National

દિલ્હીમાં શ્રદ્ધા બાદ અંજનની હત્યા, માતા-પુત્રએ લાશના 10 ટુકડા કરી ફ્રિજમાં સંતાડ્યા

નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) શ્રદ્ધા મર્ડર કેસની (Shradha Murder Case) જેમ જ એક મર્ડર કેસ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે અહીં પાંડવ નગરમાં પતિની હત્યાના આરોપમાં પત્ની અને તેના પુત્રની ધરપકડ કરી છે. બંને આરોપીઓએ પહેલા નશાની હાલતમાં ગળું કાપીને હત્યાને અંજામ આપ્યો હતો. આ પછી શરીરના ટુકડાને ફ્રિજમાં રાખવામાં આવ્યા હતા. બંને રોજ ગુપચુપ રીતે નજીકના મેદાનમાં લાશના ટુકડા ફેંકી દેતા હતા. હવે આ મામલે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો કર્યો છે.

મળતી માહિતી અનુસાર દિલ્હીના પાંડવ નગરમાં ક્રાઈમ બ્રાન્ચે પતિની હત્યાના આરોપમાં એક મહિલાની તેના પુત્ર સાથે ધરપકડ કરી છે. બંનેએ મૃતકની લાશના ટુકડા કરી રેફ્રિજરેટરમાં રાખ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ સાથે જ આરોપીઓ દરરોજ ગુપ્ત રીતે નજીકના મેદાનમાં ટૂકડાઓ ફેંકી દેતા હતા. વધુ તપાસમાં પોલીસને જાણકારી મળી છે કે અનૈતિક સંબંધના કારણે આ હત્યા થઈ છે. પતિના અનૈતિક સંબધોના કારણે પતિને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, અને આ હત્યામાં માતા સાથે પુત્ર પણ સામેલ છે.

શું છે સમગ્ર મામલો?
ડીસીપી ક્રાઈમ અમિત ગોયલે જણાવ્યું કે, 5 જૂને પોલીસને રામલીલા મેદાનમાં શરીરના કેટલાક અંગો મળ્યા હતા. ત્રણ ચાર દિવસથી મેદાનમાંથી શરીરના હાંડકા મળી આવ્યા હતા. ત્યાર બાદ કેસ નોંધાયો હતો. પોલીસે પહેલા મૃતદેહની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કંઈ મળી શકાયું ન હતું. આ કેસમાં કોઈ મદદ મળી ન હતી. દિલ્હી પોલીસ આ મામલે સતત તપાસમાં લાગેલી હતી. તાજેતરમાં, ગ્રાઉન્ડની આસપાસના સીસીટીવી ફૂટેજ અને પૂછપરછના આધારે, પોલીસે તાજેતરમાં મૃતકની ઓળખ અંજન તરીકે કરી હતી. જોકે, પોલીસને શંકા હતી કે તે અંજનનો મૃતદેહ છે. આ પછી પોલીસે જ્યારે અંજનની શોધખોળ કરી તો જાણવા મળ્યું કે તે 5-6 મહિનાથી ગુમ હતો અને તેના ગુમ થયાની ફરિયાદ પણ પોલીસમાં નોંધાઈ નથી.

અંજન તેની બીજી પત્ની સાથે રહેતો હતો
ત્યાર બાદ જ્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી તો ખબર પડી કે અંજન તેની બીજી પત્ની પૂનમ સાથે દિલ્હીમાં રહેતો હતો. આ મામલો ત્યારે જ સામે આવ્યો જ્યારે દિલ્હી પોલીસે પૂનમ અને તેના પુત્ર દીપકની પૂછપરછ કરી. પોલીસે ઘટના સમયે પૂનમ અને તેના પુત્ર દ્વારા પહેરેલા કપડા પણ મળી આવ્યા છે.

અનૈતિક સંબંધે લીધો ભોગ
બિહારની રહેવાસી પૂનમના લગ્ન 13 વર્ષની ઉંમરમાં સુખદેવ સાથે થયા હતા. બંનેને એક બાળક પણ હતું. પરંતુ સુખદેવ બાદમાં પૂનમને છોડીને દિલ્હી આવી ગયા હતા. તેની શોધમાં પૂનમ પણ દિલ્હી આવી હતી.પૂનમને અહીં સુખદેવ ન મળ્યો, પણ કલ્લુ સાથે તેની નિકટતા વધી હતી. ત્યાર બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. બંનેને આરોપી દીપક સહિત ત્રણ બાળકો હતા. કલ્લુનું 2016માં બીમારીના કારણે મૃત્યુ થયું હતું. આ પછી પૂનમ અંજન સાથે રહેવા લાગી અને 2017માં બંનેએ લગ્ન કરી લીધા. પૂનમના આ ત્રીજા લગ્ન હતા. બીજી તરફ, અંજન બિહારમાં લગ્ન કરી ચૂક્યો હતો, અને તેને 8 બાળકો પણ હતા. પરંતુ તેણે આ વાત તેની બીજી પત્ની પૂનમથી છુપાવી હતી.

અંજન અને પૂનમ વચ્ચે ઝઘડો થતા હતા
પોલીસના કહેવા પ્રમાણે અંજન કોઈ કામ કરતો ન હતો. તે સંપૂર્ણપણે પૂનમ પર નિર્ભર હતો. તેણે પૂનમના દાગીના પણ વેચી દીધા હતા અને પૈસા બિહાર મોકલ્યા હતા. આ બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. પરંતુ મામલો હત્યા સુધી પહોંચી ગયો જ્યારે દીપકે લગ્ન કરી લીધા. પૂનમને શંકા હતી કે અંજન દીપકની પત્ની અને બહેન પર ખોટી નજર રાખે છે. આવી સ્થિતિમાં બંનેએ અંજનની હત્યાનું કાવતરું ઘડ્યું.

નશાની ગાળીઓ ખવડાવી હત્યા કરી
પૂનમ અને દીપકે પહેલા અંજને ઘરે બોલાવ્યા અને ત્યાર બાદ તેને ઊંઘની ગોળીઓ આપવામાં આવી. અને ત્યાર બાદ તેનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. એટલું જ નહીં, બંનેએ મૃતદેહમાંથી લોહી સુકાઈ જાય ત્યાં સુધી રાહ જોઈ હતી. બીજા દિવસે બંનેએ લોહી સાફ કર્યું હતું. આ પછી, મૃતદેહના ટુકડા કરવામાં આવ્યા હતા. બંને પાંડવ નગર રામલીલા મેદાનમાં આ લાશના ટુકડા ફેંકતા રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર લાશના 8-10 ટુકડા કરવામાં આવ્યા હતા. તેમને અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા. પોલીસે આ ટુકડાઓ કબજે કર્યા છે. તેની ચકાસણી કરવામાં આવી રહી છે. અંજન દાસના પરિવારજનો સાથે ડીએનએ મેચ કરીને આ મૃતદેહના ટુકડાઓની ઓળખ કરવામાં આવશે.

શ્રદ્ધા હત્યા કેસ જેવી અન્ય ઘટના આવી સામે
તમને જણાવી દઈએ કે મુંબઈની શ્રદ્ધા વોકર આફતાબ સાથે દિલ્હીના મહેરૌલીમાં લિવ-ઈન ફ્લેટમાં રહેતી હતી. આરોપ છે કે આફતાબે 18 મેના રોજ શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી હતી. આરોપી આફતાબના જણાવ્યા પ્રમાણે, શ્રદ્ધા અને તેની વચ્ચે ઝઘડો થયો હતો, જે બાદ તેણે શ્રદ્ધાની હત્યા કરી હતી. ત્યારપછી આફતાબે શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કરી દીધા અને તે ટુકડાને ફ્રિજમાં સ્ટોર કરી દીધા. પછી તે રોજ અડધી રાત્રે ઘરની બહાર નીકળી જતો અને અલગ-અલગ વિસ્તારમાં ટુકડો ફેંકતો. આ બાબતના ખુલાસા બાદ પોલીસે 12 નવેમ્બરે આફતાબની ધરપકડ કરી હતી. પોલીસ હત્યા સંબંધિત પુરાવા એકત્ર કરી રહી છે. જો કે હજુ સુધી કોઈ મોટા પુરાવા મળ્યા નથી.

Most Popular

To Top