IPL 2021 : વિદેશી ખેલાડીઓને પરત મોકલવાનો માર્ગ અમે શોધી લઇશું : આઇપીએલ ચેરમેન

નવી દિલ્હી : બાયો બબલ (BIO BUBBLE)માં કોરોનાના કેસની એન્ટ્રી (CORONA ENTRY) થવાના કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને અચોક્કસ મુદત માટે સ્થગિત કરી દેવાયા પછી આઇપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે મંગળવારે કહ્યું હતું કે વિદેશી ખેલાડીઓને પરત તેમના દેશ મોકલવાનો માર્ગ અમે શોધી લઇશું.

મંગળવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા અને દિલ્હી કેપિટલ્સ (DELHI CAPITALS)ના અનુભવી સ્પિનર અમિત મિશ્રાનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ (POSITIVE) આવ્યા પછી આઇપીએલ સ્થગિત (IPL STOP) કરવાનો નિર્ણય લેવાયો હતો. આઇપીએલના ચેરમેન બ્રિજેશ પટેલને જ્યારે વિદેશી ખેલાડીઓ કેવી રીતે પરત જશે એવો સવાલ કરાયો ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે વિદેશી ખેલાડીઓ (FOREIGNER CRICKETER)ને તેમના દેશ મોકલવાની જરૂર છે અને અમે તેનો માર્ગ શોધી કાઢીશું. થોડા દિવસો પહેલા ઓસ્ટ્રેલિયાના ત્રણ અને ઇંગ્લેન્ડનો એક ખેલાડી આઇપીએલમાંથી ખસી ગયા પછી હાલના સમયે આઇપીએલમાં ભાગ લેનારા વિદેશી ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાના 14, ન્યુઝીલેન્ડના 10, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાના 11-11, વેસ્ટઇન્ડિઝના 9, અફઘાનિસ્તાનના 3 અને બાંગ્લાદેશના 2 ખેલાડી હાલ ભારતમાં જ છે.

ન્યુઝીલેન્ડ ક્રિકેટના મતે સંભવિત વિકલ્પની ચર્ચા કરવી ઉતાવળ ગણાશે
ન્યુઝીલેન્ડ ક્રિકેટ દ્વારા એક નિવેદન બહાર પાડીને કહેવાયું હતું કે ખેલાડીઓ સંભવત: હાલમાં સુરક્ષિત માહોલમાં છે અને જે ટીમમાંથી કોરોના કેસ મળ્યા છે તેના ખેલાડીઓ પણ આઇસોલેશનમાં છે. તેમના નિવેદનમાં વધુમાં કહેવાયું હતું કે સ્થિતિના મેનેજમેન્ટ માટે અમે બીસીસીઆઇ, ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) અને ન્યુઝીલેન્ડ સરકારના અધિકારીઓ સાથે કામ કરતાં રહીશું. પણ હાલના સમયે સંભવિત વિકલ્પોની ચર્ચા કરવી એ ઉતાવળીયું પગલું ગણાશે.

ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ-સપોર્ટ સ્ટાફની ઘરવાપસી માટે અમે બીસીસીઆઇ સાથે સંપર્કમાં : ક્રિકેટ ઓસ્ટ્રેલિયા
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એસોસિએશન દ્વારા એક સંયુકત નિવેદન બહાર પાડીને કહેવાયું હતું કે કોરોનાના વધેલા કેસને કારણે ભારતમાંથી આવતી ફ્લાઇટને સ્થગિત કરવાના ઓસ્ટ્રેલિયન સરકારના નિર્ણયનું અમે માન રાખીએ છીએ અને ભારતમાં ફસાયેલા અમારા ખેલાડીઓને તેમાંથી બાકાત રાખવામાં આવે તેવું ઇચ્છતા નથી. નિવેદનમાં કહેવાયું હતું કે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ, કોચીસ, મેચ અધિકારીઓ અને કોમેન્ટેટર્સની ઘરવાપસી માટે સીએ બીસીસીઆઇ સાથે સીધા સંપર્કમાં છે.

આઇપીએલની અલગઅલગ ફ્રેન્ચાઇઝીમાં સામેલ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ
ચેન્નાઇ સુપર કિંગ્સ : જેસન બેહરનડોર્ફ, માઇકલ હસી
દિલ્હી કેપિટલ્સ : સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટોઇનીસ, રિકી પોન્ટીંગ, જેમ્સ હોપ્સ
કોલકાતા નાઇટ રાઇડર્સ : પેટ કમિન્સ, બેન કટિંગ્સ, ડેવિડ હસી
મુંબઇ ઇન્ડિયન્સ : નાથન કુલ્ટર નાઇલ, ક્રિસ લિન
પંજાબ કિંગ્સ : મોઇઝેસ હેનરિક્સ, ઝાય રિચર્ડસન, રિલે મેરેડિથ, ડેમિઅન રાઇટ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : ગ્લેન મેક્સવેલ, ડેનિયલ ક્રિસ્ટીયન, ડેનિયલ સમ્સ, સાઇમન કાટિચ, એડમ ગ્રીફિથ
સનરાઇઝર્સ હૈદરાબાદ : ડેવિડ વોર્નર, ટોમ મૂડી, ટ્રેવર બેલિસ, બ્રાડ હેડિન.

અમારા તમામ ક્રિકેટર્સની ઘરવાપસી માટે અમે તમામ ફ્રેન્ચાઇઝી સાથે સંપર્કમાં : ક્રિકેટ સાઉથ આફ્રિકા
બીસીસીઆઇ દ્વારા આઇપીએલને સ્થગિત કરવાનો યોગ્ય નિર્ણય લેવાયો હોવાનું જણાવીને ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA)એ કહ્યું હતું કે અમારા તમામ ક્રિકેટર્સની ઘરવાપસી માટે અમે તમામ ફ્રેન્ચાઇઝીના સંપર્કમાં છીએ. વધુમાં તેમના દ્વારા કહેવાયું હતું કે જે ખેલાડી સ્વદેશ પાછો ફરશે તેણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની હાલના જે નિયમો છે તેના પાલનની સાથે હોમ ક્વોરેન્ટીનમાં રહેવું પડશે. સીએસએ અને સાઉથ આફ્રિકા ક્રિકેટર્સ એસોસિએશન ભારતમાં હાજર તમામ ક્રિકેટર્સ સાથે સંપર્કમાં છે અને તેમને એવો વિશ્વાસ અપાવાયો છે કે તેમની સુરક્ષિત ઘરવાપસીની ખાતરી આપવામાં આવી છે. તેમના દ્વારા બીસીસીઆઇનો આભાર પણ માનવામાં આવ્યો હતો.

Related Posts