ઈરાનમાં અમેરિકા-ઈઝરાયલ યુદ્ધની કિંમત વિશ્વભરના સામાન્ય પરિવારો ચૂકવી રહ્યા છે, ત્યારે કેટલીક કંપનીઓ તેમાંથી મોટો નફો કમાઈ રહી છે. આ સંઘર્ષ અને ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી સર્જાયેલી અનિશ્ચિતતા રોજિંદા જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો કરી રહી છે, જેના કારણે વિશ્વભરની સરકારોના બજેટ પર અસર પડી રહી છે. આનાથી ગરીબ અને મધ્યમ વર્ગના કેટલાક લોકો હાંસિયામાં ધકેલાઈ ગયા છે, તેમનું બજેટ ખોરવાઈ ગયું છે, તો કેટલાકે રેકોર્ડ નફો કર્યો છે. આ એવા કોર્પોરેશનો છે, જેમના વ્યવસાયો યુદ્ધના સમય દરમિયાન વધુ નફાકારક હોય છે અને જેમને ઊર્જાના અસ્થિર ભાવોથી પણ ચિક્કાર ફાયદો થાય છે.
યુદ્ધ દરમિયાન અને યુદ્ધ પછી પણ શસ્ત્રો તેમ જ સંરક્ષણ સામગ્રીઓ બનાવતી કંપનીઓના નફામાં અધધ વધારો થતો હોય છે. ઈરાન યુદ્ધના કારણે બેલેસ્ટિક મિસાઈલ્સ, મિસાઈલ ઇન્ટરસેપ્ટર, ડ્રોન, બોમ્બ, દારૂગોળો, લડાયક વિમાનો, સબમરીનો વગેરે બનાવતી કંપનીઓના ઉત્પાદનમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. વિશ્વના ત્રણ સૌથી મોટા સંરક્ષણ સાધન ઠેકેદારો લોકહીડ માર્ટિન, બોઇંગ અને નોર્થ્રોપ ગ્રુમને ૨૦૨૬ ના પ્રથમ ત્રિમાસિક ગાળાના અંતે રેકોર્ડ સંખ્યામાં પેન્ડિંગ ઓર્ડર નોંધાવ્યા હતા.
F-35 ફાઇટર જેટના ઘટકો બનાવતી BAE સિસ્ટમ્સે ગુરુવારે એક બિઝનેસ અપડેટમાં જણાવ્યું હતું કે તેને આ વર્ષે વેચાણ અને નફામાં મજબૂત વૃદ્ધિની અપેક્ષા છે. માર્કેટ એડવાઇઝરી ફર્મ RSMUK ના વરિષ્ઠ વિશ્લેષક એમિલી સોવિચના મતે કોઈપણ યુદ્ધથી સંરક્ષણ ક્ષેત્રને સૌથી વધુ ફાયદો થાય છે. આ સંઘર્ષે હવાઈ સંરક્ષણની ક્ષમતાઓમાં રહેલી ખામીઓ છતી કરી છે, જેના કારણે યુરોપ અને અમેરિકામાં મિસાઈલ સંરક્ષણ, ડ્રોન વિરોધી ટેકનોલોજી અને લશ્કરી સાધનોમાં રોકાણમાં વધારો થયો છે. યુદ્ધ દરમિયાન શસ્ત્રોના ભંડારો ખાલી થઈ ગયા હોવાથી સરકારોને તેમના શસ્ત્રોના ભંડારોને ફરીથી ભરવાની જરૂરિયાત પણ ઊભી થઈ છે, જેના કારણે તેની માંગમાં વધારો થયો છે.
આ યુદ્ધની અત્યાર સુધીની સૌથી મોટી આર્થિક અસર ઊર્જાના ભાવમાં ભારે વધારો છે. વિશ્વના ગેસ અને તેલ પુરવઠાનો લગભગ પાંચમો ભાગ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે, પરંતુ ફેબ્રુઆરીના અંતથી આ દરિયાઈ માર્ગે જહાજોની અવરજવર લગભગ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. આના પરિણામે ઊર્જાના ભાવમાં ભારે વધઘટ થઈ, જેનો ફાયદો વિશ્વની કેટલીક સૌથી મોટી તેલ અને ગેસ કંપનીઓને થયો છે. યુરોપિયન તેલ દિગ્ગજોને સૌથી વધુ ફાયદો થયો છે. તેમની પાસે વેપારી પાંખો હતી તેથી તેઓ વધઘટનો લાભ લઈ શક્યા અને મહત્તમ નફો કરી શક્યા.
બીપી (બ્રિટિશ પેટ્રોલિયમ) એ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં તેનો નફો બમણાથી વધુ વધીને ૩.૨ અબજ ડોલર થયો. કંપનીએ તેના ટ્રેડિંગ ડિવિઝનના પ્રદર્શનને અપવાદરૂપ ગણાવ્યું. ઓઇલ જાયન્ટ શેલે પણ વિશ્લેષકોની અપેક્ષાઓ કરતાં વધુ કમાણી કરી પ્રથમ ક્વાર્ટરના નફામાં ૬.૯૨ અબજ ડોલરનો ઉછાળો નોંધાવ્યો છે. અન્ય એક આંતરરાષ્ટ્રીય દિગ્ગજ કંપની ટોટલ એનર્જીઝનો નફો ૨૦૨૬ ના પ્રથમ ક્વાર્ટરમાં લગભગ ત્રીજા ભાગનો વધારો થયો, જે ૫.૪ અબજ ડોલર થયો છે. મધ્ય-પૂર્વમાંથી પુરવઠામાં વિક્ષેપને કારણે અમેરિકન જાયન્ટ એક્સોન મોબિલ અને શેવરોનની કમાણી ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ઘટી હતી, પરંતુ આ બંને કંપનીઓએ વિશ્લેષકોના અંદાજોને વટાવી દીધા છે. તેમને અપેક્ષા છે કે વર્ષ આગળ વધતાં તેમનો નફો વધશે, કારણ કે તેલના ભાવ હજુ પણ ઈરાન યુદ્ધ શરૂ થયું તેના કરતાં ઘણા વધારે છે.
યુદ્ધ દરમિયાન ઈરાનની કેટલીક મોટી બેંકોના નફામાં પણ વધારો જોવા મળ્યો છે. JPMorgan ના ટ્રેડિંગ આર્મીએ ૨૦૨૬ ના પ્રથમ ત્રણ મહિનામાં ૧૧.૬ અબજ ડોલરની રેકોર્ડ આવક નોંધાવી હતી. બિગ સિક્સ બેંકો, જેમાં બેંક ઓફ અમેરિકા, મોર્ગન સ્ટેનલી, સિટીગ્રુપ, ગોલ્ડમેન સૅક્સ અને વેલ્સ ફાર્ગો અને જેપી મોર્ગનનો સમાવેશ થાય છે, તેમના નફામાં વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. એકંદરે બેંકોએ ૨૦૨૬ ના પ્રથમ ત્રણ મહિનામાં ૪૭.૭ અબજ ડોલરનો નફો કર્યો છે. ભારે ટ્રેડિંગ વોલ્યુમથી ખાસ કરીને મોર્ગન સ્ટેનલી અને ગોલ્ડમેન સૅક્સને ફાયદો થયો છે. વોલ સ્ટ્રીટ પરના મુખ્ય ધિરાણકર્તાઓને ટ્રેડિંગમાં અચાનક થયેલા વધારાથી ફાયદો થયો છે.
રોકાણકારો જોખમી શેરો અને બોન્ડ વેચી રહ્યા છે અને તેમના નાણાં સુરક્ષિત ગણાતી સંપત્તિઓમાં સ્થાનાંતરિત કરી રહ્યા છે.નાણાંકીય બજારોમાં થતી વધઘટનો લાભ લેવા માંગતા રોકાણકારોને કારણે ટ્રેડિંગ વોલ્યુમમાં પણ વધારો થયો છે. કેટલાક રોકાણકારોએ યુદ્ધ વધવાના ડરથી તેમના શેર વેચી દીધા હતા, જ્યારે અન્ય લોકોએ ભાવ ઘટ્યા ત્યારે શેર ખરીદીને કમાણી કરી લીધી હતી, જેણે બજારના સુધારાને વેગ આપ્યો હતો.
ઈરાન યુદ્ધે અશ્મિભૂત ઇંધણ (તેલ અને ગેસ) પર નિર્ભરતા ઘટાડીને ઊર્જા સ્રોતોને વૈવિધ્યીકરણ કરવાની જરૂરિયાત પર પણ પ્રકાશ પાડ્યો છે. આનાથી અમેરિકામાં નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રમાં ઝડપથી રસ વધ્યો છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે ડ્રિલ, બેબી, ડ્રિલના સૂત્રને લોકપ્રિય બનાવ્યું હતું, જે અશ્મિભૂત ઇંધણના વધુ ઉપયોગને પ્રોત્સાહન આપે છે. આ યુદ્ધને કારણે નવીનીકરણીય ઊર્જામાં રોકાણ હવે સ્થિરતા અને સ્થિતિસ્થાપકતા માટે વધુને વધુ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આનાથી લાભ મેળવનારી કંપનીઓમાં ફ્લોરિડા સ્થિત નેક્સ્ટએરા એનર્જીનો સમાવેશ થાય છે. આ વર્ષે તેના શેરના ભાવમાં ૧૭ ટકાનો વધારો થયો છે.
રોકાણકારો તેના મિશનમાં વધુને વધુ રોકાણ કરી રહ્યા છે. ડેનિશ પવન ઊર્જા દિગ્ગજો વેસ્ટાસ અને ઓર્સ્ટેડે પણ તેમના નફામાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે. આ દર્શાવે છે કે ઈરાન યુદ્ધથી નવીનીકરણીય ઊર્જા કંપનીઓને પણ કેટલો ફાયદો થઈ રહ્યો છે. યુકેમાં ઓક્ટોપસ એનર્જીએ તાજેતરમાં જણાવ્યું હતું કે યુદ્ધને કારણે સોલાર પેનલ અને હીટ પંપના વેચાણમાં મોટો વધારો થયો છે. ફેબ્રુઆરીના અંતથી સોલાર પેનલના વેચાણમાં ૫૦ ટકાનો વધારો થયો છે. પેટ્રોલના વધતા ભાવને કારણે ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં પણ વધારો થયો છે. ટેસ્લા જેવી અમેરિકન કંપની અને બીવાયડી જેવી ચીની કંપનીઓ આ તકનો મહત્તમ ઉપયોગ વેચાણ વધારવા કરી રહી છે.
વિશ્વની ૧૦૦ સૌથી મોટી શસ્ત્ર ઉત્પાદક કંપનીઓ શ્રીમંત બની છે. ગયા વર્ષે શસ્ત્રો અને લશ્કરી સાધનોના વેચાણમાંથી આવકમાં ૫.૯ ટકાનો વધારો થયો છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં જણાવાયું છે કે યુક્રેન અને ગાઝામાં યુદ્ધો સહિત વૈશ્વિક અને પ્રાદેશિક ભૂ-રાજકીય તણાવને કારણે આ વધારો થયો છે. યાદીમાં સામેલ ત્રણ ભારતીય કંપનીઓ માટે લશ્કરી સાધનોમાંથી કુલ આવક ૮.૨ ટકા વધીને ૭.૫ અબજ ડોલર થઈ છે.
સ્વીડન સ્થિત વૈશ્વિક થિંક ટેન્ક SIPRI એ વિશ્વની ટોચની ૧૦૦ શસ્ત્ર ઉત્પાદક અને લશ્કરી સાધનો બનાવતી કંપનીઓની યાદી આપતી વેબ લિન્ક પણ શેર કરી છે. આ યાદીમાં ભારતીય કંપનીઓમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ, ભારત ઇલેક્ટ્રોનિક્સ અને મઝાગાંવ ડોક શિપબિલ્ડર્સ છે. પહેલી વાર ટોચની ૧૦૦ શસ્ત્ર કંપનીઓમાંથી નવ મધ્ય-પૂર્વની છે, જેની કુલ આવક ૩૧ અબજ ડોલર છે. આ પ્રદેશમાં શસ્ત્રોની આવક ૧૪ ટકા વધી છે. રેન્કિંગમાં સમાવિષ્ટ ત્રણ ઇઝરાયલી શસ્ત્ર કંપનીઓની સંયુક્ત શસ્ત્ર આવક ૧૬ ટકા વધીને ૧૬.૨ અબજ ડોલર થઇ છે. અમેરિકાની કંપની સ્પેસએક્સ પ્રથમ વખત SIPRI ટોચની ૧૦૦ કંપનીઓમાં પ્રવેશી છે, કારણ કે તેની આવક બમણાથી વધીને ૧.૮ અબજ ડોલર થઇ ગઈ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.