્વીકારવામાં આવી હતી અને ત્યારબાદ નવેસરથી સમન્સ જારી કરવામાં આવ્યું હતું.

શું છે નેશનલ હેરાલ્ડ કેસ 
મળતી માહિતી મુજબ જવાહરલાલ નેહરુએ 1937માં એસોસિએટેડ જર્નલ લિમિટેડ નામની કંપનીની રચના કરી હતી. આ કંપનીમાં અન્ય 5000 સ્વાતંત્ર્ય સેનાનીઓ શેરધારકો હતા. આ કંપની ખાસ કરીને કોઈ વ્યક્તિ સાથે સંબંધિત ન હતી. ઉપરાંત આ કંપની નેશનલ હેરાલ્ડ નામનું અંગ્રેજી અખબાર પ્રકાશિત કરતી હતી. આ સિવાય AJL ઉર્દૂમાં કૌમી આવાઝ અને હિન્દીમાં નવજીવન નામના અખબારો પ્રકાશિત કરતું હતું. એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ એ 2008 સુધી ત્રણ ભાષાઓમાં અખબારો પ્રકાશિત કર્યા હતા. અખબારોના નામે કંપનીએ સરકાર પાસેથી ઘણા શહેરોમાં પોષણક્ષમ ભાવે જમીન મેળવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ પાસે 2010 સુધીમાં 1,057 શેરધારકો હતા. 2008 માં આ કંપનીએ ખોટ જાહેર કરી અને તમામ અખબારો પ્રકાશન બંધ કરી દીધું.

Most Popular

To Top