Entertainment

રિતેશ દેશમુખની ‘રાજા શિવાજી’ ફિલ્મમાં સલમાનનો ભગવા પાઘડી અને મૂછમાં સરપ્રાઇઝ લુક વાયરલ

રિતેશ દેશમુખની ફિલ્મ ‘રાજા શિવાજી’ રિલીઝ થતાં જ એક ખાસ વાતે સૌનું ધ્યાન ખેંચ્યું છે, એ છે સલમાન ખાનનો લુક. ફિલ્મમાં સલમાન ખાન એક નાના પરંતુ મહત્વપૂર્ણ કેમિયો રોલમાં જોવા મળ્યા છે. તેમનો આ લુક હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફિલ્મમાં સલમાન ખાન પરંપરાગત મરાઠા વેશભૂષામાં દેખાય છે. તેમણે ભગવા રંગની પાઘડી પહેરી છે અને મૂછ સાથેનો તેમનો લુક ખૂબ જ અલગ અને જોરદાર લાગે છે. દર્શકો માટે આ એક સરપ્રાઈઝ હતું, કારણ કે ફિલ્મ રિલીઝ પહેલા સલમાનના પાત્ર વિશે કોઈ પણ જાતનું ઓફિશિયલ અનાઉસમેન્ટ કરવામાં આવ્યું નહોતું. હવે ફિલ્મ રિલીઝ થયા પછી ખબર પડી છે કે સલમાન ફિલ્મમાં જીવા મહાલેનું પાત્ર ભજવી રહ્યા છે. જીવા મહાલે ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ યોદ્ધા માનવામાં આવે છે, જે છત્રપતિ શિવાજી મહારાજ સાથે જોડાયેલા હતા. સલમાનનો આ નાનો રોલ હોવા છતાં, તેમની હાજરીએ ફિલ્મને વધુ ચર્ચામાં લાવી દીધી છે.

‘રાજા શિવાજી’ ફિલ્મ મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં રિતેશ દેશમુખ મુખ્ય ભૂમિકામાં છે અને તેમણે જ આ ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું છે. ફિલ્મમાં ઘણા મોટા કલાકારો જોડાયા છે, જેમાં અભિષેક બચ્ચન, સંજય દત્ત, ફરદીન ખાન, વિદ્યા બાલન, બોમન ઈરાની, મહેશ માંજરેકર અને ભાગ્યશ્રી જેવા નામો સામેલ છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન રિતેશ દેશમુખે એક રસપ્રદ વાત પણ જણાવી હતી. તેમણે કહ્યું કે સલમાન ખાનએ પોતે જ આ ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. રિતેશ અને સલમાન વચ્ચેની મિત્રતા જૂની છે. પહેલા પણ ‘લય ભારી’ અને ‘વેદ’ જેવી ફિલ્મોમાં સલમાન સ્પેશ્યલ અપીરિયન્સ આપી ચૂક્યા છે. એટલે આ ફિલ્મમાં પણ સલમાનનો કેમિયો મિત્રતાના કારણે જ શક્ય બન્યો છે. સલમાનનો આ સપોર્ટ રિતેશ માટે ખાસ ગણાય છે.

સોશિયલ મીડિયા પર સલમાનના આ લુકને લઈને મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક ફેન્સે તેમના લુક અને એન્ટ્રીને ખૂબ જ દમદાર ગણાવી છે અને પ્રશંસા કરી છે. જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે તેમનો રોલ થોડો વધુ મોટો હોત તો હજી મજા આવત. આમ છતાં, એક વાત સ્પષ્ટ છે કે સલમાન ખાનનો કેમિયો ફિલ્મ માટે એક મોટો આકર્ષણ બની ગયો છે. તેમનો અલગ લુક અને ઐતિહાસિક પાત્રમાં દેખાવ દર્શકો માટે કંઈક નવું લઈને આવ્યો છે. રાજા શિવાજી ફિલ્મ તેના સ્ટાર કાસ્ટ અને ખાસ કરીને સલમાન ખાનના સરપ્રાઈઝ દેખાવ માટે પણ ચર્ચામાં આવી ગઈ છે.

Most Popular

To Top