Gujarat Main

રાજ્યના 36 શહેરોમાં 6 થી 12 મે સુધી રાત્રિ કર્ફ્યૂ, આવશ્યક સેવાઓ ચાલુ રહેશે

ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના 29 શહેરોમાં કર્ફ્યૂ મર્યાદા પૂર્ણ થઇ રહી છે. આ અંગે નિર્ણય કરવા ગાંધીનગર ખાતે કોર કમિટીની બેઠકમાં મળી હતી. આ બેઠકમાં રાજ્યના વધુ 7 શહેરો એવા ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી અને વિસનગરમાં રાત્રિ કર્ફ્યૂ (Night Curfew) લાદ્યો છે. આમ 36 શહેરોમાં 6થી 12 મે સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે. ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના 36 શહેરોમાં વધારાના નિયંત્રણો અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ (CM Rupani) નિર્ણય કર્યો છે.

આ સમયગાળા દરમિયાન આવશ્યક સેવા પ્રવૃત્તિઓ જ ચાલુ રાખવાના રાજ્ય સરકારે આદેશો કર્યા છે. COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે. મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષાંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે. સામાન્ય જનજીવનને કોઈ તકલીફ ન પડે અને રાબેતા મુજબનું જીવન જળવાઈ રહે તે હેતુથી રાજ્ય સરકારે ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવાઓ ચાલુ રાખવાના આદેશો કર્યા છે. શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ રેસ્ટોરન્ટની Take away facility આપતી સેવાઓ ચાલુ રહેશે.

રાજ્યમાં ઉત્પાદન પ્રવૃત્તિ અને ઉદ્યોગો ચાલુ રહે તથા શ્રમિકોને કોઈ તકલીફ ન પડે તે હેતુથી તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦ (પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. અંતિમક્રિયા દફનવિધિ માટે મહત્તમ ૨૦ (વીસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે.
તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો મેળાવડાઓ સદંતર બંધ રહેશે. તમામ ધાર્મિક સ્થાનો જાહેરજનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા વિધી ધાર્મિક સ્થાનોના સંચાલકો પૂજારીશ્રીઓ દ્વારા જ કરવાની રહેશે.

રાજ્યમાં અગાઉ જે 8 મહાનગરો સહિત 29 શહેરોમાં રાત્રિના 8 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ હતો તે 29 શહેરો ઉપરાંત ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર અને કડી તથા વિસનગર સહિત કુલ 36 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. આ ૩૬ શહેરોમાં તા. ૬ મે-૨૦૨૧ ગુરૂવારથી તા. ૧૨મી મે-૨૦૨૧ બુધવાર સુધી આ રાત્રી કરફયુના અમલ સહિત વધારાના નિયંત્રણો મૂકવાનો મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી આ કોર કમિટીમાં શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર તેમજ અધિક મુખ્ય સચિવશ્રીઓ ડૉ. રાજીવકુમાર ગુપ્તા, શ્રી મનોજકુમાર દાસ, પોલિસ મહાનિર્દેશક શ્રી આશિષ ભાટિયા અને વરિષ્ઠ સચિવો જોડાયા હતા.

Most Popular

To Top