SURAT

સુરત: બાંધકામ અને હીરાઉદ્યોગમાં વ્યાજે નાણાં ફેરવનાર આ ફાઇનાન્સરોને ત્યાંથી વાહન ભરીને ડોકયુમેન્ટ જપ્ત

સુરત: (Surat) અમદાવાદ અને સુરત આવકવેરા વિભાગની (Income Tax Department) જુદી જુદી ટીમોના ૧૦૦ જેટલા અધિકારી – કર્મચારીઓએ ગઇકાલે શુક્રવારે સુરતના સંગીની, હોમલેન્ડ અને અરિહંત ગ્રુપ સહિત ૪૦ સ્થળોએ સર્ચ કાર્યવાહી કરી હતી. આ સર્ચ કાર્યવાહી સતત બીજા દિવસે ચાલુ રહી છે. બિલ્ડર ગ્રુપમાં સંગીની ગ્રુપના રવજી અને વેલજી શેટા, હોમલેન્ડ ગ્રુપના નરેન્દ્ર ગર્ગ, મહિધરપુરા હીરાબજારના મોટાગજાના ફાઇનાન્સર મહેન્દ્ર ચંપકલાલ, બાંધકામ ઉદ્યોગ (Construction Industries)) અને હીરાઉદ્યોગમાં (Diamond Industries) વ્યાજે નાણાં ફેરવનાર ફાઇનાન્સર અશેષ દોશી, કિરણ સંઘવી સહિતના ત્રણ જુદા જુદા ગ્રુપના ૨૭ પ્રોજેકટ અને ૪૦ સ્થળો પર કરવામાં આવેલી સર્ચ કાર્યવાહી દરમિયાન આવકવેરા વિભાગે વાહન ભરીને જમીન મિલકતને લગતા ડોકયુમેન્ટ જપ્ત કર્યા છે.

પ્રાથમિક તબકકે કરોડોની ટેક્ષચોરી બહાર આવવાની શકયતાને પગલે બિલ્ડરો, જવેલર્સ અને ફાઇનાન્સરના કુલ ૧૦ બેન્ક ખાતાઓ સિઝ કરવામાં આવ્યા હોવાનું આવકવેરા વિભાગની ડી.ડી.આઇ. વિંગના સૂત્રોએ જણાવ્યું હતું. ગઇકાલે આખો દિવસ ડોકયુમેન્ટ જપ્ત કરવામાં તથા કોમ્પ્યુટર અને લેપટોપના ડેટા ચકાસવામાં વિત્યો હતો. આજે બિલ્ડર, જવેલર્સ અને ફાઇનાન્સર સહિતના ૨૦ લોકોના સ્ટેટમેન્ટ લેવાની વિભાગે શરૂઆત કરી છે. આવકવેરા વિભાગને માહિતી મળી હતી કે, સુરતના બાંધકામ ઉદ્યોગમાં ખૂબ સાયલન્ટલી કરોડોનો ધંધો કરનાર અને બાંધકામ ઉદ્યોગમાં ખૂબ સારી શાખ ધરાવનાર સંગીની ગ્રુપ દ્વારા જવેલર્સ અને ફાઇનાન્સરો સાથેની ભાગીદારીમાં નોટબંધી અને કોરોના કાળ દરમિયાન મોટા પાયે માલ વેચવામાં આવ્યો છે.

બાંધકામ ઉદ્યોગમાં મંદીનો માહોલ છે ત્યારે આ ગ્રુપ દ્વારા વેસુ વીઆઇપી રોડ, અડાજણ, પાલ, રાંદેર ગોરાટ રોડ, જહાંગીરપુરા, પાલ ગૌરવપથ સહિતના પ્રાઇમ લોકેશન પર ૭ પ્રોજેકટના બાંધકામ ધમધમી રહ્યા છે અને મોટા પાયે ઇવેસ્ટરો અને ફાઇનાન્સરોએ રોકાણ કર્યું છે. તેને પગલે અમદાવાદથી ૭૦ જેટલા અધિકારી અને કર્મચારીઓ બોલાવી આવકવેરા વિભાગે સર્ચ કાર્યવાહી કરી હતી. આવતીકાલે પણ આ સર્ચ કાર્યવાહી ચાલુ રહે તેવી શકયતા છે.

કરોડોના પ્રોજેકટના ડોકયુમેન્ટ સામાન્ય માણસોને ત્યાં સંતાડયા હોવાની આઇ.ટી.ને શંકા

આવકવેરા વિભાગ દ્વારા ચલાવવામાં આવેલા ૨ દિવસના સર્ચ ઓપરેશન દરમિયાન વિભાગને બિલ્ડર, જવેલર્સ અને ફાઇનાન્સર ગ્રુપ કેટલાક પ્રોજેકટ અને ધિરાણના ડોકયુમેન્ટ આપી શકયા નથી. વિભાગને આશંકા છે કે પુરાવા સમાન આ ડોકયુમેન્ટ આ ત્રણે ગ્રુપ દ્વારા સામાન્ય અને નાના માણસોને ત્યાં સંતાડયા હોઇ શકે છે. વિભાગે આ પ્રોજેકટની આસપાસના સી.સી. ટીવી કુટેજ પણ વ્યકિતઓની સતત અવરજવરના મેળવ્યા છે. જોકે બાતમી મળી તે પહેલાં એટલે કે દિવાળી પહેલા જ આ ત્રણે ગ્રુપના પ્રોજેકટ પર ડમી માણસો મોકલાવી આવકવેરા વિભાગે વેપારનો કુલ આંકડો મેળવી લીધો હતો.

Most Popular

To Top