એક દિવસ ગુરુજીએ શિષ્યોને પૂછ્યું, ‘‘જીવનમાં સૌથી અણમોલ વસ્તુઓ કઈ છે, જેને જીવની જેમ સાચવવી જોઈએ અને તે તૂટે નહિ, છૂટે નહિ તેની કાળજી રાખવી જોઈએ અને તેને કઈ રીતે જાળવવી જોઈએ?’’ ગુરુજીનો પ્રશ્ન સાંભળી બધા શિષ્યોને પહેલાં નવાઈ તો લાગી કે ગુરુજી આવો ભૌતિક ચીજવસ્તુઓને લગતો પ્રશ્ન કેમ પૂછે છે.પણ ગુરુજીના પ્રશ્નનો જવાબ તો આપવો જ પડે એટલે બધાએ જવાબ આપ્યો અને બધાએ લગભગ સરખો જ જવાબ આપ્યો કે પૈસા,સોનું, ચાંદી, ઝવેરાત, મિલકત મહત્ત્વના કાગળિયા વગેરે વગેરે એકદમ મૂલ્યવાન છે. તેને જીવની જેમ સાચવવી જોઈએ. બરાબર તિજોરીમાં મૂકી જાળવવી જોઈએ.
આવો જવાબ સાંભળી ગુરુજી થોડા નિરાશ થયા અને બોલ્યા, ‘‘મને નવાઈ લાગે છે કે મારા બધા શિષ્યોમાંથી તમે કોઈ મારા પ્રશ્નને બરાબર સમજ્યા જ નથી.’’બધા શિષ્યો નીચું જોઈ ગયા. એક શિષ્યે માફી માંગતા કહ્યું, ‘‘ગુરુજી, અમને માફ કરો. અમે તમારા પ્રશ્નની ગહનતા સમજી શક્યા નથી.’’ ગુરુજીએ કહ્યું, ‘‘મેં પ્રશ્ન પૂછ્યો હતો જીવનમાં સૌથી અણમોલ વસ્તુઓ અને તમે બધા મૂલ્યવાન વસ્તુઓની વાત કરવા લાગ્યા જેનું મારે મન કોઈ મહત્ત્વ જ નથી અને તમારે પણ દરેક મૂલ્યવાન વસ્તુની નશ્વરતા સમજી લેવી જરૂરી છે.’’
બીજા શિષ્યે કહ્યું, ‘‘ગુરુજી કઈ ત્રણ અમૂલ્ય વસ્તુઓને જાનથી વધુ જાળવવાની જરૂર છે તે અમને જણાવો.’’ ગુરુજી બોલ્યા, ‘‘દરેકના જીવનમાં ત્રણ વસ્તુ એકદમ અમૂલ્ય છે જેની જીવથી અદકેરી કાળજી લેવાની જરૂર છે જે ક્યારેય તૂટવી જોઈએ નહિ. પહેલી વસ્તુ છે ‘વચન’ – જો તમે કોઈને કોઇ પણ બાબતનું વચન આપ્યું હોય તો તે વચન કયારેય તોડવું નહિ.
બીજી વસ્તુ છે ‘મિત્રતા’ – જયારે કોઈ સાથે સાચી મિત્રતા કરો તેને ક્યારેય તોડો અને તરછોડો નહિ કે મિત્ર જોડે દગો કરવો નહિ અને ત્રીજી વસ્તુ છે ‘પ્રેમ’ –જીવનમાં સાચો પ્રેમ મળે તો તેને જાળવવો, સ્વાર્થ માટે ક્યારેય તેને છોડવો નહિ અને દગો કે વિશ્વાસઘાત કરવો નહિ.
આ ત્રણ અમૂલ્ય વસ્તુઓ છે અને જયારે તે તૂટે છે ત્યારે તે કોઈ અવાજ નથી કરતી પણ જીવનમાં એક અસહ્ય ન ભરી શકાય તેવો સુનકાર છવાઈ જાય છે અને છવાયેલો સન્નાટો ક્યારેય દૂર કરી શકાતો નથી.કોઈને પણ વચન આપો તો તેનું અવશ્ય પાલન કરો…મિત્રતા કરો તો જીવનના અંત સુધી નિભાવો અને પ્રેમ કરો તો પ્રિયજનનું ડીલ ક્યારેય ન તોડો.આ અમૂલ્ય વસ્તુઓ જાળવશો નહિ અને જો તે તૂટી જશે તો જીવન અસહ્ય બની જશે એટલું યાદ રાખજો ’’ ગુરુજીએ શિષ્યોને જીવનમાં પ્રેમ ,મિત્રતા અને વચનનું મહત્ત્વ સમજાવ્યું.