અમદાવાદમાં ‘નારી શક્તિ વંદન સંમેલન’ યોજાયું
અમદાવાદ,તા.15
અમદાવાદના ટાગોર હોલ ખાતે ‘સ્ત્રી શક્તિ’ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ની ‘બિઝનેસ વુમન કમિટી’ના સંયુક્ત ઉપક્રમે ‘નારી શક્તિ વંદન સંમેલન’ ભવ્ય રીતે યોજાયું હતું.

આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી મહિલા ઉદ્યોગસાહસિકો અને વિવિધ ક્ષેત્રની અગ્રણી મહિલાઓને સંબોધિત કરી હતી.સંમેલનને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રજૂ થનાર ‘નારી શક્તિ વંદન બિલ’ ભારતની આવનારી પેઢીઓ માટે એક ઐતિહાસિક ભેટ સમાન છે. તેમણે ઉમેર્યું કે, “વર્ષો પહેલા સરદાર પટેલે અમદાવાદ નગરપાલિકામાં મહિલા પ્રતિનિધિત્વનું જે બીજ રોપ્યું હતું, તે આજે સ્થાનિક સ્વરાજ્યમાં 50% અનામત સાથે વટવૃક્ષ બન્યું છે. હવે આ યાત્રા સંસદ સુધી પહોંચી છે, જેનાથી દેશની કરોડો મહિલાઓનો અવાજ વધુ બુલંદ થશે.”
સંઘવીએ મહિલાઓના કૌશલ્યને બિરદાવતા કહ્યું હતું કે, • શ્રેષ્ઠ સંચાલન: મેનેજમેન્ટના પાઠ શીખવા માટે કોઈ યુનિવર્સિટીમાં જવાની જરૂર નથી; એક માતા જે રીતે આખા પરિવારનું સંચાલન કરે છે તે વિશ્વના શ્રેષ્ઠ મેનેજમેન્ટ ક્લાસ સમાન છે. • ગ્રામીણ નેતૃત્વ: બનાસકાંઠાની બહેનો બનાસ ડેરીના માધ્યમથી પશુપાલન ક્ષેત્રે જે નેતૃત્વ પૂરું પાડી રહી છે, તે આત્મનિર્ભરતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
- લીડરશીપ માટે આહવાન: મહિલાઓ બિઝનેસ, મેડિકલ કે પોલિટિકલ, ગમે તે ક્ષેત્રમાં હોય, તેમણે પોતાની લીડરશીપ મજબૂત બનાવવી જોઈએ.
- વિવિધ ક્ષેત્રની પ્રબુદ્ધ મહિલાઓના પ્રેરણાદાયી વિચારો
આ પ્રસંગે આર.જે. દેવકી, સામાજિક અગ્રણી રુઝાન ખંભાતા, ડૉ. ચેરી શાહ, આર્ટિસ્ટ રૂબી જાગૃત અને જીસીસીઆઈ વુમન બિઝનેસ કમિટીના ચેરપર્સન આશા વઘાસિયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. વક્તાઓએ ટેકનોલોજી, મેડિકલ અને નિર્ણય પ્રક્રિયામાં નારી શક્તિની વધતી ભાગીદારી તેમજ યોગ્ય પાત્રતા અને આત્મવિશ્વાસ કેળવવા પર ભાર મૂક્યો હતો.