મેક્સિકો સિટીમાં મેટ્રો અકસ્માતમાં 23 નાં મોત, ડઝનબંધ લોકો ઇજા પામ્યા

મેક્સિકો સિટી : મેક્સિકોની રાજધાની (ના શહેર મેક્સિકો સિટીમાં મેટ્રો રેલના એક એલિવેટેટ સેકશનમાં મેટ્રોનો ઓવરપાસ તેના પરથી એક મેટ્રો ટ્રેન પસાર થઇ રહી હતી તે જ સમયે નીચેના વાહનવ્યવહારથી ધમધમતા માર્ગ પર તૂટી પડતા ઓછામાં ઓછા 23 નાં મોત થયા છે તથા અન્ય ડઝનબંધ લોકો ઇજા પામ્યા છે.

મળતી માહિતી પ્રમાણે ઓલીવોઝ અને ટેઝોન્કો સ્ટેશનો વચ્ચે દોડતી લાઇન-12 નામની મેટ્રો ટ્રેન પસાર થઇ રહી હતી તે સમયે લાહુક વિસ્તારમાં ટ્રાફીક માટેના રસ્તા પર બંધાયેલો મેટ્રો ઓવરપાસ તૂટી (OVERPASS COLLAPSE) પડ્યો હતો. એમ જાણવા મળે છે કે 16 ફૂટ ઉંચા આ ઓવરપાસની એક કોલમ તૂટી પડતા આ ટ્રેનનો એક ડબ્બો (BOGGY) નીચેના રસ્તા પર ઝિંકાયો હતો જ્યારે બીજો ડબ્બો પૂલની ઉપરથી લટકી પડ્યો હતો અને હવામાં ઝૂલતો રહી ગયો હતો. સ્થાનિક સમય પ્રમાણે સોમવારે રાત્રે સાડા દસ વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો અને જે સમયે આ ઘટના બની તે વખતે રોડ પણ સારો એવો ટ્રાફિક હતો.

પોલીસ અને ફાયર બ્રિગેડ (POLICE AND FIRE BRIGADE)ની ટીમો બનાવના સ્થળે ધસી આવી હતી અને તાબડતોબ બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. કાટમાળ હેઠળથી લોકોને કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ટ્રેનના લટકી રહેલા કોચમાં ફસાયેલા મુસાફરોને પણ બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ એવો ભય જણાયો હતો કે આ લટકતો ડબ્બો નીચે ઝિંકાઇ શકે છે અને વધુ જાનહાનિ થઇ શકે છે તેથી આ કામગીરી અટકાવી દેવામાં આવી હતી અને ક્રેઇન વડે તેને નીચે ઉતારવામાં આવે તેની રાહ જોવામાં આવી હતી. બાદમાં ક્રેઇન વડે આ ડબ્બો નીચે ઉતારીને તેમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

આ બનાવમાં કુલ 23 જણા માર્યા ગયા છે તથા અન્ય 70 જેટલા ઇજાગ્રસ્ત છે અને ઇજાગ્રસ્તોમાંથી કેટલાકની હાલત ગંભીર મનાય છે. મેક્સિકો સિટીમાં પચાસેક વર્ષ પહેલા શરૂ થયેલી મેટ્રો સર્વિસમાં આ પહેલા પણ બે મોટા અકસ્માતો (TWO BIGGEST ACCIDENT) થયા છે , જો કે તેમાં આટલી મોટી જાનહાનિ થઇ ન હતી.

Related Posts