Gujarat

મનપા સરકારની નીતિ પ્રમાણે કામ કરે, બાળકો જેવું વર્તન ન કરે: હાઈકોર્ટ

રાજ્યમાં વકરેલી કોરોનાની સ્થિતિ અને થયેલી સુઓમોટો અરજીની સુનાવણીમાં મંગળવારે ફરી એક વખત રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાઓને આડે હાથ લેતા ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળે છે. મનપા સરકારની પોલિસી મુજબ કામ કરતી નથી. શા માટે બાળકો જેવું વર્તન કરે છે? મનપાઓ સરકારની નીતિ મુજબ કેમ કામ કરતી નથી? કોઈ પણ મહાપાલિકાઓ પોતાની મનમાની નહીં ચલાવી શકે.

હાઈકોર્ટે વધુમાં મનપાને ખખડાવતા કહ્યું હતું કે અન્ય કોર્પોરેશનો રિયલ ટાઈમ ડેટા આપે છે, તો તમે શું છુપાવવા માંગો છો ?. ડિવિઝન બેન્ચે વધુમાં કહ્યું હતું કે 108ની સેવાઓ સદંતર નિષ્ફળ નીવડી છે, હજુ પણ 48 કલાક સુધી 108 મળતી નથી? શું આને ઇમરજન્સી સર્વિસ કહી શકાય ? હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે વધુમાં ફટકાર લગાવતા કહ્યું હતું કે રાજ્ય સરકાર કોરોનાની મહામારીને રોકવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. જ્યારે કોઈ આદેશ જાહેર કરવામાં આવે, ત્યારબાદ સરકાર નિર્ણય લેતી હોય છે. આવું સતત જોવા મળી રહ્યું છે. સરકાર શા માટે કડક કાર્યવાહી કરતી નથી?

ગુજરાતમાં પોતાનો કોઈ ઓક્સીજન પ્લાન્ટ કેમ નથી, રાજ્ય સરકારે કેમ કેન્દ્રના ફંડ પર નિર્ભર રહેવું પડે છે?

ગુજરાત હાઇકોર્ટ ઓક્સીજન રેમડેસિવિર ઇન્જેક્શનના મુદ્દે રાજ્ય સરકારનો ઉધડો લેતા કહ્યું હતું કે રાજ્યમાં ઓક્સીજનની શું સ્થિતિ છે, તે અંગે કોઈ જ ચોક્કસ હકીકત રજૂ કરવામાં આવી નથી. ઓક્સીજન માટે કેન્દ્ર સરકારના ફંડ અને સહાય ઉપર કેમ નિર્ભર રહેવું પડે છે? ગુજરાતમાં પોતાનો કોઈ ઓક્સીજન પ્લાન્ટ કેમ નથી?

રેમડેસિવિર મામલે રાજ્ય સરકારની શું નીતિ છે? સ્પષ્ટતા કરો: ઈન્જેકશન વિતરણનો ડેટા રજૂ કરો

રેમડેસિવિર ઇન્જેકશનના મામલે સરકારની નીતિ શું છે, તેની વિગતવાર સ્પષ્ટ કરવા નિર્દેશ કર્યો હતો. સાથે જ છેલ્લા એક મહિનામાં અને પંદર દિવસમાં કેટલા રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ કરાયું તેનો સમગ્ર ડેટા કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ કર્યો હતો. સાથે જ કહ્યું હતું કે હજુ પણ કોરોના દર્દીઓને જરૂરિયાત મુજબના ઇન્જેક્શન મળતા નથી. હોસ્પિટલ અને કંટ્રોલ રૂમ વચ્ચે સંકલન ઊભું કરવાની જરૂરિયાત છે.

તમે એફિડેવિટમાં કેટલીક ખોટી માહિતી રજૂ કરી છે, ટેસ્ટિંગ કેમ ઘટાડ્યા?

હાઈકોર્ટે વધુમાં કહ્યું હતું કે તમે એફિડેવિટમાં કેટલીક ખોટી માહિતી રજૂ કરી છે. આવા તમારા સોર્સ કેવા બેદરકાર છે? આ ઉપરાંત ટેસ્ટિંગ શા માટે ઘટાડવામાં આવ્યા ? તેવો વેધક પ્રશ્ન પણ કરવામાં આવ્યો હતો. કોરોનાના કેસ ઘટયા છે, પરંતુ ટેસ્ટિંગ પણ ઘટાડવામાં આવ્યું છે. શા માટે ઘટાડવામાં આવ્યું?

21 જેટલી યુનિવર્સિટીઓએ ટેસ્ટિંગની વાત કેમ ન માની? તેમની સામે પગલા ભરો

આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે ટેસ્ટિંગના મામલે ૨૧ જેટલી યુનિવર્સિટીઓએ ટેસ્ટિંગની વાત કેમ ન માની તેમ કહી તેમની સામે પગલા લેવા જણાવ્યું હતું. બીજી તરફ સરકાર તરફથી એડવોકેટ જનરલ દ્વારા તેઓ વિરુદ્ધ એપેડેમિક પગલા ભરાશે તેવી ખાતરી આપી હતી.

ભરૂચની હોસ્પિટલમાં આગ અંગે આવતા અઠવાડિયે અલગથી સુનાવણી કરાશે

ભરૂચ હોસ્પિટલમાં લાગેલી આગના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે કહ્યું હતું કે, આ દુઃખદ ઘટના છે. હોસ્પિટલમાં ફાયર સેફટી અને એનઓસી મામલે આવતા અઠવાડિયે અલગથી સુનાવણી હાથ ધરવામાં આવશે.

Most Popular

To Top