Sports

IPLમાં કોરોના : સ્થગિત કરી દેવાતા BCCIને રૂ. 2000 કરોડથી વધુનું નુકસાન

નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને અચોક્કસ મુદત માટે સ્થગિત કરી દેવામાં આવતા ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ને બ્રોડકાસ્ટ અને સ્પોન્સરશિપના મળીને કુલ રૂ. 2000 કરોડથી વધુનું નુકસાન (LOSS) થઇ શકે છે. આઇપીએલમાં કોરોનાની એન્ટ્રી (CORONA ENTRY IN IPL) થવાના કારણે બીસીસીઆઇ દ્વારા આઇપીએલને અચોક્કસ મુદત માટે સ્થગિત કરી દેવામાં આવી છે.

બીસીસીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે પીટીઆઇને જણાવ્યું હતું કે આ સિઝનને અધવચ્ચે સ્થગિત કરી દેવાતા અમને રૂ. 2000થી લઇને રૂ. 2500 કરોડનું નુકસાન થઇ શકે છે. હું કહીશ કે રૂ. 2200 કરોડ એકદમ યોગ્ય રકમ ગણાશે. 52 દિવસ સુધી ચાલનારી 60 મેચોની આ ટૂર્નામેન્ટ (TOURNAMENT) ની ફાઇનલ (FINAL) 30મી મેના રોજ અમદાવાદ (NARENDRA MODI STADIUM)માં રમાવાની હતી. જો કે માત્ર 24 દિવસ ક્રિકેટ રમાયું છે અને એ દરમિયાન 29 મેચોનું આયોજન થઇ શક્યું છે.

બીસીસીઆઇને સૌથી વધુ નુકસાન સ્ટાર સ્પોર્ટસ પાસેથી ટૂર્નામેન્ટના બ્રોડકાસ્ટ રાઇટ્સથી મળનારી રકમમાં થશે. સ્ટારનો પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ 16,347 કરોડ રૂપિયા છે. જે દર વર્ષના રૂ. 3,269 કરોડ જેવો થાય છે. જો એક સિઝનમાં 60 મેચ હોય તો દરેક મેચ માટે લગભગ રૂ. 54.50 કરોડ જેવા થાય છે. સ્ટાર જો દર મેચ અનુસાર ચુકવણી કરશે તો જે 29 મેચ રમાઇ છે તેની રકમ લગભગ રૂ. 1580 કરોડ જેવી થશે.

આ સ્થિતિમાં બોર્ડને રૂ. 1690 કરોડનું નુકસાન થશે. આ રીતે જ ટૂર્નામેન્ટના ટાઇટલ સ્પોન્સર વિવો દરેક સિઝનના રૂ. 440 કરોડ ચૂકવે છે, હવે ટૂર્નામેન્ટ સ્થગિત થતાં તે રકમ પણ અડધી થઇ જશે. આ ઉપરાંત એનએકેડમી, ડ્રીમ11, સીરેડ, અપસ્ટોક્સ અને ટાટા મોટર્સ જેવી સહાયક સ્પોન્સર કંપનીઓ પણ પોતાની રકમ અડધી કરી શકે છે.

Most Popular

To Top