Charchapatra

ફરી એક નિર્ભયા પીંખાઈ… કયાં સુધી ?

મુંબઈમાં દિલ્હીનું પુનરાવર્તન ! આરોપીને સી. સી. ટી.વી. કેમેરાની મદદથી પકડી લેવામાં આવ્યો. જુદી જુદી રાજકીય પાર્ટીઓના પ્રવકતાઓએ રાજનીતિની ગંદી રમત રમી, આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી દોષારોપણ કરવામાં તમામ હદ પાર કરી દીધી. એક સ્ત્રી કે જે મુંબઈ જેવા ૨૪ કલાક ધમધમતા શહેરમાં રેપનો ભોગ બને અને તેનાં પ્રાઈવેટ પાર્ટને લોખંડના રૉડથી ઘાયલ કરી નાંખે અને મહિલાને ટેમ્પોમાં નાંખી દેવાની ગંભીર ઘટના બને એ દીકરીઓ અને સમાજ માટે ખતરાની ઘંટડી સમાન છે. આવા નર પિશાચોની  જાનવરતાને શું કહેવું? પકડાયેલા આરોપીને એની વિકૃત માનસિકતા માટે દાખલો બેસે એવી સજા કોર્ટે કરવી જરૂરી છે.

ફાસ્ટ ટ્રેક કોર્ટ અને તપાસ માટે SIT ની નિમણૂક બધું નિયમાનુસાર! હવસખોરને સજા થશે  પણ પરિવારે તો દીકરી ગુમાવી. પાષાણ હ્રદયનો માનવી પણ હચમચી ઊઠે, તમામ લાગણીશીલ માણસોની આંખમાંથી આંસુ વહ્યા વગર ન રહે એવો પાશવી અત્યાચાર! બચાવખોરો સોશ્યલ મીડિયા, ઘરનું વાતાવરણ, યુવતીઓનાં કપડાં, ફિલ્મો, પોર્ન ફિલ્મો, માતા પિતાની બેજવાબદારીને જવાબદાર ઠેરવવા હવાતિયાં મારી રહ્યા છે.ત્યારે  જાડી ચામડીનાં આવાં નિવેદનો તેમના પ્રત્યે ઘૃણા પેદા કરે છે.તમારી દીકરીને એ  સ્થાને મૂકીને વિચાર કરી જોજો! દેશની એક દીકરીને એ રાક્ષસે કેટલી ક્રૂરતાપૂર્વક પીંખી,લોખંડના રૉડથી અનેક ઘા કર્યા.એક નિ:સહાય સ્ત્રીએ કેવી રીતે આ બધું સહન કર્યું હશે? તે સમયની ચીખો,બચવાનાં હવાતિયાં,નિ:સહાયતા…  જરા કલ્પના તો કરી જુઓ ! પરસેવો વળી જશે,થથરી ઊઠશો.

સૌથી મૂંઝવતો પ્રશ્ન તો દીકરીની સલામતીનો છે. રાત્રે નોકરીએથી કે બહારગામથી દીકરી એકલી સલામત ઘરે પહોંચે એવા સમાજની કલ્પના કરી શકાય ખરી? હવસખોર તો ત્રણ વર્ષની દીકરીને કે, માનસિક વિકલાંગ મહિલાને પણ નથી છોડતો ત્યારે દીકરીઓના માતા-પિતાની ચિંતાનો કોણ વિચાર કરશે ? બધું જ સ્મશાની વૈરાગ્ય જેવું ! દરેક જણ થોડાક દિવસો ચર્ચા કરશે ફરી આવી કોઈ નિર્ભયા ચૂંથાશે ત્યારે હોબાળો, સહાનુભૂતિ, ડર, કાયદો વગેરે… વગેરે… પછી શું ? કાયમી કોઈ ઉકેલ ?
સુરત     – અરુણ પંડ્યા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top