Vadodara

તરસાલીમાં નબીરાઓનો ‘નશામાં’ આતંક, અકસ્માત બાદ કારમાંથી દારૂની બોટલો અને બિયરનો જથ્થો મળ્યો

પૂરપાટ ઝડપે આવતી લક્ઝરી કારે અન્ય વાહનને અડફેટે લીધું: મોતીનગર પાસે સર્જાયેલા અકસ્માત બાદ ચાલક સહિતના શખ્સો કાર મૂકી ફરાર, મકરપુરા પોલીસ તપાસમાં જોતરાઈ

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેમ વધુ એક વખત સાબિત થયું છે. શહેરના તરસાલી વિસ્તારમાં મોડી રાત્રે દારૂના નશામાં ચૂર નબીરાઓએ પૂરપાટ ઝડપે કાર હંકારી ભયાનક અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ કારમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અકસ્માત એટલો પ્રચંડ હતો કે બંને વાહનોના કચ્ચરઘાણ વળી ગયા હતા.


પ્રાપ્ત વિગતો અનુસાર, તરસાલી સ્થિત મોતીનગર સોસાયટીની સામેના મુખ્ય માર્ગ પર મોડી રાત્રે આ ઘટના ઘટી હતી. જ્યારે રસ્તા પર ટ્રાફિક ઓછો હતો, ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી એક કાર (નંબર GJ 06 RC 5066) ના ચાલકે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું અને આગળ જઈ રહેલા અન્ય એક વાહનને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કરનો અવાજ એટલો ભયાનક હતો કે આસપાસના રહીશો તુરંત જ પોતપોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા.

અકસ્માત સર્જાયા બાદ ભીડ એકઠી થતા જોઈ અકસ્માત સર્જનાર કારમાં સવાર શખ્સો ગભરાઈ ગયા હતા. તેઓ પોલીસ અને લોકોના હાથે પકડાઈ જવાના ડરે અંધારાનો લાભ લઈ પોતાની ગાડી રસ્તા પર જ મૂકીને નાસી છૂટ્યા હતા. જ્યારે સ્થાનિક લોકોએ કારની અંદર તપાસ કરી તો દ્રશ્યો જોઈને સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. કારની અંદર વિદેશી દારૂની મોંઘીદાટ બોટલો, બિયરના ટીન અને નશો કરવા માટે વપરાયેલા ગ્લાસ વેરવિખેર હાલતમાં પડ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, અકસ્માત સર્જનાર શખ્સો લથડિયાં ખાઈ રહ્યા હતા અને તેઓ સંપૂર્ણપણે નશામાં ધૂત હતા.

ઘટનાની જાણ થતા જ મકરપુરા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી અકસ્માતગ્રસ્ત કાર અને તેમાં રહેલો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. જોકે, આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગના અભાવે આવા તત્વો બેફામ બન્યા છે અને દારૂ પીને રસ્તા પર નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે.
મકરપુરા પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

કારના રજીસ્ટ્રેશન નંબરના આધારે તેના માલિક સુધી પહોંચવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે જેથી આરોપીઓની ઓળખ થઈ શકે. શહેરમાં ચર્ચા છે કે આ કોઈ વગદાર ઘરના નબીરાઓ હોઈ શકે છે. હાલમાં પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ફરાર શખ્સોની શોધખોળ તેજ કરી છે.

Most Popular

To Top