અમદાવાદ : રાજ્યના પેન્શનરો હવે પેન્શનરોને જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે બેંક, ટ્રેઝરી કે અન્ય કચેરીઓમાં જવાની જરૂર નહીં રહે, ૧ મેથી ૩૧ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન પોસ્ટમેન અને ગ્રામિણ ડાક સેવકો તેમના ઘરે જઈને નિઃશુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્ર બનાવી આપશે.
આ સેવા ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને દૂરદરાજના વિસ્તારોમાં રહેતા પેન્શનરો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. ફેસ ઓથેન્ટિકેશન અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ટેક્નોલોજીના ઉપયોગથી જીવન પ્રમાણપત્ર ઝડપથી તૈયાર કરવામાં આવશે અને તેની ડિજિટલ નકલ સીધી પેન્શન કચેરી સુધી મોકલી આપવામાં આવશે.
ગયા વર્ષે પણ ગુજરાતમાં ૯૩ હજારથી વધુ પેન્શનરોને આ સુવિધાનો લાભ મળ્યો હતો, જેમાંથી ૬૨ હજારથી વધુ લોકોએ ઘરે બેઠા સેવા મેળવી હતી. હયાતી પ્રમાણપત્ર માટે પેન્શનરે માત્ર આધાર નંબર, મોબાઇલ નંબર અને PPO નંબર આપવાનો રહેશે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેન્શનરને SMS દ્વારા પ્રમાણપત્ર આઈડી મળશે, જેના આધારે તેઓ ઑનલાઇન પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશે.