Gujarat

પોલીસના ત્રાસથી કંટાળી રાજકોટમાં યુવકે પોલીસની સામે જ ફિનાઈલ પીધું

રાજકોટ(Rajkot) : રાજકોટ પોલીસ (Police) કમિશનર કચેરીની સામે આજે ચોંકાવનારી ઘટના બની હતી. અહીં એક યુવકે પોલીસની નજર સામે જ ફિનાઈલ ગટગટાવી આપઘાતનો (Suicide) પ્રયાસ કર્યો હતો. યુવકને ફિનાઈલ પીતા જોઈ પોલીસ કમિશનર કચેરી બહાર ફરજ પર તૈનાત પોલીસકર્મીઓ તરત દોડ્યા હતા અને તેને ફિનાઈલ પીતા રોક્યો હતો, પરંતુ તે પહેલાં જ યુવક થોડું ફિનાઈલ પી ચૂક્યો હતો, તેથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર પીયૂષ રાઠોડ નામના યુવકે આજે રાજકોટ પોલીસ કમિશનર કચેરી બહાર આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ફિનાઈલ પીતા પહેલાં પીયૂષ રાઠોડે મીડિયાને જણાવ્યું હતું કે તેણે પ્રેમલગ્ન કર્યા છે. તેની પત્ની હાલ પ્રેગનન્ટ છે. ત્યારે તાલુકા પોલીસ દ્વારા પતિ-પત્ની બંનેને વારંવાર પોલીસ મથકે બોલાવી ત્રાસ આપવામાં આવી રહ્યો છે. પોલીસે અનેકોવાર તેને માર પણ માર્યો હોવાનો આરોપ યુવકે લગાવ્યો છે. પોલીસના અવારનવારના ત્રાસથી કંટાળી આજે રાજકોટ પોલીસ કમિશનર કચેરી સામે આપઘાત કરવા પહોંચ્યો હોવાનું યુવકે મીડિયાને જણાવ્યું હતું અને તરત જ ફિનાઈલની બોટલ ખોલી તે પીવા માંડી હતી. આ ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પોલીસના ત્રાસથી કંટાળી યુવક જિંદગીથી હારી ગયો હતો. તે એટલો બંધો કંટાળી ગયો હતો કે ગર્ભવતી પત્નીને ઘરે મુકી તે રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ ફિનાઈલની બોટલ લઈ દોડી ગયો હતો. અહીં મીડિયાની સામે જ પોતાની આપવીતી જણાવીને તેણે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ કમિશનર કચેરી બહારના પોલીસ કર્મીઓની સમયસૂચકતાને પગલે તેનો જીવ બચાવી લેવાયો હતો. હાલ તે સિવિલમાં સારવાર હેઠળ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. યુવકને તાલુકા પોલીસ દ્વારા કેમ વારંવાર બોલાવવામાં આવતો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top