Dakshin Gujarat

દમણમાં ઈન્ટરનેશનલ સાયબર ફ્રોડ રેકેટનો પદાર્ફાશ, મહિલા સાથે મિત્રતા કેળવી છેતરપિંડી

દમણ: (Daman) દમણ સાયબર ક્રાઈમે ઈન્ટરનેશનલ સાયબર ફ્રોડ (International Cyber Fraud) રેકેટનો પર્દાફાશ કર્યો છે. દિલ્હીમાં ખોટા પાસપોર્ટ (Passport) અને ખોટા વિઝા સાથે રહેતો અને દમણની મહિલાને કરોડો રૂપિયાના ઉપહાર મોકલ્યા હોવાનું જણાવી કસ્ટમ ક્લીયરન્સ માટે 10 લાખ રૂપિયા પડાવી છેતરપિંડી કરનારા એક નાઇજિરીયનની પોલીસે ધરપકડ કરી છે.

  • રેકેટ ચલાવતી ગેંગનો નાઈજીરિયન ખોટા પાસપોર્ટ અને ખોટા વિઝા સાથે દિલ્હીથી પકડાયો
  • આરોપીએ દમણની મહિલા સાથે ફેસબુક પર મિત્રતા કેળવી 1.39 કરોડના ગિફ્ટસ મોકલ્યાનું જણાવી કસ્ટમ ક્લિયરન્સમાં 10 લાખ ભરવાનું કહીં છેતરપિંડી કરી હતી

પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે દમણની મહિલાએ એક વર્ષ પછી પોલીસને ફરિયાદ કરી કે તેના ફેસબુક એકાઉન્ટ પર ફિલિપ નામની એક વ્યક્તિ દ્વારા ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી. જે બાદ ફેસબુક અને વોટ્સએપ પર તેમના વચ્ચે વાતો થતી હતી. થોડા દિવસો પછી ફિલિપે મહિલાને 1.39 કરોડના કિંમતી અને મોંઘા ગીફ્ટ્સ અને ઉપહારો મોકલ્યા છે, એમ જણાવ્યું હતું. બાદમાં બીજા દિવસે મહિલા પર કસ્ટમ અધિકારી હોવાનું જણાવી કરોડો રૂપિયાના ગિફ્ટ આવ્યા હોય એના કસ્ટમ ક્લીયરન્સ પેટે રૂ.10 લાખ ભરવા જણાવ્યું હતું. મહિલાએ લાલચમાં આવી 10 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. છતાં ગિફ્ટ કે પાર્સલ નહીં મળતા મહિલા પોતે છેતરાઈ હોવાનું જણાતા તેણે દમણ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે દિલ્હી રહેતા અને ઈન્ટરનેશનલ રેકેટ ચલાવતી ગેંગના એક નાઈજિરિયન શખ્સની ધરપકડ કરી હતી.

કેવી રીતે આરોપી નાઈજીરિયન શખ્સ પકડાયો
મહિલા દ્વારા આપવામાં આવેલી બેંક ડીટેલ તથા જે ઈન્ટરનેશનલ વોટ્સએપ નંબરથી વાત થતી હતી એ માહિતી્નઆ આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. પણ પોલીસ પાસે આરોપીનો ફોટો કે કોઈ નામ ન હતું. પોલીસે દિલ્હીથી ફેલાયેલા આ સાયબર છેતરપિંડીનો અભ્યાસ કરતા જાણવા મળ્યું કે, આવી છેતરપિંડીમાં નાઈજિરિયન લોકોની મુખ્ય ભૂમિકા છે. જેઓ લોકોને વાતોમાં ભોળવી પૈસા ઓનલાઈન સેરવી લેતા હતા. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે, દિલ્હીના મોહન ગાર્ડન, ઉત્તમ નગરના મહાવીર એન્કલેવ અને ચંદર વિહારના વિવિધ વિસ્તારના બેંક એટીએમમાંથી ઉપરોક્ત ખાતામાંથી વારંવાર પૈસા વિડ્રો થઈ રહ્યા છે. જેથી પોલીસે દિલ્હી પોલીસની મદદથી આરોપી બેસિલ અડેકે ઓડિનિક્પો (રહે. ઉમુદિયોરા, નાઈજિરિયા)ને કુરિયર મેળવતી વખતે પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે તે સમયે આરોપી પાસેથી નેપાળના 2 બેંક એટીએમ કાર્ડ અને એક આંતરરાષ્ટ્રીય સીમકાર્ડ પણ કબ્જે કર્યો હતો.

આરોપી કઈ રીતે મહિલાઓને લોભામણી જાળમાં ફસાવી પડાવતો હતો પૈસા
પકડાયેલા નાઇજિરીયન આરોપીએ પોલીસને જણાવ્યું કે, તે સૌ પ્રથમ સોશિયલ મીડિયા ફેસબુક, વોટ્સએપ તથા અન્ય એપ મારફતે મિત્રતા કેળવતો હતો. થોડા દિવસ વીતી ગયા બાદ ખાસ કરીને મહિલાઓને મોંઘી અને કિંમતી ચીજવસ્તુઓ આપવાની લાલચ આપી તેમના બેંક એકાઉન્ટ નંબર અને એટીએમ કાર્ડની વિગતો મેળવી લેતો હતો. ત્યારબાદ પૈસા કાઢવા માટે આજ બેંક એકાઉન્ટ અને એટીએમ કાર્ડનો ઉપયોગ કરતો હતો. પોલીસે આરોપી પાસેથી 10 ડેબિટ એટીએમ કાર્ડ, 13 સીમકાર્ડ, 12 મોબાઈલ, 6 ડોંગલ, 1 એચડીએફસી બેંકની ચેકબુક, 1 એક્સિસ બેંકની પાસબુક તથા એક કુરિયર કબ્જે કર્યું છે. આ સાથે જ પોલીસે આરોપીના પાસપોર્ટ અને વિઝાની ચકાસણી કરતા જાણવા મળ્યું કે, આરોપી પાસે નાઈજિરિયન વ્યક્તિનો મૂળ પાસપોર્ટ નથી. તે ખોટા પાસપોર્ટ અને ખોટા વિઝાથી દિલ્હીમાં રહેતો હતો.

Most Popular

To Top