National

ભાજપે તેલંગાણાના ધારાસભ્ય ટી રાજા સિંહને સસ્પેન્ડ કર્યા, મુહમ્મદ પયગંબર પર કરી હતી ટિપ્પણી

ભાજપે (BJP) તેલંગાણામાં પાર્ટીના ધારાસભ્ય (MLA) ટી રાજા સિંહને (T Raja Singh) સસ્પેન્ડ કરી દીધા છે. ભાજપે તેમને 10 દિવસમાં કારણ બતાવવા કહ્યું છે કે તેમને પાર્ટીમાંથી કેમ હાંકી કાઢવામાં ન આવે. આ પહેલા હૈદરાબાદના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ટી રાજાની પોલીસે ધરપકડ કરી હતી. તેમના પર મુહમ્મદ પયગંબર (Prophet Muhammad) વિરુદ્ધ તેમની કથિત અપમાનજનક ટિપ્પણી માટે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આજે સવારે તેઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને પાર્ટીમાંથી પણ સસ્પેન્ડ કરાયા હતા.

આ પહેલા મંગળવારે ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહની હૈદરાબાદમાં મુહમ્મદ પયગંબર પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ટી ​​રાજા સિંહે એક વીડિયો જાહેર કરીને મુહમ્મદ પયગંબર માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ તેમણે તેને મજાક ગણાવી હતી. તેમના વાંધાજનક નિવેદન બાદ મોટી સંખ્યામાં લોકો તેમના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. હૈદરાબાદની ગોશામહલ સીટના બીજેપી ધારાસભ્ય ટી. રાજા સિંહે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેના કારણે આ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. આ વીડિયો બાદ મોટી સંખ્યામાં મુસ્લિમોએ તેની વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે. લોકોએ દબીરપુરા, ભવાનીનગર, રીનબજાર અને મીર ચોક પોલીસ સ્ટેશનને ઘેરી લઈને દેખાવો કર્યા હતા.

ટી રાજા સિંહની ટિપ્પણીને લઈને સોમવારે મોડી રાતથી હૈદરાબાદમાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. ટોળાએ ટી રાજાની ધરપકડની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધીઓએ ટી રાજાના નિવેદનની તુલના ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા સાથે કરી હતી. બીજેપી નેતાની ધરપકડની માંગ સાથે સમુદાયના કેટલાક સભ્યોએ સોમવારે રાત્રે હૈદરાબાદના કેટલાક ભાગોમાં પ્રદર્શન કર્યું હતું.

ભાજપના ધારાસભ્યએ સોમવારે સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારૂકીની ટીકા કરતો એક વીડિયો જાહેર કર્યો હતો. આ વીડિયોમાં તે કથિત રીતે એક ખાસ ધર્મ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરતો જોવા મળી રહ્યો છે. MLAએ મુનવ્વર ફારૂકીનો શો બંધ કરવાની ધમકી આપી હતી. અગાઉ પણ ટી રાજા સિંહે કોમેડિયન મુનવ્વર ફારૂકીનો શો બંધ કરવાની ધમકી આપી હતી અને સેટને આગ લગાડવાની પણ વાત કરી હતી. રાજા સિંહે કહ્યું કે મુનવ્વર ફારૂકીએ હિંદુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. આ ધમકી બાદ તેને નજરકેદ રાખવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ટી. રાજા સિંહે કહ્યું હતું કે તમે લોકો અમારા ભાઈઓના ગળા કાપી નાખો અને વીડિયો રિલીઝ કરો છો. વિચારો જો હિન્દુ ભાઈઓ પણ આવું કરે તો તમારું શું થશે.

Most Popular

To Top