Sports

કોમનવેલ્થ ગેમ્સ માટે મહિલા ક્રિકેટ ટીમની છ સભ્યોને હજુ વિઝા મળ્યા નથી

નવી દિલ્હી: બર્મિંઘમમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) માટે રવાના થવા આડે માત્ર 48 કલાકથી ઓછો સમય બચ્યો છે ત્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની (Women’s Cricket Team) છ સભ્યોને હજુ સુધી વિઝા (Visa) મળ્યા નથી. મહિલા ક્રિકેટ કોમનવેલ્થ ગેમ્સમાં ડેબ્યુ કરી રહ્યું છે. ભારતીય ટીમ હાલમાં બેંગલુરૂમાં ટ્રેનિંગ કરી રહી છે અને રવિવારે તેમણે બર્મિંઘમ જવા રવાના થવાનું છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) આ મુદ્દે ભારતીય ઓલિમ્પિક્સ એસોસિએશન (આઇઓએ) સાથે સંપર્કમાં છે.

આઇઓએના એક સૂત્રએ પીટીઆઇને કહ્યું હતું કે કેટલાક વિઝા આજે મળ્યા છે પણ હજુ સુધી છના વિઝા મળવાના બાકી છે, જેમાંથી ત્રણ ખેલાડી અને ત્રણ સપોર્ટ સ્ટાફના સભ્યો છે. તેમમે કહ્યું હતું કે બાકીના વિઝા આવતીકાલ સુધી આવી જવા જોઇએ. આમ પણ આ પ્રક્રિયા પર અમારો કોઇ અંકુશ નથી. ગરમીના કારણે વ્યસ્તતા છે અને બ્રિટનના વિઝા મળવામાં સમય લાગી રહ્યો છે. ખેલાડીઓની કિટ પણ બેંગલુરૂ નથી પહોંચી, જો કે આઇઓએ અધિકારીઓએ આશ્વાસન આપ્યું હતું કે શનિવાર સુધીમાં તે પહોંચી જશે.

કોમનવેલ્થ ગેમ્સ : ભારતીય ટીમ 29 જુલાઇએ ઓસ્ટ્રેલિયા સામેની મેચથી અભિયાન આરંભશે
બર્મિંઘમમાં 28 જુલાઇથી શરૂ થઇ રહેલી કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે 15 સભ્યોની મહિલા ટીમની જાહેરાત કરી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આ ગેમ્સમાં પોતાના અભિયાનની શરૂઆત 29 જુલાઇએ મજબૂત ઓસ્ટ્રેલિયન ટીમ સામે રમીને કરશે. તે પછી 31 જુલાઇએ પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે ભારતીય મહિલા ટીમ રમશે. ભારતે આ ગેમ્સ માટે 8 સભ્યોનો સપોર્ટ સ્ટાફ અને ત્રણ રિઝર્વ ખેલાડીઓ પણ પસંદ કર્યા છે.

ભારતીય દળના શેફ ડે મિશનને વિઝા મળ્યા પણ તેમના ડેપ્યુટીને મળવાના બાકી
કોમનવેલ્થ ગેમ્સ માટેની ભારતીય ટુકડીના શેફ ડે મિશન રાજેશ ભંડારીને શુક્રવારે વિઝા મળી ગયા છે અને તેઓ ટૂંકમાં જ બર્મિંઘમ રવાના થઇને પોતાના સાથીઓ સાથે ત્યાં જોડાઇ જશે. જો કે તેમના ડેપ્યુટી પ્રશાંત કુશવાહાને હજુ વિઝા મળ્યા નથી. આઇઓએ સૂત્રએ કહ્યું હતું કે તેમના વિઝા પણ ઝડપથી આવી જવા જોઇએ.

Most Popular

To Top