Dakshin Gujarat

કઠોરમાં બાળકોના ઝઘડામાં પડોશીએ મહિલાના ખભા ઉપર સળિયો મારી દીધો

કામરેજ : કઠોરમાં લખોટી રમવા બાબતે બાળકો વચ્ચે ઝઘડો થયા બાદ મહિલા ઉપર હુમલો થતાં મામલો પોલીસમથકમાં પહોંચ્યો હતો.

કામરેજ તાલુકાના કઠોર ગામના અમરા ફળિયામાં રહેતા રેશ્માબેન સાકીરભાઈ શેખનો પુત્ર સુહાન બે દિવસ પહેલા બપોરે રડતો રડતો ઘરે આવ્યો હતો. તેણે તેની માતા રેશ્માબેનને લખોટી રમવા બાબતે ઘરની સામે આવેલા રોશની એપાર્ટમેન્ટમાં રહેતા અતિકે માર માર્યો હોવાનું કહ્યું હતું. જેથી રેશ્મા બેન તેની ભાભી શેરીન સાથે અતિકના ઘરે ગઇ હતી. તેમણે તેના પિતાને અતિકની ફરિયાદ કરી હતી.

જો કે, આ બાબતે અતિકના પિતા સલીમભાઇ ઓઇલવાલા અને ઘરમાં હાજર બે મહિલા ઉશ્કેરાઇ ગઇ હતી. આ બંને મહિલાઓએ રેશ્માબેનના વાળ ખેંચી તેમને નીચે પાડી દીધા હતાં. તો સલીમભાઇએ તેના ખભા ઉપર સળિયો મારી દીધો હતો. જો કે શેરીનબેને બૂમાબૂમ કરતાં અન્ય પડોશી એકત્ર થઇ ગયા હતાં અને મામલો થાળે પાડ્યો હતો. ત્યારબાદ પણ હવે પછી મારા પુત્રની ફરિયાદ કરશો તો મારી નાંખીશ તેવી ધમકી સલીમભાઇએ આપી હતી. આ બાબતની ફરિયાદ થતાં કામરેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

કામરેજના આંબોલીમાં મોટા ભાઈએ નાના ભાઈની પત્નીનો ડ્રેસ ફાડી નાંખ્યો
કામરેજ તાલુકાના આંબોલી ગામે એકતા એપાર્ટમેન્ટમાં રહેતા અને આંબોલી ચાર રસ્તા ખાતે જીલાની મેટ્રેસિસના નામે ગાદલા બનાવવાની દુકાન ધરાવતાં સલીમ હુસેન મુલતાનીએ કરી હતી. તેમણે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, સ્ટારનગર ખાતે રહેતા તેમના મોટા ભાઈ બિલાલને તેમણે 2,60,000 ઉધાર આપ્યા હતાં.

બે દિવસ પહેલા તે રૂપિયા લેવા માટે તેઓ મોટાભાઇ બિલાલની આંબોલી ખાતે આવેલી મની ટ્રાન્સફરની ઓફિસે ગયા હતાં. તે સમયે તે ત્યાં નહીં મળતાં તેઓ ઘરે ચાલ્યા ગયા હતાં. ત્યારબાદ તેમણે ઘરેથી ભત્રીજાને ફોન કરીને રૂપિયાની સામે આપેલો ચેક બેંકમાં નાંખુ કે નહીં તેમ પૂછતા તેમના ભત્રીજાએ પિતા કઠોર દવાખાને ગયા હોવાનું કહ્યું હતું. તેથી તેઓ પુત્ર સાહિલને લઇને મોટાભાઇને મળવા દવાખાને જઇ રહ્યાં હતાં ત્યારે તેમનો મોટોભાઇ રસ્તામાં એમ.એ.આઇ હાઇસ્કૂલ પાસે જ મળી ગયો હતો.

તેમણે મોટાભાઇ પાસે ઉધાર આપેલા રૂપિયા પરત માંગતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને રૂપિયા આપવાની ના પાડી ગાળો બોલવા લાગ્યો હતો. તેમના પુત્ર સાહિલે કાકાને ગાળો આપવાની ના પાડતાં બિલાલે તેને પણ ગાળો આપી હતી જેથી ઉશ્કેરાયેલા સાહિલે કાકાની કારના કાચ પર હાથ મારતાં કાચ તૂટી ગયો હતો. તે સમયે ત્યાં હાજર લોકોએ સમાધાન કરાવતાં બંને પોતપોતાના ઘરે ચાલ્યા ગયા હતાં.

દરમિયાન ગુરુવારે રાત્રે પોણા આઠવા વાગ્યે ફરિયાદી સલીમભાઇ અને તેમનો પુત્ર સાહિલ ગાદલાની ડિલિવરી કરવાના હોવાથી રિક્ષામાં ગાદલું બાંધી રહ્યાં હતા. તે સમયે તેમનો મોટોભાઇ બિલાલ મુલતાની, તેમનો ભત્રીજો સમીર રાબિયા રો હાઉસમાં રહેતો તેમના મોટાભાઇનો જમાઇ સાહિલ મેમણ અને અંબુ પંચોલી ધસી આવ્યા હતાં અને તેમના પુત્રને માર મારવા લાગ્યા હતાં. જેથી તેમની પત્ની ઝરીના તેમના પુત્રને છોડાવવા વચ્ચે પડતાં તેમના મોટાભાઇએ તેમની પત્નીનો ડ્રેસ ફાડી નાંખ્યો હતો અને છેડતી કરી હતી.

Most Popular

To Top