અમદાવાદ: અમદાવાદમાં મનપાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થવા પહેલાં જ પાર્ટીએ અમદાવાદ મનાપાની ચાર મહત્ત્વપૂર્ણ બેઠકો ગુમાવી દીધી છે, જેને કારણે સંગઠનમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ મનપાની ચૂંટણી માટે આજે ફોર્મે પરત ખેચવાના છેલ્લા દિવસે કોગ્રેસનો ખેલ પડી ગયો હતો. કોગ્રેસના ત્રણ જેટલા ઉમેદવારોએ તેમના ફોર્મ પરત ખેચી લેતા આ બેઠકો હવે ભાજપના ફાળે જવાની નિશ્ચિત બની ગઈ છે.
મળતી માહિતી મુજબ શહેરના થલતેજ વોર્ડમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર રમીલા ઠાકોરએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું હતું. જેના પરિણામે ભાજપના ઉમેદવાર રીટા ઠાકોર બિનહરીફ થશે.આ ઘટનાએ કોંગ્રેસના સ્થાનિક સંગઠન પર સવાલો ઊભા કર્યા છે. કોગ્રેસે પહેલા અન્ય મહિલા ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. પરંતુ છેલ્લી ઘડીએ કોગ્રેસે ઉમેદવાર બદલીને રમીલાબેનને ટિકિટ આપી હતી. જેમાં આજે રમીલાબેને ફોર્મ પરત ખેંચતા કોગ્રેસના સંગઠન પર અનેક સવાલો સાથે કોંગ્રેસએ જ ગોઠવણ કરી હોવાના આક્ષેપ કાર્યકરો કરી રહ્યા છે.
તે જ રીતે સરખેજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વારિસ સૈયદએ પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. નોંધનીય છે કે છેલ્લા બે દિવસથી તેઓ ગુમ હોવાનું ચર્ચામાં હતું. આ પહેલાં સરખેજ વિસ્તારમાં ભરત ભરવાડએ પણ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી, જેના કારણે આ બેઠક પર કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. આ ઉપરાંત વાસણા વોર્ડમાં મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાતા કોંગ્રેસે એક બેઠક ગુમાવી દીધી છે. અત્યાર સુધીમાં અમદાવાદ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસના કુલ ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે.