ગાંધીનગર,તા.15
સ્થાનિક સ્વરાજ્યની આગામી 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી ચૂંટણીઓને લઈને પ્રચારના મેદાનમાં ભાજપે પૂરી તાકાત લગાવી દીધી છે. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે ભાવનગર જિલ્લાના ગારિયાધાર અને પાલીતાણા તેમજ અમરેલી જિલ્લાના લીલીયા ખાતે જંગી ચૂંટણી સભાઓ ગજવી હતી. આ પ્રસંગે તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસકાર્યોનું સરવૈયું રજૂ કરવાની સાથે કોંગ્રેસના ‘પરિવારવાદ’ અને ‘નકારાત્મકતા’ પર આકરા પ્રહાર કર્યા હતા.

સૌરાષ્ટ્રમાં પાણી અને વીજળીના પ્રશ્નોનો કાયમી ઉકેલ
ભાજપના અધ્યક્ષે સૌરાષ્ટ્રની ભૂતકાળની વિકટ પરિસ્થિતિ યાદ અપાવતા જણાવ્યું કે, એક સમય એવો હતો જ્યારે ટ્રેનોમાં પાણી લાવવું પડતું અને માતા-બહેનોએ પાણી માટે કિલોમીટરો સુધી રઝળપાટ કરવો પડતો. આજે ભાજપ સરકારની ‘નળ સે જળ’ અને ‘સૌની યોજના’ને કારણે દરેક ઘરમાં નળથી પાણી પહોંચી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, “એક મતની તાકાત કેટલી હોય છે તે PM મોદીના શાસનમાં દેખાય છે. તમારો એક વોટ આતંકવાદને હરાવી શકે છે અને નર્મદાના નીર સૌરાષ્ટ્રના ખૂણેખૂણે પહોંચાડી શકે છે.”
કોંગ્રેસ પાસે ઉમેદવારો નથી, માત્ર ભ્રામક પ્રચાર છે
કોંગ્રેસ પર પ્રહાર કરતા પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું કે • વિઝનનો અભાવ: કોંગ્રેસ પાસે ન તો કોઈ વિઝન છે કે ન તો મિશન. તેમનો એકમાત્ર એજન્ડા પ્રજામાં અફવા અને જુઠ્ઠાણાં ફેલાવવાનો છે.
- ઉમેદવારોની અછત: આજે કોંગ્રેસ પાસે પૂરતા ઉમેદવારો નથી અને જે છે તેમને ‘કુંભાણી ફોબિયા’ના કારણે અજ્ઞાત સ્થળે સંતાડી રાખવા પડે છે.• લોકશાહી વિરુદ્ધ પરિવારવાદ: ભાજપમાં નાનો કાર્યકર પણ અધ્યક્ષ બની શકે છે, જ્યારે કોંગ્રેસ માત્ર પરિવારવાદમાં જ માને છે.
જનહિતકારી યોજનાઓનો ઉલ્લેખ
સભાઓમાં જગદીશભાઈએ સરકારની વિવિધ સિદ્ધિઓ ગણાવી હતી. - સોલર પાવર: ગુજરાતના 11 લાખથી વધુ ઘરોમાં સોલર પેનલ લાગી છે, જેનાથી લોકો મફત વીજળીનો લાભ લઈ રહ્યા છે.
- આરોગ્ય સુરક્ષા: આયુષ્માન કાર્ડ હેઠળ હવે 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળી રહી છે.
- ખેડૂત કલ્યાણ: અતિવૃષ્ટિમાં 10 હજાર કરોડનું પેકેજ અને ટેકાના ભાવે 15 હજાર કરોડની ખરીદી દ્વારા ખેડૂતોને આર્થિક ટેકો અપાયો છે.
અંતમાં, પ્રદેશ અધ્યક્ષે કાર્યકર્તાઓની મહેનત પર ભરોસો વ્યક્ત કરતા 26 એપ્રિલે ભાજપાના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે મતદારોને હાકલ કરી હતી.