
અક્ષય કુમાર ફરી એક વાર હેડલાઈન્સમાં આવ્યો છે પરંતુ, આ વખતે ફિલ્મ રીલીઝનું કારણ નથી. સોની એન્ટરટેઈનમેન્ટ ટેલીવિઝન પર શો વ્હીલ ઓફ ફોર્ચ્યુનના તાજેતરના એપિસોડ દરમિયાન એક સ્પર્ધકે અભિનેતાના ઓછા જાણીતા એવા વ્યક્તિત્વ વિષે અને તેના પરોપકારી સ્વભાવ વિષે જણાવ્યું અને લોકોને તે જાણીને સુખદ આશ્ચર્ય થયું.
સ્પર્ધક એ જણાવ્યું કે તે માર્શલ આર્ટસ સાથે જોડાયેલો છે અને અક્ષય કુમાર વિષે કહ્યું કે તે અભિનેતા માર્શલ આર્ટસમાં જેમને આગળ વધવું હોય તેવા વિદ્યાર્થીઓને તેઓ સપોર્ટ કરે છે. તેણે અક્ષય વિષે કહ્યું કે, “સર હું તમારો વર્ષો જુનો વિદ્યાર્થી છું. હું કહેવા માંગું છું કે અક્ષય સર લાયક વિદ્યાર્થીઓને પસંદ કરે છે અને પોતાના ખર્ચે તેમને તાલીમ માટે થાઈલેન્ડ મોકલે છે. તેઓ આંતરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે નાણાકીય સહાય પણ પૂરી પડે છે”. તેણે માર્શલ આર્ટસ તેમાય ખાસ કરીને કુડોમાં અક્ષયના યોગદાન બદલ અભિનેતાનો આભાર માન્યો અને જણાવ્યું કે તેમની પહેલને કારણે જેમની પાસે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચવા માટે પૂરતા પૈસા નથી, તેવી પ્રતિભાઓને આગળ આવવામાં મદદ મળે છે. તેને શિસ્ત અને શીખવા માટે પ્રેરણાદાયક સંદેશ ઉમેરતા કહ્યું કે,”હું ફક્ત એટલું જ કહેવા માંગું છું કે સ્વ શિસ્ત દરેક વ્યક્તિએ અનુસરવું જોઈએ. માર્શલ આર્ટસ શીખવા માટે કોઈ વય મર્યાદા હોતી નથી”. પોતાની શિસ્તબદ્ધ જીવનશૈલી, ફિટનેસ અને માર્શલ આર્ટસ માટે જાણીતા અક્ષય કુમાર યુવાનોને શારીરિક તાલીમ અને સ્વ સુધારણા માટે ઘણીવાર પ્રેરણા આપે છે.
અક્ષય કુમારે પોતે ભાગ્યે જ આના વિષે જાહેરમાં વાત કરી છે. તેમના વિષે જણવા મળેલી આ વાત સમાજ પાસે થી મેળવીને સમાજને તેનું વળતર આપવા જેવું લાગે છે. તેના વિષે જાણવા મળેલી આ વાત પર થી ખ્યાલ આવે છે કે અક્ષય કુમાર ફક્ત એક સુપર સ્ટાર જ નથી પરંતુ એક એવું સશક્ત વ્યક્તિત્વ છે જે આવનારી પીઢી ને સપોર્ટ કરે છે અને તેમને પણ સશક્ત બનવા માટે પ્રતિબદ્ધ કરે છે અને તેમને પ્રેરણા આપે છે. •