Charchapatra

અંધશ્રધ્ધાયુકત સંદેશાઓ યોગ્ય છે?

વર્તમાન યુગ સોશ્યલ મીડિયાનો યુગ  અયોગ્ય નથી જ! વોટ્‌સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વિ. અનેક રીતે જાણ્યા અજાણ્યા વ્યકિતઓની મૈત્રી માણી શકાય છે. સુવિચારો અને ઉત્તમ વિચારોની, કાવ્ય, શાયરીઓની વાંચન દ્વારા પ્રાપ્તિ કરી કંઇક શ્રેષ્ઠ વાંચનની અનુભૂતિ પણ કરી શકાય છે! પરંતુ અમુક અંધશ્રધ્ધાળુ વ્યકિતઓ કયારેક ભગવાનના નામે ઇમોશનલ બ્લેક મેઇલીંગ કરતા હોય છે. આ સંદેશો 10 વ્યકિતને ન મોકલશો તો તમે વિચાર્યું પણ ન હોય એવું અહિત થશે! આ કયા પ્રકારની માનસિકતા? સ્વયં તો અંધશ્રધ્ધાનો ભોગ બન્યા હોય અને અન્યને પણ આવા સંદેશા મોકલી માનસિક રીતે ડરાવવાના? પહેલાં સોશ્યલ મીડિયા ન હતું ત્યારે અમુક અંધશ્રધ્ધાળુઓ પોસ્ટકાર્ડ દ્વારા આવા સંદેશા મોકલતા હતા! આવા 10 પોસ્ટકાર્ડ 10 વ્યકિતને મોકલશો તો તમારું ભલુ થશે નહીં તો માતાનો પ્રકોપ તમારા પર ઉતરશે!

આવી વાહિયાત વાત સંદેશા દ્વારા શા માટે મોકલાતી હશે એ સમજ બહારની ઘટના છે! કોઇ પણ ઇશ્વર માતાજી શા માટે આપણા પર અવકૃપા કરે? પોસ્ટકાર્ડ કે સોશ્યલ મીડિયા દ્વારા આવા સંદેશા કોઇ નબળી માનસિક વૃત્તિ ધરાવનાર માટે અવશ્ય હાનિકર્તા નિવડે. એ બીજા દસ વ્યકિતને ગભરાઇ જઇને આવા વ્યર્થ સંદેશા વહેતા કરે અને આવા સંદેશાઓની સાંકળ ચાલ્યા જ કરે! આપણા વાંકગુના વિના કોઇ ઇશ્વર સજા કરતો નથી. શકય હોય તો આવા સંદેશાનો વિરોધ અવશ્ય કરવો. આપણે સૌ વૈજ્ઞાનિક યુગમાં પ્રવેશી ચૂકયા છીએ. સદા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવવો જરૂરી જેથી અંધશ્રધ્ધાનું નિર્મૂલન થાય.
સુરત              – નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top