ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં તેમને પાણીચું આપવામાં આવશે?

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લોકશાહી માટે એટલા જોખમી પુરવાર થયા છે કે તેઓ હવે માત્ર ૯ દિવસ સત્તામાં રહેવાના છે; તો પણ તેમને પાણીચું આપવાની વિચારણા ચાલી રહી છે. તા. ૬ જાન્યુઆરીના ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો દ્વારા રાજધાની કેપિટોલ હિલ પર હુમલો કરવામાં આવ્યો તેને કેટલાક નિરીક્ષકો બળવો ગણાવે છે. કેટલાક રાજનીતિજ્ઞો માગણી કરી રહ્યા છે કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર વિપ્લવ કરવા માટે રાજદ્રોહનો ખટલો માંડવામાં આવે.

ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં તેમને પાણીચું આપવામાં આવશે?

ડેમોક્રેટિક નેતા જો બાઇડેન તા.૨૦ જાન્યુઆરીના પ્રમુખપદના શપથ ગ્રહણ કરવાના છે, પણ કેટલાંક અમેરિકનોને લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પને ત્યાં સુધી ખુરશી પર બેસાડી રાખવામાં જોખમ છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ તેમને મળેલી સત્તાનો દુરુપયોગ કરીને ઇરાન કે ચીન સામે અણુયુદ્ધ છેડી દે તો કટોકટીની પરિસ્થિતિ જાહેર કરવી પડે. આ કટોકટી દરમિયાન જો બાઇડેન સત્તાનાં સૂત્રો સંભાળી ન શકે તો ટ્રમ્પને જીવતદાન મળી જાય.

જો તા. ૨૦ જાન્યુઆરી પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પને સત્તા પરથી દૂર કરવા હોય તો બંધારણ મુજબ ત્રણ વિકલ્પ રહે છે. પહેલો વિકલ્પ છે, ટ્રમ્પને રાજીનામું આપવાની ફરજ પાડવાનો. ટ્રમ્પનો જે લડાયક મિજાજ છે તે જોતાં તેઓ સ્વેચ્છાએ રાજીનામું આપે તેવી કોઈ સંભાવના નથી. બીજો વિકલ્પ છે, અમેરિકાના બંધારણના ૨૫મા સુધારા મુજબ ટ્રમ્પને પ્રમુખનો હોદ્દો સંભાળવા માટે અયોગ્ય જાહેર કરીને સત્તા ઉપપ્રમુખ માઇક પેન્સને બાકીની મુદ્દત માટે પ્રમુખ બનાવવા.

આ કલમનો ઉપયોગ હોદ્દા પરના પ્રમુખ મરણ પામે કે કોમામાં ચાલ્યા જાય ત્યારે જ કરવામાં આવે છે. વળી તેનો ઉપયોગ કરવાની સત્તા ઉપપ્રમુખ સિવાય કોઈને નથી. જો ડોનાલ્ડ ટ્રમ્પને ૨૫ મા સુધારાનો ઉપયોગ કરીને સત્તા પરથી દૂર કરવા હોય તો તબીબો દ્વારા તેમને પાગલ જાહેર કરવા પડે. તે સંભવિત નથી લાગતું; માટે તેમને કાનૂની પ્રક્રિયા કરીને પાણીચું આપવાનો વિકલ્પ જ બાકી રહે છે. ડોનાલ્ડ ટ્રમ્પ પર ૨૦૧૯ માં આ વિકલ્પ અજમાવવામાં આવ્યો હતો, પણ તેમાં સફળતા મળી નહોતી.

અમેરિકાના બંધારણ મુજબ જો કોઈ પણ પ્રમુખને બરતરફ કરવા હોય તો તેમાં પ્રતિનિધિસભા તેમ જ સેનેટની મંજૂરી જરૂરી બની જાય છે. બરતરફ કરવાનો નિર્ણય પ્રતિનિધિસભા જ લઈ શકે છે, પણ ખટલો સેનેટમાં ચાલે છે. હાલમાં અમેરિકાની પ્રતિનિધિસભામાં ડેમોક્રેટિક પાર્ટીની બહુમતી છે.

૨૦૧૯ માં પણ તેમણે આ બહુમતીના આધારે ડોનાલ્ડ ટ્રમ્પને બરતરફ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી, પણ સેનેટમાં તેમની બહુમતી ન હોવાથી તે પ્રક્રિયા પૂરી થઈ શકી નહોતી. હાલમાં પ્રતિનિધિસભાનાં અધ્યક્ષ નેન્સી પેલોસી છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ રાજીનામું નહીં આપે તો પ્રતિનિધિસભામાં બરતરફીની પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત પેલોસીએ કરી દીધી છે.

જો ડોનાલ્ડ ટ્રમ્પ સામે બરતરફીની વિધિ શરૂ કરવામાં આવે તો અમેરિકાની સેનેટ ખુલ્લી કોર્ટનું સ્વરૂપ ધારણ કરી લેશે. અમેરિકાની સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ આ કોર્ટના પ્રમુખ બની જશે, પણ સુપ્રિમ કોર્ટની જેમ ચુકાદો આપવાની સત્તા તેમના હાથમાં નહીં હોય. અમેરિકાના બંધારણ મુજબ પ્રમુખ પર ખટલો ચલાવવા માટે વિશેષ અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે.

તેઓ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામેના આરોપો અને તેના પુરાવાઓ રજૂ કરશે. પ્રમુખ ટ્રમ્પને પોતાનો બચાવ કરવાની તક પણ આપવામાં આવશે. અમેરિકાના બંધારણ મુજબ જો કોઈ પ્રમુખ દેશદ્રોહ કે લાંચરુશ્વત જેવા કોઈ ગંભીર ગુનામાં સંડોવાયેલા સાબિત થાય તો પણ તેમને બરતરફ કરી શકાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ સામે હાલમાં તેવો કોઈ કેસ ચાલી રહ્યો નથી. વળી તા. ૬ જાન્યુઆરીના દેખાવો માટે તેવો કેસ માંડવામાં આવે તો પણ તેનો સપ્તાહમાં ચુકાદો આવી જાય તે સંભવિત નથી.

સેનેટમાં પ્રમુખ પરનો ખટલો પૂરો થાય તે પછી તેના પર સેનેટરોનું મતદાન કરાવવામાં આવે છે. જો હાજર રહેલા સેનેટરો પૈકી બે તૃતિયાંશ બરતરફીની તરફેણમાં મતદાન કરે તો હોદ્દા પરના પ્રમુખને બરતરફ કરવામાં આવે છે. બે તૃતિયાંશ મતોની જરૂરિયાત એટલા માટે રાખવામાં આવી છે કે જો સાદી બહુમતી રાખવામાં આવી હોય તો કોઈ પણ વિપક્ષ સેનેટમાં પોતાની બહુમતીનો ઉપયોગ કરીને રાજકીય કારણોસર પણ પ્રમુખને બરતરફ કરી શકે છે.

હાલમાં સેનેટમાં રિપબ્લિકનોની બહુમતી છે. તેને કારણે જ ૨૦૧૯ માં ડોનાલ્ડ ટ્રમ્પ સામેની બરતરફીની કાર્યવાહી નિષ્ફળ ગઈ હતી. હવે સેનેટમાં ટૂંક સમયમાં ડેમોક્રેટો બહુમતીમાં આવવાના છે. તા. ૨૦ જાન્યુઆરીએ ઉપપ્રમુખ બનનારાં કમલા હેરિસ સેનેટનાં પણ અધ્યક્ષ બનશે. તો પણ બરતરફીમાં ૬૬ ટકા સેનેટરોનો ટેકો મેળવવો મુશ્કેલ છે, કારણ કે તેમાંના ૫૦ ટકા કે વધુ તો રિપબ્લિકન પક્ષના સભ્યો હશે.

વર્તમાન વિવાદોને કારણે રિપબ્લિકન પક્ષના કેટલાક સેનેટરો પણ પ્રમુખ ટ્રમ્પના વિરોધમાં આવી ગયા છે, પણ તેમના ૩૦ ટકાને બરતરફીની તરફેણમાં મતદાન કરવા તૈયાર કરવાનું કામ અત્યંત કઠિન છે. જો સેનેટના ૬૬ ટકા સભ્યોનો ટેકો ન મળે તો ૨૦૧૯ માં બન્યું હતું તેમ બરતરફીનો ઠરાવ ફરીથી નિષ્ફળ જાય.

અમેરિકાના ઇતિહાસમાં ત્રણ વખત બન્યું છે કે પ્રમુખ સામે બરતરફીનો ઠરાવ લાવવામાં આવ્યો હોય પણ તે નિષ્ફળ ગયો હોય. બીજી મુસીબત એ છે કે તા. ૨૦ જાન્યુઆરી પહેલાં પ્રમુખ ટ્રમ્પને બરતરફ કરી શકાય તેવી સંભાવના બહુ પાંખી છે, કારણ કે હાલના સમયપત્રક મુજબ પ્રતિનિધિસભા તા. ૧૯ ના મળવાની છે.

જો તા. ૧૯ ના જ તેમાં બરતરફીનો ઠરાવ કરીને સેનેટમાં મોકલી આપવામાં આવે તો સેનેટમાં ખટલો એક દિવસમાં આટોપી શકાય તેમ નથી. જો પ્રતિનિધિસભા કોઈ તાકીદના કામ માટે ૧૯ જાન્યુઆરી પહેલાં બોલાવવી હોય તો તેના માટે ૧૦૦ સભ્યોની સહી સાથે આવેદનપત્ર આપવું પડે. તે પણ હાલમાં સંભવિત લાગતું નથી.

હવે એક જ વિકલ્પ બાકી રહે છે કે પ્રમુખ ટ્રમ્પ સામે બરતરફીની કાર્યવાહી તા. ૨૦ જાન્યુઆરી પહેલાં શરૂ કરવી, પણ તે જો બાઇડેન પ્રમુખપદના શપથ ગ્રહણ કરી લે તે પછી પૂર્ણ કરવી. ઘણાને સવાલ થશે કે ડોનાલ્ડ ટ્રમ્પ તા. ૨૦ જાન્યુઆરીના રોજ શાંતિથી હોદ્દાનો ત્યાગ કરે તે પછી તેમને બરતરફ કરવાનો શું મતલબ?

તેનું પણ કારણ છે. જો તા. ૨૦ જાન્યુઆરી પછી પણ ડોનાલ્ડ ટ્રમ્પને બરતરફ કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવે તો તેઓ પોતાની જિંદગીમાં ફરી ક્યારેય કોઈ ચૂંટણી લડી શકે નહીં. ડેમોક્રેટિક પક્ષને ડર છે કે ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે અને કદાચ જીતી પણ જશે. જો તેમને બરતરફ કરવામાં આવે તો આ ખતરો ટળી જાય તેમ છે. જો કે તેમને બરતરફ કરવાથી તેમની લોકપ્રિયતા કદાચ વધી જશે.

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ખુરશી ટકાવી રાખવા આટલા મરણિયા થયા છે તેનું કારણ એ છે કે તેમને લાગે છે કે ચૂંટણીમાં મોટા પાયા પર ગોલમાલ કરવામાં આવી છે, જેને કારણે જો બાઇડેન વિજેતા જાહેર થયા છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી કમિશનરથી માંડીને સુપ્રિમ કોર્ટ સુધી ફરિયાદો કરી જોઈ, પણ તેમની ફરિયાદમાં કોઈને વજૂદ જણાયું નથી. હતાશ થયેલા ડોનાલ્ડ ટ્રમ્પ હવે મરણિયા પ્રયાસો કરી રહ્યા છે.

તેમને જો સફળતાપૂર્વક બળવો પણ કરવો હોય તો પણ તેમનો મિલિટરી પર અંકુશ હોય તે જરૂરી છે. અમેરિકાનું લશ્કર ડોનાલ્ડ ટ્રમ્પનો પક્ષ લે તે સંભવિત લાગતું નથી. તેમ છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તા. ૨૦ જાન્યુઆરી સુધી દુનિયાને અદ્ધર શ્વાસે રાખશે તે નક્કી છે.

– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Related Posts