National

વિનોદ દુઆ: પત્રકારત્વના ક્ષેત્રે ચાર ચાંદ લગાવનાર સૂર્ય અસ્ત

નવી દિલ્હી: (Delhi) ઝાયકાની વાત હોય કે નિર્ભિક પત્રકારીતાની વાત હોય, જેઓનું નામ સૌથી ઉપર લેવાતું તેવે વરિષ્ઠ પત્રકાર (Journalist) વિનોદ દુઆનું (Vinod Dua) 67 વર્ષની ઉંમરે દિલ્હીમાં નિધન થયુ છે. તેમના પુત્રી અને અભિનેત્રી મલ્લિકા દુઆએ શનિવારે તેમના નિધનની (Death) પુષ્ટિ કરી છે. વિનોદ દુઆના અંતિમ સંસ્કાર કાલે લોધી સ્મશાન ઘાટમાં થશે. વિનોદ દુઆ પોસ્ટ કોવિડ બીમારીઓને લીધે ગંભીર સ્થિતિમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોનાની બીજી લહેરમાં વિનોદ દુઆ અને તેમની પત્ની સંક્રમિત થઈ ગયા હતા. બન્નેની તબિયત બગડી ગઈ હતી. ત્યારબાદ બન્નેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિનોદ દુઆ 7 જૂનના રોજ ઘરે પરત ફરી શક્યા હતા, પણ તેમના પત્નીનું 12મી જૂનના રોજ અવસાન થયું હતું.

વિનોદ દુઆના માતા-પિતા ભલે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઈસ્માઈલ ખાનના હોય, પરંતુ વિનોદનો જન્મ 11 માર્ચ, 1954ના રોજ દિલ્હીમાં થયો હતો. કહેવાય છે કે તેના માતાપિતા 1947 માં ભાગલા દરમિયાન ભારતમાં સ્થળાંતર કરી ગયા હતા. આ પછી વિનોદનું શિક્ષણ દિલ્હીમાં જ થયું. તેણે હંસરાજ કોલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં ગ્રેજ્યુએશન અને માસ્ટર્સ કર્યું. વિનોદ દુઆને 1996માં રામનાથ ગોએન્કા એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ ઈલેક્ટ્રોનિક મીડિયાના વ્યક્તિ હતા. તેમને 2008માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. 2016 માં ITM યુનિવર્સિટી ગ્વાલિયરે તેમને ડેલિટની ઉપાધિ આપી હતી.

વિનોદ દુઆ 67 વર્ષની ઉંમર ધરાવતા હતા. વિનોદ દુઆ દુરદર્શન અને NDTVમાં કામ કર્યું હતું. આ સિવાય મુંબઈ પ્રેસ ક્લબે પત્રકારત્વ ક્ષેત્રે જીવનભરની સિદ્ધિ બદલ વર્ષ 2017માં તેમને રેડઈંક એવોર્ડથી સન્માનિત કર્યા હતા. 1984 દરમિયાન દૂરદર્શન દ્વારા આયોજિત ચૂંટણી ચર્ચાએ તેમની કારકિર્દીમાં ચાર ચાંદ લગાવી દીધા. દૂરદર્શનમાં લાંબી ઇનિંગ્સ રમ્યા પછી વિનોદ આજતક, એનડીટીવી અને જીટીવી સહિત ઘણી ચેનલો સાથે જોડાયા. ધીમે ધીમે તેની લોકપ્રિયતા વધતી ગઈ. વિનોદ દુઆ પત્રકારત્વના ક્ષેત્રમાં એક મોટુ નામ હતુ.

વિનોદના નિધન બાદ શનિવારે મલ્લિકા દુઆએ પોતાના પિતાની એક તસવીર શેર કરી અને લખ્યુ હતું કે, અમારા નિડર અને અસાધારણ પિતા, વિનોદ દુઆનું નિધન થયુ છે. તેમણે એક અદ્વિતીય જીવન જીવ્યુ, દિલ્હીની રેફ્યૂજી કોલોનીઓમાંથી ઉભરેલા તેઓ 42 વર્ષ સુધી પત્રકારત્વના શિખરને વધારતા હંમેશા સત્ય બોલતા રહ્યા. તે હવે અમારા માતા, તેમના પ્રેમાળ પત્ની ચિન્નાની સાથે સ્વર્ગમાં છે, જ્યાં તે ગીત, ભોજન બનાવવું, યાત્રા કરવી એક-બીજા માટે જારી રાખશે. 

Most Popular

To Top