સુરત-ભરૂચ હાઈવે પર હવે વાહનોને ઉભા રહેવાની જરૂર નહીં પડે; નિતિન ગડકરીએ કર્યું ઉદ્ઘાટન
સુરત, તા.1
ભારતમાં પરિવહન ક્ષેત્રે એક નવી ક્રાંતિનો પ્રારંભ થયો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નિતિન ગડકરીએ ગુજરાતમાં NH-48 ના સુરત-ભરૂચ સેક્શન પર ચોર્યાસી ટોલ પ્લાઝા ખાતે ભારતની સૌપ્રથમ મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) બેરિયર-લેસ ટોલિંગ સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરી છે.
શું છે આ ખાસ ટેકનોલોજી ?
આ સિસ્ટમ અત્યાધુનિક ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) અને FASTag ટેકનોલોજી પર આધારિત છે. અત્યાર સુધી ટોલ ભરવા માટે વાહનોને બૂમ-બેરિયર પાસે ઉભા રહેવું પડતું હતું, પરંતુ આ નવી વ્યવસ્થામાં હાઈવે પર કોઈ બેરિયર (આડશ) નહીં હોય. વાહનો પોતાની નિર્ધારિત ગતિએ પસાર થશે અને કેમેરા દ્વારા નંબર પ્લેટ સ્કેન થઈને ટોલની રકમ આપોઆપ કપાઈ જશે.
વાહનચાલકોને થનારા ફાયદા
- સમયની બચત: ટોલ નાકા પર લાંબી લાઈનોમાંથી મુક્તિ મળશે અને મુસાફરીનો સમય ઘટશે.
- ઇંધણની બચત: વારંવાર વાહન ઉભા રાખવા અને ફરી શરૂ કરવાના કારણે થતા ઇંધણના બગાડમાં ઘટાડો થશે.
- પર્યાવરણ રક્ષણ: વાહનોના ઉત્સર્જનમાં ઘટાડો થતા પ્રદૂષણ ઓછું થશે.
- સીમલેસ મુસાફરી: ટોલ પ્લાઝા પર માનવીય હસ્તક્ષેપ લઘુત્તમ થશે, જેથી પ્રક્રિયા વધુ પારદર્શક અને સરળ બનશે.
ગડકરીએ શું કહ્યું ?
આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું હતું કે, “બેરિયર-લેસ ટોલિંગ સિસ્ટમ નાગરિકો માટે ‘ઇઝ ઓફ લિવિંગ’ વધારશે. આનાથી દેશભરમાં લોજિસ્ટિક્સની હિલચાલ ઝડપી બનશે, જે ‘ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ’ને પણ મોટો વેગ આપશે.” તેમણે કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીના વિઝન મુજબ, ભારત હવે વિશ્વસ્તરીય અને ટેકનોલોજી-સંચાલિત હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરફ આગળ વધી રહ્યું છે.
આ પહેલ ભારતના હાઈવે નેટવર્કને ડિજિટલ અને આધુનિક બનાવવાના દિશામાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ સાબિત થશે.