India

પ્રતીક યાદવના અવસાનથી રાજકીય વર્તુળોમાં ચકચાર

મુલાયમ સિંહ યાદવના પુત્ર નું રહસ્યમય મોત,ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શોક વ્યક્ત કર્યો

અખિલેશ યાદવના સાવકા ભાઈ પ્રતીક યાદવનું 38 વર્ષની વયે નિધન, પોસ્ટમોર્ટમ બાદ ખુલશે મોતનું સાચું કારણ
લખનૌમાં સમાજવાદી પાર્ટીના સ્થાપક અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના પુત્ર પ્રતીક યાદવનું બુધવારે વહેલી સવારે અચાનક નિધન થયું હતું. તેઓ માત્ર 38 વર્ષના હતા. આ સમાચાર બહાર આવતા રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક રાજકીય નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે.

મળતી માહિતી મુજબ, બુધવારે વહેલી સવારે લગભગ 5 વાગ્યે પ્રતીક યાદવની તબિયત અચાનક બગડતા પરિવારજનો દ્વારા તાત્કાલિક ડોક્ટરોને બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને લખનૌના સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. જી.પી. ગુપ્તાએ જણાવ્યું હતું કે પ્રતીક યાદવને સવારે લગભગ 5:30 વાગ્યે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, પરંતુ સારવાર શરૂ થાય તે પહેલાં જ ડોક્ટરોએ સવારે 5:55 વાગ્યે તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ તેમના મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. હોસ્પિટલ સત્તાવાળાઓએ જણાવ્યું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. અચાનક થયેલા આ નિધનને લઈને અનેક પ્રકારની અટકળો પણ ચાલી રહી છે.

પ્રતીક યાદવ મુલાયમ સિંહ યાદવ અને તેમની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર હતા. તેઓ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના સાવકા ભાઈ હતા. રાજકીય પરિવાર સાથે જોડાયેલા હોવા છતાં પ્રતીક યાદવે ક્યારેય સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો નહોતો. તેઓ હંમેશા જાહેર જીવનથી થોડા દૂર રહ્યા અને પોતાના વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.પ્રતીક યાદવ રિયલ એસ્ટેટ અને ફિટનેસ ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા. લખનૌમાં તેઓ “ધ ફિટનેસ પ્લાનેટ” નામથી જીમ ચલાવતા હતા, જ્યાં તેઓ ફિટનેસ પ્રત્યે ખાસ રસ ધરાવતા હતા. તેમના મિત્રો અને નજીકના લોકો મુજબ તેઓ હંમેશા સ્વસ્થ જીવનશૈલી માટે જાણીતા રહ્યા હતા.

પ્રતીક યાદવે યુકેની યુનિવર્સિટી ઓફ લીડ્સમાંથી અભ્યાસ કર્યો હતો. શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેઓ ભારતમાં પરત ફર્યા અને પોતાના વ્યવસાયમાં સક્રિય બન્યા હતા. વ્યવસાય સિવાય તેઓ પ્રાણી કલ્યાણના કાર્યોમાં પણ જોડાયેલા હતા. “જીવ આશ્રય” નામની સંસ્થા મારફતે તેઓ રસ્તા પરના ઇજા પામેલા અને બિનવારસી કૂતરાઓના બચાવ અને સારવાર માટે કામ કરતા હતા. પ્રતીક યાદવના લગ્ન વર્ષ 2011માં ભાજપ નેતા અને હાલ ઉત્તર પ્રદેશ રાજ્ય મહિલા આયોગની ઉપાધ્યક્ષ અપર્ણા યાદવ સાથે થયા હતા. અપર્ણા યાદવ રાજકારણમાં સક્રિય છે અને ભાજપ સાથે જોડાયેલા છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે મતભેદ હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી, છૂટાછેડાની પ્રક્રિયા અંગે પણ અહેવાલો સામે આવ્યા હતા.

પ્રતીક યાદવના અચાનક અવસાન બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે, “મુલાયમ સિંહ યાદવજીના પુત્ર અને અપર્ણા યાદવજીના પતિ પ્રતીક યાદવના અચાનક નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદના છે.”

ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી સ્વતંત્ર દેવ સિંહે પણ આ ઘટનાને “આઘાતજનક” ગણાવી હતી. તેમણે ઈશ્વર પાસે પ્રાર્થના કરી કે પ્રતીક યાદવની આત્માને શાંતિ મળે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે. પ્રતીક યાદવના નિધનથી યાદવ પરિવાર સહિત સમગ્ર ઉત્તર પ્રદેશમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હવે સૌની નજર પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર છે, જે તેમના મોત પાછળનું સાચું કારણ સ્પષ્ટ કરશે.

Most Popular

To Top